બુંદબુંદની સૂરત નિરાલી

રમણ સોની, કિશોર વ્યાસ : સંપાદક

‘‘બુંદબુંદની સૂરત નિરાલી’’
દોઢ સદીથી ગૂંજતા રહેલા ભાતીગળ ઉદ્‌ઘોષો....

છેલ્લાં ૧૫૦ વર્ષોથી ચાલતાં રહેલાં ને પોતાનો આગવો ચહેરો ઉપસાવતાં રહેલાં ગુજરાતી સામયિકોનાં પાનાંમાંથી ઊંચકેલા ઉદ્‌ગારોના આ મેળામાં સાંભળો કે–

કોઈ વિચક્ષણ સંપાદક પોતાનો આગવો અનુભવ કંઈક હળવાશથી કહી રહ્યો છે, કોઈ વળી પોતાના ગંભીર સંકલ્પને રજૂ કરી રહ્યો છે, ક્યાંક વેદનાની રેખાવાળાં પણ દૃઢતાથી ઉચ્ચારેલાં વિદાયવચનો છે; કોઈ વાચક પોતાનો આનંદ કે કોઈ પોતાના અસંતોષનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે, કોઈ વિચારક કોઈ સામયિકની બેકાળજી વિશે ટકોર કરે છે તો કોઈની સૂઝભરી સંપાદક-કુનેહને સલામ કરે છે; ક્યાંક કોઈ લેખક સંપાદકનાં સમજ અને શ્રમની સરાહના કરે છે તો ક્યારેક કોઈ સામયિકની અનિયમિતતા વિશે ફરિયાદ કરે છે; તો કોઈ નિશ્ચયી સંપાદક વળી લેખકના પ્રમાદથી થતી મુશ્કેલીઓની આપવીતી સંભળાવે છે. કેટકેટલી જગાએ ઉત્તમ સામયિકના કાર્યની ઉચિત પ્રશંસા છે, મૂલ્ય-અંકન પણ છે! તો કોઈ ઊંચે અવાજે કોઈ સામયિકની ઢીલાશને વખોડી કાઢે છે.....

અહીં ઠાવકીઠાવકી વાતો કરતાં તો સ્પષ્ટ તીવ્ર અવાજો જ વધારે છે. લેખકવાચકવિવેચકસંપાદકના જાતજાતના મિજાજો ને લાક્ષણિક છટાઓ અહીં વાંચી શકાય છે એટલું જ નહીં, એમને બોલતા સાંભળી શકાય છે ને એમના હાથની, ચહેરાની અનેક મુદ્રાઓ જાણે જોઈ શકાય છે!

તો, દિવસો સુધી અભ્યાસ-પરિશ્રમવાળી રઝળપાટ કરીને સંચિત કરેલા આ રસભર્યા તેમજ દ્યુતિભર્યા ૨૦૦ ઉપરાંત વિચારશીલ ભાતીગળ ઉદ્‌ઘોષોના આ વિશ્વમાં પ્રવેશવા સૌને નિમંત્રણ છે.

કવિ બાલમુકુંદ દવેએ ગાયેલું એમ –

સમદર સભર સભર લહેરાય;
બુંદબુંદની સૂરત નિરાલી...

રમણ સોની, કિશોર વ્યાસ : સંપાદક

રમણ સોની 

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદનિર્મિત ‘ગુજરાતી સાહિત્ય કોશ’ના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે.

ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ એ શોધનિબંધ પછી એમના ‘વિવેચનસંદર્ભ’, ‘સાભિપ્રાય’, ‘સમક્ષ’, ‘મથવું ન મિથ્યા’ તથા ‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. ડૉ. સોનીએ મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ‘ચંદ્રહાસઆખ્યાન’નું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે.

જેની હવે ૨૦ આવૃત્તિઓ થઈ છે એ ‘તોત્તોચાન’, ઉપરાંત ‘અમેરિકા છે ને, છે જ નહીં’ જેવા સુબોધ અનુવાદગ્રંથો; ‘વલ્તાવાને કિનારે’ જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; ‘સાત અંગ, આઠ અંગ અને-’ જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે.

