સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ

રમણ સોની : સંપાદક

ગુજરાતી વિવેચનમાં ભોળાભાઈ પટેલ એમની તુલનાત્મક વિવેચનદૃષ્ટિથી તેમજ વિદેશી-ભારતીય-ગુજરાતી લેખકો અને કૃતિઓના અધ્યયન-આસ્વાદનથી વિશેષ જાણીતા છે.
વિશ્વસાહિત્યના સંદર્ભે એમણે ક્યારેક સાહિત્ય/સિદ્ધાન્ત-વિચારણા પણ કરી છે એ વિશેના બે લેખો અહીં સમાવ્યા છે.
ભારતીય–ગુજરાતી સાહિત્યકારો અને એમની કૃતિઓ વિશેના સર્જકકેન્દ્રી લેખો ઉપરાંત એમણે તુલનાસંદર્ભે કે આસ્વાદસંદર્ભે કૃતિચર્ચા અને ગ્રંથસમીક્ષાઓ પણ કર્યાં છે એનું વૈવિધ્ય ઘણું છે. એટલે પસંદગીમાં એ પ્રકારના લેખોનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ વધુ છે.
‘પરબ’ના સંપાદન દરમ્યાન એમણે સામ્પ્રત સાહિત્યના વાતાવરણને ને એના પ્રશ્નોને લઈને દ્યોતક ઊહાપોહ કરેલો છે. એવા કેટલાક લેખો બહુ વિશિષ્ટ છે.
ભોળાભાઈના વિવેચક-વ્યક્તિત્વને રજૂ કરી શકાય એ રીતે, એમના, વિવિધિ પ્રકારના લેખોમાંથી ઉત્તમ ને પ્રતિનિધિ લેખોનું ચયન અહીં કર્યું છે.
વિશદતા અને સાહિત્યરસિકતાના ગુણોને લીધે ભોળાભાઈ પટેલનું વિવેચન વિચારણીય ઉપરાંત સુવાચ્ય પણ બનેલું છે એની પ્રતીતિ આ સંપાદનમાંથી થઈ શકશે.

–રમણ સોની

રમણ સોની : સંપાદક

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી  વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા  પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

(પરિચય – કિશોર વ્યાસ)