અન્વેષણા

ભોગીલાલ સાંડેસરા

ભોગીલાલ સાંડેસરા આપણાં ગુજરાતી સાહિત્યના સંશોધક અને વિવેચક છે. તેમણે ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ, ભારતીય વિદ્યા અને પ્રાચ્યવિદ્યા વગેરે વિષયોમાં વ્યાપકરીતે વિદ્વત્તાથી કામ કર્યું છે. તેમનું લેખન વિવિધ સંદર્ભો અને ટિપ્પણોથી ભરપૂર છે. એટલે સંશોધક અભ્યાસીને એમના લેખનમાંથી સંશોધન માટેના સંદર્ભો મળશે.

 

ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખનો એમનો ‘અન્વેષણા’ સંગ્રહ નોંધપાત્ર સંદર્ભસામગ્રીથી ખીચોખીચ ભરેલો છે. આ સંગ્રહમાં લેખકના બે વ્યાખ્યાનો, સંખ્યાબંધ રેડિયો વાર્તાલાપ તથા શબ્દચર્ચાવિષયક કેટલીક નોંધો છે. સંગ્રહમાંના આ લેખોનું વૈવિધ્ય જુઓ. અહીં ‘વેદ,ઋત અને વરુણ’, ‘ચૈત્યો અને વિહારો’, ‘શાન્તિપર્વ : રાજનૈતિક દ્રષ્ટિએ’, ‘ચૈત્યો અને વિહારો’, ‘પ્રાચીન ભારતમાં વહાણવટ અને નૌકાસૈન્ય’, ‘ભારત અને ચીન : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ‘પ્રાચીન ભારતમાં વહાણવટ અને નૌકાસૈન્ય’, ગુજરાત અને કાશ્મીર : પ્રાચીન સાંસ્કારિક સંપર્ક’, ‘અમદાવાદની પોળ : ઐતિહાસિક દ્રષ્ટીએ’, ‘શાંતિપર્વ : રાજનૈતિક દ્રષ્ટીએ’, ‘ભાષા અને વ્યાકરણ’, ‘ત્રિભુવનદીપકપ્રબંધ’, ‘કાન્હડદેપ્રબંધ’ વગેરે જેવાં ૪૨ લેખ છે. વિવિધ વિષયસંદર્ભો તપાસવા, સામગ્રીનું ચયન કરવું અને સામગ્રીને યોગ્ય સંદર્ભો સાથે ગોઠવવાની કળા શીખવતો આ સંગ્રહ આજે પણ મહત્ત્વૂર્ણ છે.

— કીર્તિદા શાહ

ભોગીલાલ સાંડેસરા

 

ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા (૧૩-૪-૧૯૧૭, ૧૮-૧-૧૯૯૫): વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫માં મેટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ.

૧૯૪૩થી ૧૯૫૦ સુધી ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક – સંશોધક. ૧૯૫૦માં પીએચડી. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી મ.સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. એ દરમ્યાન ૧૯૫૮થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. 



પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વતાથી લેખકે કાર્ય કર્યું છે.

(જુઓ ગુજરાતી સાહિત્ય કોશ-૨, પ્રકાશક; ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ)