આપણો ઘડીક સંગ

દિગીશ મહેતા

આ એક અનોખી અને વિલક્ષણ પ્રેમકથા છે – અર્વાચીના અને પ્રોફેસર ધૂર્જટીની. કથામાં ભાષાની હળવી મજાકવાળી તાજગી છે. સૂક્ષ્મ સ્તરે ઊતરતા વિનોદથી એ રસપ્રદ બનેલી છે. પાત્રો અને એમની વય્ચેના સંબંધોનું મરમાળું આલેખન આ સીધી-સાદી લાગતી કથાને અત્યંત રસપ્રદ બનાવે છે. સાહિત્યિક દૃિષ્ટએ જોઈએ તો 1960-70ના સમયની પ્રયોગશીલ ગુજરાતી નવલકથાઓમાં એની આગવી છાપ ઊઠે છે.

આ નવલ વાંચતાં તમને જે આહ્લાદક અનુભવો થશે એમાંના ઘણાખરા તો ભાષાના લાક્ષણિક પ્રયોગના છે.

કલાત્મક છતાં રસપ્રદ આ કથા વાચકને એક નવો જ અનુભવ આપશે, જરૂર.

Free download

દિગીશ મહેતા

દિગીશભાઈ (જ.1934 – અવ. 2001) અંગ્રેજીના અધ્યાપક અને ગુજરાતીના લેખક. જન્મ પાટણમાં ને પ્રારંભિક શિક્ષણ સિદ્ધપુરમાં. પછી તો યુનિવર્સિટી ઑફ લીડ્સમાંથી એમ.એ. થયા. થોડાંક વર્ષ એચ. કે. આર્ટસ કૉલેજમાં ભણાવ્યું પછી ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા.

28ની વયે પહેલી જ કૃતિ આપણો ઘડીક સંગ એમણે લખી અને એક અરૂઢ – જુદી ભાત પાડતી નવલકથા તરીકે એ પ્રશંસા પામી. ત્યાર બાદ એમણે સંસ્મરણાત્મક ટૂંકા નિબંધો લખ્યા – 'દૂરના એ સૂર'એ નામનો નિબંધસંગ્રહ એમની વિશિષ્ટ ગદ્યશૈલીથી ઘણો વાચકપ્રિય અને વિવેચકપ્રિય બન્યો. અંગ્રેજી ભાષાની ખાસિયતો બતાવતું, શિક્ષણલક્ષી કહેવાય એવું પુસ્તક વિચારવિમર્શની રીતે તેમજ લખાવટની રીતે ધ્યાનપાત્ર છે. બીજી નવલકથા અને નિબંધસંગ્રહ ઉપરાંત એમણે 'પરિધિ' નામનો વિવેચન-સંગ્રહ તથા આયનેસ્કોના ધ ચેર્સનો તથા અન્ય અનુવાદો પણ કરેલા.

દિગીશભાઈમાં વિચારોની સૂક્ષ્મતા ઉપરાંત હળવાશભરી શૈલીની આકર્ષકતા – બંને ધ્યાનપાત્ર છે.

(પરિચય: રમણ સોની)