અમૃતા

રઘુવીર ચૌધરી

રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા ‘અમૃતા’ વાચકો માટે રઘુવીર ચૌધરીની ઓળખ જેવી બની રહી છે. અમૃતા વર્ષ 1965માં પ્રગટ થઈ ત્યારે વિવેચકોએ તેને એક અપૂર્વ સાહિત્ય ઘટના તરીકે ઓળખાવેલી. હજી આજ સુધી અમૃતા વાચકો અને વિવેચકોના મનમાં ટકી રહી છે અને તેની દસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી - ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચ-કોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દૃષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દૃષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયાં છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દૃષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદૃષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિંદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળ-કાળનાં પ્રમાણભૂત નિરૂપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે.

 

Free download

રઘુવીર ચૌધરી

રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન, ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.

રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત 'અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.