અવાજની આંખેથી — અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો અવાજ મેટાલિક. અવાજમાં તાંબાના તાર જેવો રણકાર. અવાજમાં જાણે કશુંક ચુંબકત્વ. એમના અવાજમાં આંખ પરોવો કે તરત જાણે વશીકરણ શરૂ. સ્પષ્ટ ઉચ્ચારો. લયાત્મક વાણી. કવિતાને કાનથી વાંચીએ તો જ એના છંદોલયની બારીકી સમજાય, એનો આંતરધ્વનિ પરખાય, એમ ગદ્યનો લય એ શું ચીજ છે એ જાણવા માટેય અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પઠન સાંભળવું પડે. કાવ્યનું કે ગદ્યનું પઠન કઈ રીતે થાય એ શીખવા માટેય અનિરુદ્ધભાઈને સાંભળવા પડે.
નમૂનારૂપ સ્મરણકથાનો અંશ – ‘પૂર્વાંચલ’, એમની સર્જકતા જેમાં વિશેષ મહોરી ઊઠી છે એ સ્વરૂપ – ચરિત્રનિબંધમાંથી ‘ખોવાયેલોભગવાન’, ‘ભોળો મગર’ અને ‘બાબુ વીજળી’ તથા થોડાંક વિલક્ષણ કાવ્યો આ ઓડિયો-બુકમાં પ્રગટ થઈ શક્યાં છે. આઠમા દાયકામાં અનિરુદ્ધભાઈના અવાજમાં આ બધું રેકોર્ડ થયેલું. એમના પરિવારે એ જતનથી જાળવ્યું. મેગ્નેટિક ટૅપમાં થયેલું રેકોર્ડિંગ આટલાં વર્ષો સાચવવું સહેલું નથી. પછી નવી સદીમાં એનું ડિજિટલમાં રૂપાન્તર કરીને એમનું પઠન સાચવી લેવું. આ અઘરું કામ શક્ય બન્યું છે એ માટે નલિનીબહેન, મેધા, ઋચા, અપૂર્વ તથા મિત્ર અતુલ રાવલને અભિનંદન આપીએ એટલા ઓછા.
લ્યુકેમિયા (બ્લડ કૅન્સર) થયા પછી અનિરુદ્ધભાઈ મને કહેતા, ‘યોગેશ, મારો અવાજ હવે પહેલા જેવો રહ્યો નથી.’ પહેલા જેવો નહિ એવા અવાજમાં આ રેકૉર્ડિંગ થયેલું – મેગ્નેટિક ટૅપમાં, ને પછી ડિજિટલમાં રૂપાન્તરણ થયું. આથી મૂળ રેકોર્ડિંગની ગુણવત્તા કદાચ પૂરી ન જળવાય; આમછતાં ક્લેરિટી ખૂબ સરસ સચવાઈ છે. મૂળ રેકોર્ડિંગની લગભગ નજીકનો અવાજ પણ જળવાયો છે. આથી એમના અવાજનો જાદુ શ્રોતા અનુભવી શકશે એવી આશા છે.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
સુરેશ જોષીદ્વારા ગુજરાતીમાં અદ્યતનતાનું જે આંદોલન આરંભાયું એના એક મહત્ત્વના વિવેચક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (જ. 11.11.1935 – અવ. 31.7 1981). અભિનિવેશ કે ઉદ્રેક વિના, વિશ્વસાહિત્યના પરિશીલનવાળું એમનું વિવેચન પ્રાસાદિકતાના ગુણવાળું હતું. પશ્ચિમના સાહિત્ય ઉપરાંત ભારતીય સાહિત્યશાસ્ત્ર-વિશે પણ એમણે સ્વાધ્યાયો આપેલા. ‘અન્વીક્ષા'(1970) અને બીજા બે વિવેચન-સંગ્રહોમાં એમનું વિવેચન ગ્રંથસ્થ થયેલું છે. વિવેચન ઉપરાંત કવિતા (‘કિમપિ'), વાર્તા(‘અજાણ્યું સ્ટેશન'), ચરિત્રનિબંધોના સર્જક અનિરુદ્ધ ધ્યાનપાત્ર પુસ્તક તે નામરૂપ(1981)નાં ચરિત્રો. ઝવેરચંદ મેઘાણી, કાન્ત જેવા કર્તાઓ અને સુદામાચરિત્ર, મામેરું જેવી કૃતિઓ પરનાં સમીક્ષા-વિવેચનલેખોનાં એમનાં સંપાદનો વિશિષ્ટ અને અધ્યાપકની નિષ્ઠાવાળાં છે.
આજીવન ગુજરાતીના અધ્યાપક રહેલા અનિરુદ્ધ એક પ્રભાવક વક્તા પણ હતા.
આ તેજસ્વી, અને હજુ ઘણું આપી શક્યા હોત એવા શિક્તમંત સાહિત્યકારનું બ્લડ કૅન્સરની બિમારીથી માત્ર 46ની વયે અવસાન થયેલું.
– રમણ સોની