વેવિશાળ

ઝવેરચંદ મેઘાણી

વેવિશાળની એક સામાજિક સમસ્યાને લઈને લખાયેલી આ નવલકથા તે સમયે બહુ લોકપ્રિય નીવડેલી. વેવિશાળ તોડી નાખવાના પેંતરા, એ પેંતરા કરનાર પરિવાર માટેનો સુશીલાનો કડવાશ છોડી દેતો સમભાવ, અને અન્ય પાત્રોનું – સૌરાષ્ટ્રી ખાસિયતો સાથેનું વૌવિધ્ય આ નવલકથાની વાર્તાનું ચાલકબળ છે.

પ્રસંગોના નિરૂપણમાં કેટલુંક પ્રતીતિકર ન લાગે, છતાં માનવસ્વભાવનું આલેખન મેઘાણીની આ નવલકથાને સુવાચ્ય બનાવે છે.

તળપદ ભાષાનું ખમીર અને કથાવેગ આ નવલકથાના વાચનને જરૂર રસપ્રદ બનાવશે.

ઝવેરચંદ મેઘાણી

ઝવેરચંદ કાલિદાસ મેઘાણી (૧૮૯૭-૧૯૪૭ ) 'રાષ્ટ્રીય કવિ' નું બહુમાન પામેલા, લોકકંઠના કવિ અને લોકસાહિત્યના આપણા પાયાના અને અગ્રણી સંપાદક સંશોધક. મેઘાણી ઉત્તમ નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રલેખક, અનુવાદક, વિવેચક અને પત્રકાર હતા - એવી એમની બહુક્ષેત્રીય પ્રતિભા હતી.

મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર ગણાયા એ તો ખરું જ, પણ એમની મહત્ત્વની ઔળખ તો તળ સૌરાષ્ટ્રી ભાષાના ખમીરને તથા લોકસાહિત્યની મૂલ્યવાન પરંપરાને ઊંચકીને સૌની સામે મૂકનાર શોધક-સર્જક તરીકેની છે. 50  જ વર્ષનું આયુષ્ય ને એમાં લેખનકાર્ય તો પચીસ જેટલાં વરસનું – પણ એમાં કવિતા-વાર્તા-નવલકથા-રેખાચિત્ર-નાટક-વિવેચન તેમજ અનુવાદ અને પત્રકારી લખાણોનાં 88 ઉપરાંત પુસ્તકો એમણે આપ્યાં તથા લોકસાહિત્યનું સંપાદન-સંશોધન કર્યું.

જૂનાગઢમાંથી અંગ્રેજી-સંસ્કૃત સાથે બી.એ. થઈને કલકત્તા મેનેજરની નોકરી કરી પણ વતન અને લોકસાહિત્યના આકર્ષણે પાછા આવ્યા, `સૌરાષ્ટ્' સાપ્તાહિકમા જોડાયા, સાથે જ લોકસાહિત્યનું સંપાદન શરૂ કર્યું. એ પછી એમની સાહિત્ય-સર્જન અને પત્રકારત્વમાં સતત સાધના ચાલતી રહી. 'યુગવંદના' કાવ્યસંગ્રહ, 'સોરઠ તારાં વહેતાં પાણી' નવલકથા, 'વહુ અને ધોડો' જેવી ઉત્તમ વાર્તાઓને સમાવતા સંગ્રહો, 'સૌરાષ્ટ્રની રસધાર' જેવાં લોકસાહિત્ય સંપાદનો એમનું મહત્ત્વનું પ્રદાન છે.

ભાષાપ્રેમ અને પ્રદેશપ્રેમને કારણે, કલકત્તામાંની મેનેજરની નોકરી છોડીદઈને વતન પાછા ફર્યા અને પત્રકાર, લોકસાહિત્ય-સંપાદક અને સાહિત્યસર્જક તરીકે સતત કાર્યશીલ રહ્યા. સૌથી નાની (30ની) વયે રણજિતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયેલો. ઉચ્ચશિક્ષણની સજ્જતાને એમણે તળ સાહિત્યના ઉત્થાન માટે યોજી એ મેઘાણીનુ ંઅગત્યનું અર્પણ ગણાશે.

પરિચય - રમણ સોની