ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી

સં. મહેન્દ્ર મેઘાણી , મનુભાઈ પંચોળી

પંચોતેરમી મેઘાણી જયંતી નિમિત્તે 1972માં શ્રી મનુભાઈ પંચોળીએ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ (સણોસરા)માં આપેલાં ત્રણ વ્યાખ્યાનો કુલ છએક કલાક ચાલેલાં, ને તેને ‘ટેઇપ’ પર ઉતારી લેવામાં આવેલાં. એ ટેઇપ પરથી તેને લેખિત સ્વરૂપે તૈયાર કરીને તેની પુસ્તિકા ત્યારે લોકમિલાપ તરફથી પ્રગટ કરવામાં આવેલી. થોડું સંપાદિત કરેલું તેનું આ સંક્ષિપ્ત સ્વરૂપ 1996-97માં આવી રહેલી મેઘાણી શતાબ્દી માટે વાતાવરણ રચવામાં ઉપયોગી નીવડશે એવી આશા છે.

કશાં લખાણ કે નોંધની સહાય વિના જ આપવામાં આવેલાં આટલાં લાંબાં વ્યાખ્યાનોએ તેના શ્રોતાઓને કેવા અમીરસથી તરબોળ કરી મૂક્યા હશે, તેનો અનુભવ પુસ્તિકાના વાચકોને પણ ઘણે અંશે થયો હશે. એમ જ લાગે કે તે પ્રસંગે વ્યાખ્યાતાની જીભે સરસ્વતી આવીને બેઠી હશે.

આ વ્યાખ્યાનો વાંચીને “હું આફરીન થઈ ગયો”, એવું કહેનાર સ્વામી આનંદની લાગણીનો પડઘો પછી હજારો વાચકોનાં હૈયાંમાંથી ઊઠ્યો હશે. સ્વામીજીએ વિશેષમાં જે કહેલું તેની પણ અનેક અભ્યાસીઓ શાખ પૂરશે : “ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રશાયર કહ્યા તે કેટલું સાર્થક છે, એ આ વ્યાખ્યાનો દ્વારા શ્રી મનુભાઈ પંચોળીએ સમજાવ્યું, તેવી ગુજરાતમાં મેઘાણીની કોઈએ રજૂઆત કરી નથી.”

શ્રી મનુભાઈ પંચોળી આ વ્યાખ્યાનોમાં કહે છે તેમ, “સાહિત્યકારનું ઉત્તમમાં ઉત્તમ તર્પણ તેની છબીઓ પ્રગટ કરવામાં નથી, કે તેના નામના માર્ગો ખુલ્લા મૂકવામાં નથી, પણ તેનાં સર્જનોને સમજવામાં જ તેનું બહુમાન થાય છે.” 1996ની તા. 17 ઓગસ્ટથી ઝવેરચંદ મેઘાણીની 100મી જન્મજયંતીનું વરસ શરૂ થશે, તે નિમિત્તે મેઘાણીના સર્જનને સમજવામાં હજારો વાચકોને, ખાસ કરીને નવી પેઢીને, આ હીરાકણી શી નાની પુસ્તિકા જેટલું મૂલ્યવાન બીજું કશું ભાગ્યે જ મળશે.

શ્રી મનુભાઈ કહે છે કે, મહાત્મા ગાંધીએ ભણેલા લોકોને લોકાભિમુખ થવાને પ્રેર્યા, અને મેઘાણીએ કર્યું એ કે લોકો શું છે તેને સજીવ કરી બતાવ્યું. મેઘાણીએ લોકની એક વૈવિધ્યભરી, રંગરૂપભરી સ્રુશ્ટિ આપણી પાસે ખડી કરી દીધી, અને તેના પ્રત્યે રુચિ-મોહિની પેદા કરી. ડોસાંડગરાં, ગામઠી વાણી બોલવાવાળાં, થીગડાં દીધેલાં મેલાં કપડાં પહેરવાવાળાં — ગમે તેવાં હોય, પણ તેના પ્રત્યે એક પ્રકારનો અહોભાવ પેદા કર્યો. મેઘાણીની મોટામાં મોટી સેવા આ હતી.

આવી સેવાની જરૂર આપણી પ્રજાને છ-સાત દાયકા પહેલાં હતી, તેવી હજી આજે પણ છે. મેઘાણીના અક્ષરદેહ પાસેથી હવે તે આપણને મળી રહો.

પ્રજાસત્તાક દિન : 1996 

-મહેન્દ્ર મેઘાણી

 

Free download

સં. મહેન્દ્ર મેઘાણી , મનુભાઈ પંચોળી