‘પ્રત્યક્ષ’ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ તેમ જ ‘અવલોકન-વિશ્વ’ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

વિવેચનમાં હોય કે સર્જનાત્મક પુસ્તકોમાં હોય, રમણ સોનીનું સઘન છતાં મરમાળું ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ એમની વિશેષ ઓળખ છે.

— કિશોર વ્યાસ
 
 
કિશોર વ્યાસ

 કિશોર વ્યાસ (ઈ.૧૯૬૬) ગુજરાતી સાહિત્યજગતમાં વિવેચક અને સૂચિકાર તરીકે જાણીતા છે. છેલ્લા અઢી દાયકાથી આ બંને વિદ્યામાં તેઓ અતંદ્રપણે કાર્યરત છે. વસ્તુલક્ષી પરીક્ષણ અને સ્પષ્ટ નિરીક્ષણ તેમના વિવેચન-અભ્યાસનો વિશેષ છે.

કિશોર વ્યાસના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે : સાહિત્યિક પત્રકારત્વ. વિશિષ્ટ પરિચય, વિશાળ સ્વાધ્યાય અને વિરલ સૂચિકરણ એનાં ત્રણ પરિમાણ છે. ‘ગુજરાતી સાહિત્યિક સામયિકો’, ‘હાજી મહંમદ અલારખિયા શિવજી’ અને ‘મૈત્રીભાવ’ એ ત્રણ પરિચયપુસ્તિકા તેનું પહેલું પરિમાણ, ‘સંવિવાદનાં તેજવલયો’ (હવે સાહિત્યિક પત્રકારત્વ), ‘પુનર્લબ્ધિ’ અને ‘નિર્દેશ’ એ ત્રણ અભ્યાસગ્રંથ તે બીજું પરિમાણ અને સામયિક લેખ સૂચિ ૨૦૦૧-૨૦૦૫, ૨૦૦૬-૨૦૧૦, ૨૦૧૧-૨૦૧૫ એ તેનું ત્રીજું પરિમાણ. એમાં ‘મનીષા-ખેવના-ગદ્યપર્વ’ જેવાં સામયિકોની સમગ્ર સૂચિ તથા ‘બુંદ બુદની સૂરત નિરાલી’ (રમણ સોની સાથે સહ સંપાદન) પણ ઉમેરી શકાય. તેઓ સૂરતના ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં અક્ષરની આરાધના રૂપે કટારલેખન પણ કરતા હતા. વળી ગુજરાતી સામયિકોનું કોશ કાર્ય પણ એકલે હાથે કરી રહ્યા છે. એમનો આ સર્વાંગી સામયિક સ્વાધ્યાય ‘સામયિક કોશ’ (૨૦૨૨) નામે પ્રગટ થયો છે જે ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખનાર માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે.

આવા કઠોર પરિશ્રમમાંથી મુક્તિનો આનંદ મેળવવા કિશોર વ્યાસ સર્જનાત્મક ગદ્યલેખન પણ કરે છે. ગદ્યલેખન પણ ત્રિમાર્ગી છે. ‘લપસણીની મજા’ અને ‘સિંહનો મોબાઈલ’ (બાળવાર્તાઓ), ‘દે દામોદર દાળમાં..?’ (હાસ્યનિબંધ), ‘દેવળાને ઝાંપે’ (સંસ્મરણો)માં તેનો આસ્વાદ લઈ શકાય છે.

કિશોર વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી શ્રી એમ. એમ. ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કાલોલ (જિ.પંચમહાલ)માં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરે છે. દોઢ દાયકાથી તેઓ આ કોલેજના આચાર્ય પણ છે. એમના સંચાલન અને માર્ગદર્શનમાં આ વિદ્યાસંસ્થાએ આગવી મુદ્રા ઊભી કરી છે. વિદ્યાલયનું હરિયાળું પરિસર, સમૃદ્ધ ગ્રંથાલય અને ‘ટ્રેનમાં ગાંધીજી’ પુસ્તક પ્રકાશન એ ત્રિવિધ સ્વરૂપે તેની અનોખી ઓળખ થશે.

કિશોર વ્યાસને પ્રમોદકુમાર પટેલ વિવેચન સન્માન, કુમારચંદ્રક, રા.વિ.પાઠક ‘પરબ' પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો દર્શક એવોર્ડ આદિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.

— રાજેશ પંડ્યા