હિંદ સ્વરાજ

મોહનદાસ કરમચંદ ગાંધી

‘હિંદ સ્વરાજ’ની નવી આવૃત્તિ ૧૯૪૧ની સાલમાં બહાર પડી તે વિશે સ્વ. મહાદેવભાઈએ તથા પૂ. બાપુએ તે વખતે કરેલાં નિવેદનો આપ્યાં હતાં.

ત્યાર પછી એ નવી આવૃત્તિનું ૧૯૪૫માં પુનર્મુદ્રણ થયું. તેની નકલો પૂરી થવાથી આ આવૃત્તિ ફરી છપાય છે ત્યારે એક વાત વાચકોના ધ્યાન પર લાવવા જેવી છે.

૧૯૪૫ના પુનર્મુદ્રણ પછી એક ભાઈએ, પાન ૫૮ પર તેરમી લીટીમાં જે આ વાક્ય છે કે, “તેઓને કાં તો તોપબળ કાં તો હથિયાર-બળ શીખવું જોઈએ” - તેના તરફ ધ્યાન ખેંચતાં લખ્યું હતું કે, વાક્યમાં तोपबलને બદલે तपबल હોવું જોઈએ. સંદર્ભ જોતાં લાગે છે કે, બાપુ તે વાક્યમાં તોપબળ અને આત્મબળ કે સત્યાગ્રહ એ બે બળની વાત કરે છે તે ઉઘાડું છે, ‘હિંદ સ્વરાજ’નું મૂળ લખાણ ગુજરાતીમાં છે. તેની હસ્તાક્ષર આવૃત્તિ નવજીવને[૧] બહાર પાડી છે તે જોતાં જણાશે કે, તેમાં तोपबल અને हथियारबल એ જ શબ્દો છે, એથી તે સુધાર્યું નથી, પણ આ બાબત વાચકોની જાણ સારુ અહીં નોંધી છે.

૧-૬-૧૯૫૪

 

મોહનદાસ કરમચંદ ગાંધી

મોહનદાસ કરમચંદ ગાંધી (૨,ઑક્ટોબર ૧૮૬૯ – ૩૦,જાન્યુઆરી ૧૯૪૮)આમ તો સતત લખતા રહેલા પત્રકાર-લેખક ગણાય. ‘ઇન્ડિયન ઓપિનિયન’, ‘નવજીવન’, ‘યંગઇન્ડિયા’, ‘હરિજનબંધુ’, વગેરે દ્વારા એમણે પોતાના વિચારો અને પોતાનો જીવનસંદેશ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આખી દુનિયાને પહોચાડ્યાં. પોતાને લાધેલા સત્યને એ કઠોર પ્રયોગો દ્વારા ચકાસતા ગયા એનું આલેખન એમનાં ઘણાં પુસ્તકોમાં પણ મળશે. એમનો નક્કર અવાજ સરળ પણ અસરકારક અને કદીક માર્મિક ગદ્યમાં ઊતર્યો છે એથી ગાંધીજીનાં એવાં લખાણો સાહિત્યનો મોભો પણ પામ્યાં છે. એમનાં કેટકેટલાં પુસ્તકોમાંથી ‘હિંદસ્વરાજ(૧૯૦૮),’ ‘સત્યનાપ્રયોગો(૧૯૨૭)’, ‘મંગલ પ્રભાત(૧૯૩૦)’, ‘કેળવણીનો કોયડો(૧૯૩૮)’, વગેરેને જુદાં તારવીશકાય.

ગાંધીજીનું જીવન અને કાર્ય એટલાં બધાં જાણીતાં છે કે એ વિશે લખવું અનાવશ્યક છે.

પરિચય: રમણ સોની