ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા (Audiobook)

સાહિત્યરસિક મિત્રો,

તમારું સૌનું સપ્રેમ સ્વાગત...

હવે પછી તમે અનેકના કંઠે સાંભળવાના છો, અને પછી વાંચવાના પણ હશો એ ગુજરાતી પ્રવાસનિબંધોનું સંપાદન અમે, મેં અને ભારતીબહેને શા માટે અને કેવી રીતે કર્યું છે એની વાત પછી. હમણાં તો હું તમને પ્રવાસનિબંધો વાંચવાની કેવી લિજ્જત હોય છે એનો મારો અંગત અનુભવ કહું. મારા એક લલિત નિબંધનાં થોડાંક વાક્યો તમારી સામે વાંચું છું; એ સાંભળો —

‘બહાર વરસાદ પડે છે ને હું મારા રૂમમાં, ઓશિકે અઢેલીને પ્રવાસનું પુસ્તક વાંચું છું. વરસાદને ગઈકાલે બહાર હીંચકે ઝૂલતાંઝૂલતાં માણ્યો. આજે એ વરસાદ મહેમાન નથી, ઘરનો માણસ છે. ઓશિકે અઢેલીને બેઠો છું ને સામે બારીમાંથી એ પૂછે છે, ‘કેમ છો?’ ને હું ‘કેમ, આજે પણ તને બહુ જોર ચડ્યું છે કંઈ’ એટલું કહીને પ્રવાસપુસ્તકમાં પ્રવેશું છું. કાન વરસાદને સાંભળે છે, આંખો અત્યારે પ્રવાસમાં છે.

તો ક્યાં છું હું? તો કે ઘરમાં અને ફ્રાન્સમાં એકસાથે. હજુ શરૂઆતનાં પાનાં છે એટલે પેલો એફિલ ટાવર પણ વરસાદની ધારાઓની પેલે પાર દૂર દેખાઈ રહ્યો છે. હે પ્રવાસલેખક મિત્ર, મને ઝટ અંદર ખેંચી લે. 

હવે હું ઘેરાઈ ગયો છું લોભામણા ફ્રાન્સથી. નથી હવે વરસાદ, નથી ઘર, નથી ઓશિકે અઢેલ્યાની નિરાંત. હું હવે અહીં નથી ત્યાં છું. વિશાળ જગવિસ્તારે... 
પ્રવાસનિબંધ પણ કલાકૃતિ છે, અને એનો આનંદ એક અનુભવસમૃદ્ધિ છે — આનંદનું ઐશ્વર્ય. એ મને પરિપ્લાવિત કરે છે, આ વરસાદની ધારાઓની જેમ જ...

તો મિત્રો, તમારો સૌનો આનંદ પણ મારા જેવો, જરાક જુદો પણ હોય, તમારો પોતાનો. પણ તમારી સામે હવે અદ્ભુત માનવજગત અને રોમાંચક પ્રાકૃતિક વિશ્વ ખૂલી જશે... 

ગુજરાતી ભાષામાં પ્રવાસલેખનની શરૂઆત થયાને તો લગભગ પોણા બસો વરસ થયાં. પરંતુ ઈ. ૧૮૬૧માં ડોસાભાઈ કરાકા નામના પારસી લેખકે ‘ગરેટ બરીટન ખાતેની મુસાફરી’નું સચિત્ર પુસ્તક આપ્યું ત્યાંથી એના ખરા શ્રીગણેશ થયા કહેવાય. ત્યાંથી આજ સુધીમાં વિદેશ અને દેશના અનેક પ્રવાસોનાં પુસ્તકોનો એક મબલખ ખજાનો છે એમાંથી અમે, છેક હમણાં સુધીનાં પુસ્તકોમાંથી, ત્રેપન લેખકોની સિત્તેર જેટલી નિબંધકૃતિઓ તમારી સામે મૂકી છે. હા, કાકાસાહેબ કાલેલકર ને ભોળાભાઈ પટેલ જેવાની તો ત્રણ-ચાર કૃતિઓ લેવી જોઈએ ને? એટલે સિત્તેર. પણ એ સિત્તેર આપણી તારવેલી પ્રવાસસંપદા છે, એમાંથી વળી આ શ્રુતિસંપદા, આ ઑડિયો પ્રવાસ-સંપદા એક વિશેષ તારવણી છે.

અમે આ સંપાદનમાં બે મહત્ત્વની કાળજી રાખી છે — એક તો દરેક સમયગાળાને પ્રતિનિધિત્વ મળે ને બીજું પસંદ કરેલા નિબંધો વાચન અને શ્રવણ માટે રસપ્રદ બની રહે. પ્રવાસલેખકો જેમ સર્જકો છે એમ વિચારકો પણ છે. અને એટલે પ્રકૃતિના સૌંદર્યને આલેખવાની સાથે સાથે એ લેખકોએ માનવસ્વભાવ, માનવસમાજ અને વિવિધ સંસ્કૃતિઓનાં વર્ણનો તેમજ પોતાનાં નિરીક્ષણો આપ્યાં છે. 

બસ, આથી વિશેષ શું કહેવાનું હોય? હવે તમે પૂરા કુતૂહલથી અને રસથી પ્રવેશ કરો આ પ્રવાસવિશ્વમાં. સૌને સાનંદ શુભેચ્છાઓ

—રમણ સોની 

સંપાદકો : રમણ સોની • ભારતી રાણે

ઑડિયો સંકલન : શ્રેયા સંઘવી શાહ


ઑડિયો પઠન: 
અનિતા પાદરિયા
કિરણ પટેલ
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
પાર્થ મારુ
ભારતી રાણે
મનાલી જોષી
રમણ સોની
શ્રેયા સંઘવી શાહ

ઑડિયો એડિટિંગ: પાર્થ મારુ 

 

 

પ્રવાસ નિબંધો સાંભળવા અહીં ક્લિક કરો

https://ekatra-pravassahitya.glide.page

વિવિધ પઠનકારો દ્વારા ગુજરાતી વાર્તાઓ અને નિબંધોનું ઑડિયો-રેકોર્ડીંગ

 

ઑડિયો સંકલન : શ્રેયા સંઘવી શાહ

 

ઑડિયો પઠન: 

અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
પલક જાની
પાર્થ મારુ
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોષી
શ્રેયા સંઘવી શાહ
હિતેશ દરજી

કર્તા-પરિચયો: અનિતા પાદરિયા

પરામર્શક: તનય શાહ

ઑડિયો એડિટિંગ: પ્રણવ મહંત,  પાર્થ મારુ,  કૌશલ રોહિત