બાપુની છબી

મહેન્દ્ર મેઘાણી : સંપાદક , કાકા કાલેલકર

આ ચોપડીનું શ્રેય એક રીતે શ્રી રવીન્દ્ર કેળેકરના ‘કાકા કાલેલકર સાથે વિવિધ વાર્તાલાપો’ને જાય છે. એક પચ્ચીસી પહેલાં બહાર પડેલા એ પુસ્તકમાં, શ્રી ઉમાશંકર જોશી તેના પ્રવેશકમાં કહે છે તેમ, “આધુનિક ભારતના ઇતિહાસના તારતાર સાથે આત્મીયતાથી જોડાયેલી કાકાસાહેબ જેવી વયોવૃદ્ધ સાંસ્કૃતિક વ્યક્તિનું ચિંતન સુરેખ રીતે” રજૂ થયેલું છે. હવે અપ્રાપ્ય બનેલું એ સુંદર પુસ્તક ગયે વરસે નવેસર વાંચતાં એવું લાગ્યું કે તે આખું અત્યારે ફરીથી છાપી શકાય તેમ ન હોય, તો છેવટે તેનો સંક્ષેપ પણ વાચકોને મળવો જોઈએ. એવી હોંશથી મેં તેને લગભગ પાંચમા ભાગ જેટલું ટૂંકાવી નાખ્યું. પણ પછી વળી લોભ લાગ્યો કે સાથે સાથે કાકાસાહેબનાં બીજાં પુસ્તકોમાંથી પણ ચિંતનાત્મક અંશોનું સંકલન કરીને તેની સાથે જોડી શકાય તો સારું થાય. એટલે કાકાસાહેબનાં સમગ્ર લખાણોને સમાવતી ‘કાલેલકર ગ્રંથાવલિ’ના પંદર ભાગમાંથી કેટલાક ઉથલાવવા માંડ્યા. એ સેંકડો પાનાં વાંચતાં વાચતાં સમજાયું કે એવા સંકલનનું તો મોટું પુસ્તક થઈ જાય એટલી સામગ્રી એ ગ્રંથાવલિમાં પડેલી છે. મારે તો તૈયાર કરવી હતી કીમત અને કદની દૃષ્ટિએ સામાન્ય વાચકને અનુકૂળ પડે એવી નાની ચોપડી. એટલે પછી ‘વિવિધ વાર્તાલાપો’ના મુખ્ય વિષય બની ગયેલા એવા ગાંધીજી વિશેનો ભાગ તેમાંથી તારવી લીધો. શ્રી ઉમાશંકરભાઈએ કહ્યું છે કે, “કાકાસાહેબે ગાંધીજી વિશે જીવનભર પુષ્કળ લખ્યું છે. પણ આ વાર્તાલાપોમાં ગાંધીજી પ્રત્યે એમનું જે વાત્સલ્ય પ્રગટ થાય છે, એવું ક્યાંય પ્રગટ થયું નથી.” પ્રેમતરબોળ હૃદયથી કાકાસાહેબે કરેલાં એવાં અન્ય થોડાં લખાણો ‘ગ્રંથાવલિ’ અને બીજેથી સહેજે મળી શક્યાં તે ઉમેરીને આ પુસ્તિકા તૈયાર કરી છે. શ્રી કિશોરલાલ મશરૂવાળાએ છએક દાયકા પહેલાં ‘ગાંધીવિચારદોહન’ પુસ્તક તૈયાર કર્યું, તેના નિવેદનમાં એમણે લખ્યું છે તે આ ચોપડીના વાચકો પાસે પણ મૂકવા જેવું છે : ગાંધીજીના લેખોમાં સ્પશ્ટપણે નથી એવું ઘણું આ પુસ્તકમાં છે, એવું ઘણાને લાગશે. હું એમ માનું છું કે કોઈ સત્પુરુષના વિચારોને માત્ર એમનાં પુસ્તકોના અભ્યાસથી પૂરેપૂરા નથી જાણી શકાતા; એમનો સહવાસ જોઈએ. સહવાસ ઉપરાંત એમનું હૃદય સમજવાનો અને એમની સમગ્ર વિચારસરણીના મૂળ પાયા પકડવાનો પ્રયત્ન હોવો જોઈએ. એ પાયા જો હાથ લાગે, તો એમની આખી વિચારસૃષ્ટિ, જેમ ભૂમિતિમાં એક સિદ્ધાંતમાંથી બીજા સિદ્ધાંતો નીકળે છે તેમ, દેખાતી આવે. ગાંધીજીને સમજવાનો મારો પ્રયત્ન આ રીતનો છે. કાકા કાલેલકરના અહીં રજૂ થતાં લખાણમાં પણ એ કોટિનો એક પ્રયત્ન આપણને જોવા મળશે. વળી ગાંધીજીના જીવનના વિવિધ પ્રસંગોમાંથી એમના વિચારો અહીં ઊપસે છે, અને કાકાસાહેબની સમર્થ વાણીમાં તે આલેખાયેલા છે, એટલે તેનું વાચન અત્યંત રસિક બને છે. જેમ ગાંધીજી સાથેના કાકાસાહેબના સહવાસનો અને એમનું હૃદય સમજવાના પ્રયત્નનો, તેવી રીતે ખુદ કાકાસાહેબનું હૃદય સમજવાના ભાઈ રવીન્દ્ર કેળેકરના પ્રયત્નનો લાભ પણ આપણને અહીં મળે છે. આ પુસ્તિકાના લગભગ અરધા ભાગ જેટલું લખાણ એમના ‘વાર્તાલાપો’માંથી તારવવાની સંમતિ આપવા બદલે એમનો હાર્દિક આભાર માનું છું. એમણે ટાંકેલી કાલેલકર-વાણી ઉપરાંત સીધા કાકાસાહેબનાં જ પુસ્તકોમાંથી લીધેલા અંશો અહીં શામેલા કરવાની રજા આપવા બદલ નવજીવન ટ્રસ્ટનો પણ આભાર માનવાનો છે. ભારતને સ્વરાજ મળ્યાને હમણાં પચાસ વરસ પૂરાં થયાં. એ સ્વરાજની મંઝિલ સુધી આપણને અખૂટ પ્રેમ અને ધીરજથી દોરી જનાર રાષ્ટ્રપિતાને સ્વતંત્રતાના સૂર્યોદયની ઘડીએ જ આપણે ખોઈ બેઠા, તેને પણ અરધી સદી વીતવા આવી. હિમાલયના ઉત્તુંગમાં ઉત્તુંગ શિખર સમા અદ્ભુત એમના જીવનનું અને એવા જ ભવ્ય એમના વિચારોનું જરીક દર્શન પર્વતાધિરાજ ગાંધીની આસપાસની શિખર-મંડળી પૈકી એકની ઉપર ઊભાં રહીને જાણે કરતાં હોઈએ, એવી ધન્યતાનો અનુભવ કાકાસાહેબની આ ચોપડી વાંચતાં થશે, એવી આશા છે.

મહેન્દ્ર મેઘાણી

 

મહેન્દ્ર મેઘાણી : સંપાદક , કાકા કાલેલકર