મારા ગાંધીબાપુ

ઉમાશંકર જોશી

શ્રી ઉમાશંકર જોશીએ એમના ‘સંસ્કૃતિ’ માસિકના 1969ના ગાંધી શતાબ્દી વર્ષના જાન્યુઆરીથી ઑક્ટોબર સુધીના અંકોમાં રજૂ કરેલા 125 પ્રસંગો ‘ગાંધીકથા’ પુસ્તકરૂપે પ્રગટ થયા. એક પ્રતાપી યુગપુરુષ અને એક મોટા કવિના જીવન અને કલમનો સુભગ સંગમ તેમાં થયો છે. તેમાંથી ચૂંટેલા પ્રસંગોની ટચુકડી ખીસાપોથી લોકમિલાપે 1983માં બહાર પાડેલી. એ 30 પ્રસંગોમાંથી 23 આ નાની પુસ્તિકામાં હવે રજૂ કરીએ છીએ.
મહેન્દ્ર મેઘાણી

કપૂરના દીવા

મહાત્મા ગાંધી પાસે બંગાળમાં કોઈએ સંદેશો માગ્યો ત્યારે એમણે બંગાળીમાં ચાર શબ્દો કહ્યા : “આમાર જીવન ઈ આમાર બાની” – મારું જીવન એ જ મારો સંદેશો છે. એટલે કે, એઓ એમ ઇચ્છે છે કે એમના શબ્દો કરતાં એમનાં કાર્યોમાં એમના આચરણમાં એમનો સંદેશો શોધવામાં આવે.

એમના જીવનના છૂટક છૂટક પ્રસંગો પર ધ્યાન કેન્દ્રિત કરવું અને એ પ્રત્યેકમાં પ્રગટ થતી એમના જીવનની કોઈ ને કોઈ વિભૂતિનો પરિચય કરવો, એ આશયથી ‘ગાંધીકથા’ના આ 125 પ્રસંગો રજૂ કર્યા છે. એક એક પ્રસંગ એ કપૂરનો દીવો છે.

ગાંધીજી કોઈ પણ બનાવની હકીકતો માટે ખૂબ આગ્રહી હતા. હકીકત અંગે મેં કાળજી રાખવા પ્રયત્ન કર્યો છે. પ્રસંગો માટે મેં બાપુજીનાં પોતાનાં લખાણોનો ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત મહાદેવ ભાઈની ડાયરીઓ (1-9), રાવજીભાઈ પટેલનાં પુસ્તકો, કાકાસાહેબ કાલેલકર અને શ્રી મનુબહેન ગાંધીનાં પુસ્તકો, પ્રભુદાસ ગાંધીકૃત ‘જીવનનું પરોઢ’, રામદાસ ગાંધીનાં ‘સંસ્મરણો’ અને શ્રી શંકરલાલ બૅંકરકૃત ‘ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ’ આદિનો મેં ઉપયોગ કર્યો છે. કેટલાક પ્રસંગો મને કેટલીક વ્યક્તિઓ પાસેથી મળ્યા છે.

ઉમાશંકર જોશી

 

ઉમાશંકર જોશી

તેઓ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના બામણા ગામે ૨૧ જુલાઈ ૧૯૧૧ (અષાઢ વદ ૧૦ વિ.સં. ૧૯૬૭) ના દિવસે જન્મ્યા હતા. તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના માતા - પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનો નામ : રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. ૧૯૩૭માં તેઓનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું. તેમની પુત્રીઓના નામ નંદિની અને સ્વાતિ છે.તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણા ગામે અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું.