અવતરણ

રમણ સોની

આ પુસ્તક(2016)માં ઉત્તમ વિવેચકો, વિચક્ષણ વિચારકો અને પ્રતિભાવંત સર્જકોના વિવિધ વિષયો પરના વિચારઅંશો ઝિલાયેલા છે. એથી આ નાનું પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. આ વિચારોની પસંદગી તથા વિષયક્રમને આધારે ઇચ્છિત મુદ્દો શોધીને વાંચી શકવાની યોજના આ સંગ્રહને વિશિષ્ટ બનાવે છે. એક બીજા અર્થમાં આ સંપાદન મુક્ત સંચય છે. એથી નિજાનંદે કોઈપણ પાનું ખોલીને કોઈપણ વિચારને માણવાની અહીં સગવડ  છે. વૌવિધ્ય અને વ્યાપ એકસાથે રજૂ થયાં હોવાથી વિવેચન અને વિચારનું એક ગતિશીલ ચિત્ર અહીં પ્રાપ્ત થાય છે.

વળી દરેક પાને તે તે વિચારના લેખક, એ અંશ જેમાંથી લીધેલો છે એ પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ  – જેવી વિગતો નોંધેલી હોવાથી વધુ જિજ્ઞાસુ અભ્યાસીને મૂળ ગ્રંથ સુધી જવાની સગવડ પણ મળે છે. પુસ્તકને અંતે આપેલી લેખક-અનુવાદકોની અને ગ્રંથ-સામયિકોની સૂચિ વાચકને સહાયક બને એવી છે. આ પુસ્તક સંપાદનની શાસ્ત્રીયતાનું અને સંપાદકની સજ્જતાનું નિદર્શન આપે છે. પુસ્તકની મુદ્રણ-સજાવટ પણ કલાત્મક છે.

(પરિચય – કિશોર વ્યાસ)

Free download

રમણ સોની

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી  વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા  પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

(પરિચય – કિશોર વ્યાસ)