સાત વિચારયાત્રા

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

આજે ભારતની અરધોઅરધ વસતીની ઉંમર 25 વર્ષની નીચે છે. હવે પછીની ચૂંટણીમાં કરોડો યુવક-યુવતીઓ પહેલી વાર મતદાન કરી શકશે. તેમાંથી કેટલાક રાજકારણમાં પણ પ્રવેશ કરશે, સરકારમાં હોદ્દા ધરાવશે, વેપાર-ઉદ્યોગમાં જવાબદારીઓ સંભાળશે, શિક્ષણ-સાહિત્યના ક્ષેત્રે ફાળો આપશે.

રાષ્ટ્રના આ નૂતન નાગરિકોના મોટા ભાગને પૂરતી કેળવણી લેવાનો અવકાશ નહીં મળ્યો હોય.. પોતાની વયને કારણે જે અધિકારો એમને સાંપડશે તેનો દેશહિતમાં ઉપયોગ કરવા માટે તેમણે પોતાનું જાત-શિક્ષણ સતત કરતા રહેવું પડશે. તેમાં સહાયરૂપ થાય તેવા વિચારોનો ખોરાક તેમને પૂરો પાડવાનું કામ ખૂબ અગત્યનું છે. દેશમાં આજે અન્નના કરતાં પણ વધુ વિકરાળ દુકાળ વિચારોનો જણાય છે. આ વિચારશૂન્યતા જો દૂર ન થાય તો કરોડો નવા મતદારો આવશે તો પણ એ-નાં એ નબળાં તત્ત્વો સરકારમાં આવશે. એટલું જ નહીં, વહીવટીતંત્ર, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં પણ એમની જ આણ ફેલાશે. 

સદ્ભાગ્યે આ નૂતન નાગરિકોને સમજાય, રસ પડે અને પ્રેરણા આપે એવું સાહિત્ય આપણી પાસે છે. તેમાંથી કાળજીપૂર્વક પસંદગી કરીને નાની નાની, અલ્પ કિંમતવાળી હજારો-લાખો પુસ્તિકાઓનો ફેલાવો યુવાન પેઢીમાં કરવાનો છે. તે દિશામાં એક નમૂનારૂપે આ પુસ્તિકા તૈયાર કરી છે. 

મહેન્દ્ર મેઘાણી 

 

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

મહેન્દ્ર મેઘાણી ગુજરાતી પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. તેઓ જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક મિલાપના સ્થાપક તંત્રી હતા.

તેમનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો. મહેન્દ્રભાઈએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર ખાતે લીધુ હતું. ત્યારપછી ૧૯૪૨માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈ સ્થંળાતર કર્યુ હતું અને હિંદ છોડોની લડત દરમ્યાન અભ્યાસ અધુરો છોડ્યો હતો. ૧૯૪૮માં તેઓ પત્રકારત્વનાં અભ્યાસ માટે અમેરીકાની કોલંબીયા યુનિવર્સિટી ગયા હતા.

મહેન્દ્રભાઈએ તેઓની કારકિર્દીની શરુઆત ગુજરાતી દૈનિક નૂતન ગુજરાત માટે લેખમાળા લખીને કરી હતી.૧૯૫૦માં તેઓએ મિલાપ સામયિકની શરુઆત કરી હતી જે તેઓએ ૧૯૭૮ સુધી ચલાવ્યુ હતું.૧૯૫૩માં તેઓએ તત્કાલીન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સોવીયેટ યુનીયન,પોલેન્ડ અને યુગોસ્લાવીયાનો પ્રવાસ કર્યો હતો. ૧૯૬૯નાં વર્ષમાં ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શનોનું આયોજન કરી ભારતીય પુસ્તકો અને ગાંધીજીના વિચારોનો પ્રચાર કર્યો હતો. ૧૯૭૨ની સાલથી લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓએ ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકોને સસ્તા ભાવે પ્રકાશીત કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા હતાં. આ ઉપરાંત ૧૯૮૮ની સાલથી તેઓએ જાણીંતા પુસ્તકોનુ સંક્ષીપ્તીકરણ કરીને ૧૦૦ જેટલા પાનાઓની પુસ્તીકાઓ પ્રકાશીત કરીને અતીઅલ્પ ભાવે આપીને લોકોમાં વાંચન વધારવાનો પ્રયાસ કર્યો હતો.

તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે થયુ હતું.