શું શું સાથે લઈ જઈશ હું?

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

શું શું સાથે લઈ જઈશ હું?
– એ સવાલ ઉમાશંકર જોશીએ 1954માં એક કાવ્યમાં પૂછેલો અને પછી કહેલું; “લઈ જઈશ હું સાથે....પૃથ્વી પરની રિધ્ધિ હૃદયભર”. તેને આગલે વરસે લખેલા બીજા એક કાવ્યમાં કવિએ જણાવેલું કે "મળ્યાં વર્ષો  તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું".

કવિની જેમ ઘણા સામાન્ય માનવીઓને પણ આવો સવાલ થવાનો − ખાસ કરીને જેનો જવાનો સમય થઈ ગયો હોય તેવા મારા જેવાને. પરલોકે જઈને "અમૃત લઈ આવ્યો અવનિનું" કહેતાં મારી થેલીમાંથી થોડીક કાવ્ય-કણિકાઓ કાઢી શકું તો હું ધન્ય થાઉં. સોએક કવિઓનાં કાવ્યોમાંથી એક એક વીણેલી એવી કણિકા અહીં રજૂ કરી છે કવિઓનાં નામની કક્કાવારી મુજબ, તે બધી અનેક વાર વાંચવાનો અને બીજાને વાંચી સંભળાવવાનો આનંદ "મળ્યાં વર્ષો તેમાં” માણ્યો છે. અનેક મિત્રોને પોસ્ટકાર્ડ પર તે લખી મોકલી ત્યારે જ સંતોષ અનુભવ્યો છે. એવો આનંદ અને એવો સંતોષ કવિતાના જે ચાહકોને સાંપડતો હશે તેમના ચિત્તને આમાંની કેટલીક કણિકા સ્પર્શી જશે એવી આશા છે.

20 જૂન, 2013
મહેન્દ્ર મેઘાણી


 
 

મહેન્દ્ર મેઘાણી : સંપાદક

મહેન્દ્ર મેઘાણી ગુજરાતી પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર અને પ્રકાશક હતા. તેઓ જાણીતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના જયેષ્ઠ પુત્ર હતા. તેઓ જાણીતા ગુજરાતી સામયિક મિલાપના સ્થાપક તંત્રી હતા.

તેમનો જન્મ ૨૦ જૂન ૧૯૨૨ના રોજ મુંબઈ માં થયો હતો. મહેન્દ્રભાઈએ તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગર ખાતે લીધુ હતું. ત્યારપછી ૧૯૪૨માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી તેમણે મુંબઈ સ્થંળાતર કર્યુ હતું અને હિંદ છોડોની લડત દરમ્યાન અભ્યાસ અધુરો છોડ્યો હતો. ૧૯૪૮માં તેઓ પત્રકારત્વનાં અભ્યાસ માટે અમેરીકાની કોલંબીયા યુનિવર્સિટી ગયા હતા.

મહેન્દ્રભાઈએ તેઓની કારકિર્દીની શરુઆત ગુજરાતી દૈનિક નૂતન ગુજરાત માટે લેખમાળા લખીને કરી હતી.૧૯૫૦માં તેઓએ મિલાપ સામયિકની શરુઆત કરી હતી જે તેઓએ ૧૯૭૮ સુધી ચલાવ્યુ હતું.૧૯૫૩માં તેઓએ તત્કાલીન ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સોવીયેટ યુનીયન,પોલેન્ડ અને યુગોસ્લાવીયાનો પ્રવાસ કર્યો હતો. ૧૯૬૯નાં વર્ષમાં ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષમાં વિશ્વના અનેક દેશોમાં પ્રદર્શનોનું આયોજન કરી ભારતીય પુસ્તકો અને ગાંધીજીના વિચારોનો પ્રચાર કર્યો હતો. ૧૯૭૨ની સાલથી લોકમિલાપ ટ્રસ્ટના નેજા હેઠળ તેઓએ ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકોને સસ્તા ભાવે પ્રકાશીત કરીને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા હતાં. આ ઉપરાંત ૧૯૮૮ની સાલથી તેઓએ જાણીંતા પુસ્તકોનુ સંક્ષીપ્તીકરણ કરીને ૧૦૦ જેટલા પાનાઓની પુસ્તીકાઓ પ્રકાશીત કરીને અતીઅલ્પ ભાવે આપીને લોકોમાં વાંચન વધારવાનો પ્રયાસ કર્યો હતો.

તેમનું અવસાન ૩ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ભાવનગર ખાતે થયુ હતું.