અરધી સદીની વાચનયાત્રા - 4

સં. મહેન્દ્ર મેઘાણી

‘અરધી સદીની વાચનયાત્રા’ના પહેલા ને બીજા ભાગની મળીને પોણો લાખ નકલો બેએક વરસ દરમિયાન છપાઈ છે. આ ત્રીજો ભાગ ઉમેરાતાં લગભગ 2,000 પાનાંનું વાચન ‘અરધી સદીની વાચનયાત્રા’માં સમાવેશ પામ્યું છે. પહેલા ભાગમાં મોટા ભાગનાં લખાણો એક પાનાનાં કે તેથીય નાનાં હતાં. બીજા ભાગમાં બે કે વધુ પાનાંવાળાં લખાણોનું પ્રમાણ થોડું વધ્યું હતું. ત્રીજા ભાગમાં કેટલાંક લખાણો વધુ લાંબાં પણ આપ્યાં છે. પાંચ પાનાંનાં કે તેથી મોટાં લખાણો પંદરેક થાય છે. ત્રણેય ભાગનાં લગભગ તમામ લખાણો ટૂંકાવેલાં છે. તેમાં એક અપવાદ આ વખતે આવે છે. સેંકડો લખાણોના સંક્ષેપ કર્યા છતાં શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના ‘વખાર’(પાનું 71)માં કશો સંક્ષેપ હું કરી શક્યો નથી. સિતાંશુભાઈને સલામ! એવાં લખાણો આપણને વધુ ને વધુ મળતાં રહો. સૌથી લાંબો, 13 પાનાંનો લેખ થયો છે શ્રી અમૃતલાલ વેગડનો. એમના પુસ્તક ‘સ્મૃતિઓનું શાંતિનિકેતન’માંથી વિવિધ પ્રકરણો જુદા જુદા લેખરૂપે આપી શકાય, પણ અહીં તે સામટાં લીધાં છે. એ પુસ્તક મને બહુ ગમી ગયું છે. શ્રી વેગડને પણ સલામ! હમણાં ગણતરી કરતાં ખ્યાલ આવ્યો કે ‘અરધી સદીની વાચનયાત્રા’ના ત્રણ ભાગમાં લગભગ 300 પુસ્તકોના અંશો રજૂ થઈ શક્યા છે. તેનો સ્વાદ ચાખ્યા પછી કેટલાંક મૂળ પુસ્તકો વાંચવાની હોંશ વાચકોને થશે, એવી આશા છે. તેના અનુસંધાનમાં શ્રી રામનારાયણ વિ. પાઠકના એક લેખનો અંશ અહીં પાના 561 પર છે, તે ધ્યાનમાં લેવાની વિનંતી વાચકોને કરું? સાથે સાથે કેદારનાથજીનાં આ વચનો પણ મૂકી શકાય : “વાચનથી માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને વિલીન થઈ જતી હોય, તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃદ્ધિ થતી ન હોય, અને તે પ્રમાણે આચરણ ન થતું હોય, તો એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.” હવે, ઇન્શાલ્લાહ, ચોથો ભાગ 2006માં.

-મહેન્દ્ર મેઘાણી

Free download

સં. મહેન્દ્ર મેઘાણી