ગાંધીજીની જીવનયાત્રા

સં. મહેન્દ્ર મેઘાણી

ગાંધીજીની આત્મકથા એમના અઠવાડિક ‘નવજીવન’માં 1925ની 29મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિધ્ધ થવા લાગી હતી. પછી તે પુસ્તકરૂપે બહાર પડી 1927માં.

ગાંધીજીના જીવનની કથા એમણે જ લખેલા એક બીજા પુસ્તકમાં પણ આવે છે: ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’. એ તો ‘આત્મકથા’ની પણ પહેલાં લખાયેલું અને પ્રગટ થયેલું.

ગાંધીજીનાં અનેક જીવનચરિત્રો વિવિધ ભાષાઓમાં લખાયેલાં છે. પણ તે બધાંમાં એમણે પોતે લખેલાં આ બે પુસ્તકોનું સ્થાન અનેરું છે. લગભગ આઠ દાયકા પહેલાં બહાર પડેલાં એ બે પુસ્તકોની મળીને કુલ પાંચેક લાખ નકલો 2008ના અંત સુધીમાં છપાઈ છે. પણ હજી તેનો ઘણો વધારે ફેલાવો કરવાનો અવકાશ છે.

આ બે પુસ્તકોના મળીને કુલ સવા બે લાખ જેટલા શબ્દો થાય છે. તેનો આ સંયુક્ત સંક્ષેપ લગભગ 58,000 શબ્દોમાં અહીં નમ્રભાવે રજૂ કર્યો છે તે એમ ધારીને કે તેથી અનેક વાચકોને તે વાંચવાનું સુગમ બનશે. ‘આત્મકથા’નો મથુરાદાસ ત્રિકમજીએ કરેલો સંક્ષેપ 1945માં બહાર પડયો પછી તેની પણ ચારેક લાખ નકલો છપાઈ છે.

‘આત્મકથા’ અને ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ના અંગ્રેજી અનુવાદોનો સંયુ ત સંક્ષેપ ભારતન કુમારપ્પાએ કરેલો, તે 1951માં બહાર પડેલો. તેને આધારે થયેલો ગુજરાતી સંક્ષેપ 2006માં પ્રગટ થયો છે. આ સંયુ ત સંક્ષેપ એ મૂળ બે ગુજરાતી પુસ્તકોને સાંકળી લઈને મેં કર્યો છે. તેમાં જૂજ શબ્દ ઉમેરેલા છે તે ચોખંડા કૌંસમાં મૂકેલા છે. વા યરચ ના વધુ સ્પષ્ટ કરવા માટે કેટલાક શબ્દોનાં સ્થાન બદલ્યાં છે. કેટલાંક પ્રકરણો આખાં ને આખાં છોડી દીધાં છે અને કેટલાંક ખૂબ ટુંકાવ્યાં છે. ટુંકાવેલાં પ્રકરણો કેટલીક જગ્યાએ એકબીજા સાથે જોડી દીધાં છે. પરિણામે અમુક પ્રકરણોનાં શીર્ષક બદલવાં પડયાં છે. વચિત એક પ્રકરણનો અમુક ભાગ ઉપાડીને અન્ય પ્રકરણમાં ગોઠવી દીધો છે. આવા ફેરફારો છતાં, આખી કથા ગાંધીજીના જ શબ્દોમાં રજૂ થઈ છે. ગાંધી સ્મારક સંગ્રહાલય(અમદાવાદ)ના સૌજન્યથી કેટલીક છબીઓ અહીં સામેલ કરી છે. 2008ની આખરે ગાંધીજીનાં લખાણોનો કોપીરાઇટ પૂરો થયો છે. સમસ્ત માનવજાતનો હવે એ વારસો બને છે. સાતેક વરસ પહેલાં રવીન્દ્રનાથનાં લખાણો પરનો કોપીરાઇટ પૂરો થતાં વિવિધ પ્રકાશકોએ બહાર પાડેલાં તેમનાં પુસ્તકોનો સારો એવો ફેલાવો થયેલો. તે રીતે હવે ગાંધીજીનાં પુસ્તકોનો પણ થાય તેવી આશા રાખી શકાય.

ગાંધીજીનાં પુસ્તકો નવજીવન પ્રકાશન મંદિર તરફથી રાહતદરે આપવામાં આવે છે. તે પ્રણાલિકાને અનુસરીને લોકમિલાપ ટ્રસ્ટ પણ આ પુસ્તક સાવ નજીવી કીમતે આપતાં આનંદ અને ગૌરવ અનુભવે છે.
આ બે પુસ્તકોના અંગ્રેજી અનુવાદનો પણ આ રીતે કરેલો સંયુ ત સંક્ષેપ સાથોસાથ પ્રગટ થાય છે. તેનો ફેલાવો જગતના અનેક દેશોમાં થઈ શકશે, એવી ઉમેદ છે. એ સંક્ષેપને આધારે વિવિધ ભાષાઓમાં અનુવાદો પણ થશે. પોણોસોએક વરસ પહેલાં ગોળમેજી પરિષદ માટે લંડન જતા ગાંધીજીને સંબોધીને ઝવેરચંદ મેઘાણીએ લખેલા યાદગાર ગીત ‘છેલ્લો કટોરો’ના આ શબ્દો આજે પણ યાદ આવે છે:

સુર-અસુરના આ નવયુગી ઉદધિ-વલોણે,...
તું વિના, શંભુ! કોણ પીશે ઝેર દોણે?...
આજાર માનવજાત આકુલ થઈ રહી, બાપુ!
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ!

એકવીસમી સદીના આરંભે હિંસાની આગમાં સળગતી કે હિંસાના ઓથાર નીચે જીવતી આજાર માનવજાતની તબીબી માવજત કરીને તેને મુક્તિનો માર્ગ બતાવી શકે એવા એક મહાપુરુષે આલેખેલી પોતાના જીવનની આ સંક્ષિપ્ત કથા દેશવિદેશના વધુ લાખો વાચકો સુધી પહોંચાડવાની હોંશ ગાંધીજીના દેશવાસીઓને થશે, એવી આશા છે.

મહેન્દ્ર મેઘાણી

 

Free download

સં. મહેન્દ્ર મેઘાણી