સમૂળી ક્રાન્તિ

કિશોરલાલ મશરૂવાળા

મશરૂવાળાની આગવી અને મૂળભૂત વિચારણાને ખૂબ સઘન રીતે નિરૂપતું આ નાનકડું પુસ્તક એમની ખરી ઓળખ આપનારું બન્યું છે. એના પાયામાં  ગાંધીવિચાર હોવા છતાં લેખકે એથી આગળ પોતાનો સ્વતંત્ર માર્ગ નીપજાવ્યો છે. ધર્મ-સમાજ-આર્થિક-રાજકીય ક્રાન્તિ-કેળવણી એવા ક્રમે એમણે સ્વતંત્ર વિચારશક્તિની પ્રેરકતા ચીંધી છે – જેમકે ઇશ્વરનો સ્વીકાર પણ કોઈ પયગંબરનો અસ્વીકાર. એથી આ વિશદ નિરૂપણવાળું પુસ્તક વિચારોત્તેજક બન્યું છે. એમાં પ્રવેશવું પણ એટલું જ ઉત્તેજક નીવડશે.

કિશોરલાલ મશરૂવાળા

કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા (જ. ૫, ઑક્ટોબર ૧૮૯૦ – અવ. ૯, સપ્ટેમ્બર ૧૯૫૨) : મૌલિક અને નિર્ભિક વિચારક તરીકે જાણીતા હતા. ગાંધીજીના એક અંતેવાસી જેવા અને ગાંધીના કેટલાક વિચારોના ભાષ્યકાર જેવા હોવા છતાં એમની ગાંધીજીથી સ્વતંત્ર એવી નિજી વિચારણા પણ હતી. વિજ્ઞાનના સ્નાતક, રાષ્ટ્રિય શાળાના શિક્ષક, સ્વાતંત્ર્ય-સેનાની, 1946થી ‘હરિજન’ પત્રના તંત્રી મશરૂવાળાનું ખરું વ્યક્તિત્વ તો વિશ્લેષક ચિંતક-વિચારક તરીકેનું જ.

લેખક અને અનુવાદક તરીકે એમણે આપેલાં પુસ્તકોમાંથી વધુ મહત્ત્વનાં તારવીએ તો, ‘રામઅનેકૃષ્ણ’, ‘જીવનશોધન’, ‘સમૂળીક્રાન્તિ’, ‘કેળવણીનાપાયા’, ‘સ્ત્રીપુરુષમર્યાદા’, ‘કાગડાનીઆંખે’, એ મૌલિક પુસ્તકો તથા અનુવાદ-પુસ્તકો ‘વિદાયવેળાએ’ (ખલીલ જિબ્રાનકૃત ‘ધ પ્રોફેટ’), 'ઊધઈનું જીવન'(મેરિસમૅટરલિંક કૃત’ધ લાઈફ ઑફ ધ વ્હાઇટ ઍન્ટ્સ’) મુખ્યગણાય. 'ગીતાધ્વનિ’ નામે એમણે કરેલો ભગવદ્ગીતાનો સમશ્લોકી અનુવાદ પણ નોંધપાત્ર છે.

(પરિચય - રમણ સોની)