વિદિશા

ભોળાભાઈ પટેલ

વિદિશા – પ્રવાસ-સાહિત્યના ૧૧ નિબંધોનું આ પુસ્તક વર્તમાનકાળની આંગળી ઝાલીને ભૂતકાળમાં પણ વિહાર કરાવે છે. એ વિહાર સૌંદર્ય-વિહાર છે. આજના મધ્યપ્રદેશના વિદિશા શહેરમાં ફરતા ભોળાભાઈ કવિ કાલિદાસના 'મેઘદૂત’ કાવ્યની રસિક નગરી વિદિશાને આંખ સામે ખડી કરે છે. તો, `ખજૂરાહો’ નિબંધમાં, શિલ્પોની મોહક અંગભંગીઓને જીવતી કરે છે ને એ રતિશિલ્પોમાં પ્રફુલ્લ સૌંદર્યનો અનુભવ કરાવે છે. આ નિબંધોની ભાષામાં ને સ્થળો જોવાની લેખકની રસિક દૃષ્ટિમાં એક રોમૅન્ટિક લહર છે – પણ એ મસ્તી છીછરી નથી પણ ઘુંટાયેલી છે એટલે સૌંદર્યનો સાચો બોધ કરાવે છે. એથી, તે જ્યાં જ્યાં જઈ આવ્યા છે ત્યાં જવા માટે આપણા મનને અધીરું કરે છે. તો, જલદી પ્રવેશીએ એમના રસ-વિશ્વમાં –

 

Free download

ભોળાભાઈ પટેલ

સાહિત્યકાર ભોળાભાઈ એટલે વિવેચક અનુવાદક નિબંધકાર. એના મૂળમાં અભ્યાસીની જિજ્ઞાસા-વૃત્તિ અને સર્જકનું વિસ્મય એકસરખાં છે. હિંદીના અધ્યાપક, ગુજરાતીના લેખક. પ્રૉફેસર થયા પછી પણ ભણતા ગયા –અંગ્રેજીમાં એમ.એ., ભાષાવિજ્ઞાનમાં ડિપ્લોમા કર્યું. સંસ્કૃત-બંગાળી-અસમિયા-ઓડિયા-ફ્રેન્ચ ભાષાઓ શીખ્યા. નવલકથા-નાટક-કવિતા-વિવેચનનાં પુસ્તકોના અનુવાદો કર્યા. વિવેચન-સંપાદનના મહત્ત્વના ગ્રંથો આપ્યા. પણ પ્રવાસરસિક ભોળાભાઈના સર્જનાત્મક નિબંધોમાં એમનું તાજગીભર્યું કુતૂહલ ને અખૂટ અભ્યાસવૃત્તિ એકસાથે ખીલી ઊઠયાં.

સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.

ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.

(પરિચય - રમણ સોની)