ભજનાંજલિ

કાકા કાલેલકર

માણસની નૈતિક ભાવના પ્રબળ થાય એ જાતની પ્રાર્થનાઓ ગાંધીજીના સત્યાગ્રહાશ્રમમાં ગવાતી. તેનો નાનકડો સંગ્રહ નારાયણ મોરેશ્વર ખરેએ સંપાદિત કરેલો, તે ‘આશ્રમભજનાવલિ’ નામે ૧૯૨૨માં પ્રથમ બહાર પડેલો. આશ્રમનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું ગયું, તેમ તેમ એ ભજન-સંગ્રહનું કદ નવી નવી આવૃત્તિઓ વખતે વધતું ગયું. ૧૯૯૪ના તેના ૨૮મા પુનર્મુદ્રણમાં ૨૦૦થી થોડાં ઓછાં ભજનો છે. તેમાં કોઈ એક સંપ્રદાયનો ખ્યાલ નથી રાખેલો. જ્યાં જ્યાંથી રત્ન મળી ગયાં, ત્યાંથી તેને એકત્ર કરેલાં છે. ઘણા હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી એને આનંદથી વાંચે છે ને તેમાંથી કાંઈક ને કાંઈક નૈતિક આહાર મેળવે છે. ‘આશ્રમભજનાવલિ’નાં ૪૨ ભજનોનો રસાસ્વાદ કરાવતાં પ્રવચનો કાકા કાલેલકરે આપેલાં, તે ‘ભજનાંજલિ’ નામની પુસ્તિકારૂપે ૧૯૭૪માં પ્રગટ થયેલાં. હાલ તે અપ્રાપ્ય છે. તેમાંથી પંદર પ્રવચનો ચૂંટી, તેને ટૂંકાવીને અહીં રજૂ કરેલાં છે. ભજનોનો ભાવ દક્ષિણ આફ્રિકા જેવા અત્યંત પ્રતિકૂળ પ્રદેશમાં સેવાનો પ્રારંભ કરી ગાંધીજીએ જે અનુભવ મેળવ્યો અને આદર્શ કેળવ્યો, એનો લાભ ભારત મારફતે માનવજાતિને આપવાના હેતુથી તેઓ ૧૯૧૫ માં કાયમને માટે સ્વદેશ આવ્યા. એમણે અમદાવાદમાં સત્યાગ્રહાશ્રમ સ્થાપ્યો. એ આશ્રમમાં પ્રાર્થનામાં ચલાવવા માટે જે ભજનો પસંદ કર્યાં, તે ‘આશ્રમભજનાવલિ’માં સંગ્રહિત છે. આ દેશને વિદેશી ગુલામીમાંથી મુક્ત કર્યા વગર રાષ્ટ્રીય સામર્થ્ય કેળવાય નહિ, અને ભારતમાતાનું જાગતિક મિશન શરૂ ન કરી શકાય, એમ જોઈને એમણે પ્રજાજાગૃતિનો અને રાષ્ટ્રીય સંગઠનનો એક જબરદસ્ત કાર્યક્રમ અમલમાં આણ્યો. અહીંની સંસ્કૃતિની અદ્ભુત તેજસ્વિતા એમણે સત્યાગ્રહ જેવી સાત્ત્વિક યુદ્ધનીતિ દ્વારા ખીલવી બતાવી. એવા એ મહાત્માજીના આશ્રમમાં ચાલતી પ્રાર્થનાઓમાં નિત્ય ગવાતાં ભજનોનો ભાવ સમજાવવાનો પ્રયત્ન તે વખતનાં આ પ્રવચનોમાં કરેલો છે. કાકા કાલેલકર, ૧૯૭૪

 

કાકા કાલેલકર