ભવનું ભાતું

સં. મહેન્દ્ર મેઘાણી

ભવનું ભાતું - યાદગાર વાચન : ‘મિલાપ’: 1965

છાપેલા શબ્દોનો જે પ્રવાહ સામયિકોમાં વહેતો રહે છે, તેમાંથી જરાક જેટલું ઉત્તમ તારવીને જાળવી રાખવાનો પ્રયાસ ‘મિલાપ’ માસિક (1950-1978) કરતું. પણ અંતે તો એ પોતે પણ એક સામયિક જ ને? એનાં તારવેલાં લખાણોયે પાછાં કાળના પૂરમાં તણાવા લાગે. તેથી એકાદ દાયકાને ટીંબે જરા થંભીને ‘મિલાપ’ના અંકોમાંથી પણ પાણીદાર મોતી જેવાં થોડાંક લખાણો વીણીને પુસ્તકરૂપે તેને સાચવવાની હોંશ રહેતી. પરિણામે 1951થી 1960ના દાયકાના ‘મિલાપ’ના અંકોમાંથી ચૂંટી કાઢેલાં લખાણોનો લગભગ 250 પાનાંનો સંગ્રહ ‘દાયકાનું યાદગાર વાચન’ 1966માં પ્રગટ કરેલો. તેમાં પોણોસોએક લેખકોની નેવું જેટલી કૃતિઓ હતી, જે વાચકો હજી પણ માણી શકે એવી લાગેલી.

1960 પછીના ‘મિલાપ’ના અંકોમાંથી પણ ‘દાયકાનું યાદગાર વાચન’ના વધુ બે ભાગ બહાર પાડવાની ઉમેદ હતી. પણ દસ વરસના 120 અંકો સામટા ઝીણવટથી તપાસીને તેમાંથી લખાણો વીણવાની નિરાંત ફરી મળી નહિ. છેવટે 1995માં એમ મન મનાવ્યું કે દસ નહિ તો એક એક જ વરસના અંકોમાંથી તારવણી કરીને તે પુસ્તક રૂપે પ્રગટ કરતા જવી. એટલે 30 વરસ પહેલાંના, 1965ના વરસના, અંકોમાંથી આજે પણ વાચકોને રસદાયી નીવડે તેવાં લખાણો ‘ભવનું ભાતું’ નામે આ નાના સંચય રૂપે બહાર પડે છે. મૂળ લખાણો ટૂંકાવીને ‘મિલાપ’માં મૂકેલાં, તેમાંથી ઘણાંનો અહીં થોડો વિશેષ સંક્ષેપ કરેલો છે.

છાપાં-સામયિકોની ક્ષણભંગુર કુત્સિતતા જોઈ જોઈને આપણે ઘણાએ ગ્લાનિ અનુભવી હશે. અને છતાં એ જ કાદવામાંથી સાંપડેલાં, અહીં સંઘરાયાં છે તેવાં પંકજ-પુશ્પોની મહેક અંતરને ભરી મૂકે છે. ભલે અલ્પ પ્રમાણમાં પણ આવાં લખાણો મેળવવા આપણે ભાગ્યશાળી થયાં, તે બદલ એના લેખકો પ્રત્યે હૃદય ઓશીંગણભાવ અનુભવે છે. પણ એ લેખકોનો સાચો મહિમા આપણે ક્યારે કર્યાે ગણાય, તે તો કેદારનાથજીના આ શબ્દો સૂચવી જાય છે :
“વાચનથી માત્ર શુભ ભાવનાઓ જાગ્રત થઈને પછી વિલીન થઈ જતી હોય, તો એથી શો લાભ? વાચનથી જો ભાવનાઓની વૃદ્ધિ થતી ન હોય, અને તે પ્રમાણે આચરણ ન થતું હોય, તો એ વાચન એક જાતનું વ્યસન જ બની જાય છે.”

‘ભવનું ભાતું’માં સંગ્રહિત લખાણો વાચકોની, સંપાદકોની પણ, ભાવનાઓની વૃદ્ધિ કરાવનારાં નીવડશે એવી આશા છે.

-મહેન્દ્ર મેઘાણી

 

Free download

સં. મહેન્દ્ર મેઘાણી