ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ

જ્યોતિષ જાની

૧૯૬૯માં જ્યોતિષ જાનીની પ્રથમ નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ પ્રસિદ્ધ થઈ હતી. ત્યારે એના ઠઠ્ઠાચિત્ર જેવા મધ્યવર્ગીય નાયક હસમુખલાલ પાત્રનિરૂપણ અને ભાષાની સર્જનાત્મક અભિવ્યક્તિને લીધે ધ્યાનપાત્ર બની હતી.
ઓગણપચાસ વર્ષનો બૅન્ક એકાઉન્ટન્ટ તરીકે કામનો બોજ ઉઠાવતો હસમુખલાલ – પરિવારમાં પણ માતા ચંચળબા, પત્ની શારદા, ત્રણ પુત્રીઓ નીતા, સરિતા, સ્વાતિની જવાબદારીનું વહન કરે છે. શહેરમાં રહે છે. સ્વપ્ન છે જમીન લઈ મકાન બનાવવાનું, આ માટે રૂપિયાની વેતરણ ફંડમાંથી કરતાં રહેવાનું. નવલકથાકારે એનું વિગતખચિત નિરૂપણ કર્યું છે, એ રસપ્રદ છે. તો શરીરથી પણ ક્યાં સુખી છે? દેહાદિની વ્યાધિ, કબજિયાત, હરસમસા... વગેરેથી પીડાય છે —એનું હાસ્યના પુટમાં કરેલું નિરૂપણ કરુણને નીપજાવે છે. એથી એને અભ્યાસીઓએ ‘ટ્રેજિ-કોમિક’ એમ કહ્યું છે. હસમુખલાલની સામે —એક બીજું પાત્ર અજય શાહનું મૂકાયું છે, એ એના પિતાથી દુઃખી ને નારાજ છે. એ હસમુખલાલને પચીસ હજાર રૂપિયા સામેથી આપવા તૈયાર થાય છે. આ રૂપિયા સ્વીકારવા કે નહીં એ હસમુખલાલ માટે પ્રાણપ્રશ્ન બની રહે છે. કોઈને આ વાત કરવી કે નહીં ? એ પણ એ નક્કી કરી શકતા નથી. છેવટે મોટી પુત્રી નીતાને એ વાત કરે છે એ પછીની મનોસ્થિતિનું વર્ણન ભાષાકૌશલના ઉદાહરણરૂપ છે : ‘હુમ જગ જીત્યા’ કહેતાં હસમુખલાલે જમીન પરથી એક કાંકરો લઈ હવામાં ઉછાળ્યો ને બે હાથની હોડી બનાવી ઝીલી લીધો. ને એ પળે છેક માથાના તાળવા ઉપર બ્રહ્મરંધ્રથી માંડી છેક પગની પાની સુધી આનંદની એક સેર પ્રસરી ગઈ.... (પ્રકરણ પાંચ)
છેવટે દૂધેશ્વર સ્મશાનગૃહે બીડીથી પોતાના દેહને ચાંપતા હસમુખલાલને વાચકો જોઈ રહે છે — આ ખુલ્લો અંત નવલકથાને ઉપકારક છે. ભાષાની તાજગી અને સામાન્યને અસામાન્ય વિષય બનાવતી — આ અલગ શૈલીની નવલકથા આજે પણ આકર્ષક છે!

—અજય રાવલ

જ્યોતિષ જાની

જ્યોતિષ જગન્નાથ જાની (૯-૧૧-૧૯૨૮ — ૧૭-૩-૨૦૦૫) : ખેડા જિલ્લાના પીજ ગામે જન્મ. સુરતની ગોપીપુરાની શાળામાંથી ૧૯૪૫માં મૅટ્રિક થયા. એમ.ટી.બી. અમદાવાદ કૉલેજમાંથી મુખ્ય વિષય રસાયણશાસ્ત્ર સાથે ૧૯૫૧માં બી.એસસી. કર્યું. ૧૯૬૩માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા અભ્યાસ કર્યો. ૧૯૬૨થી ૧૯૬૬ ગુજરાતી દૈનિક ‘સંદેશ’ના ઉપતંત્રી, ૧૯૬૫માં ‘ધર્મસંદેશ’ના સહાયક સંપાદક, ૧૯૬૬થી ૧૯૬૭ દરમિયાન જ્યોતિ લિ. વડોદરામાં આસિસ્ટંટ પબ્લિસિટી ઑફિસર. ૧૯૭૧થી ત્રણેક વર્ષ પ્રગટ થયેલા સાહિત્યિક ત્રૈમાસિક ‘સંજ્ઞા’ના તંત્રી ૧૯૭૪થી ૧૯૭૩ દરમિયાન વડોદરામાં જ સિટીઝન્સ કાઉન્સિલમાં પબ્લિસિટી અને પબ્લિક રિલેશન્સ ઓફિસર. ૧૯૮૩થી ૧૯૮૬ ગુજરાતી દૈનિક ‘લોકસત્તા’ના ઉપતંત્રી. ૧૯૮૬થી ૧૯૯૦ દરમિયાન ‘શબ્દસૃષ્ટિ’ના માનાર્હ સંપાદક. અમદાવાદમાં સાહિત્યિક મિત્રોની ‘રે’ મઠની સ્થાપનામાં સહભાગી બન્યા. મુંબઈમાં ચુનીલાલ મડિયાના માર્ગદર્શન તળે ચાલતી ‘વાર્તાવર્તુળ’ની સ્થાપનામાં રસ લઈને કામ કર્યું. આંતરરાષ્ટ્રીય બાળવર્ષ ૧૯૭૯માં જોડિયાં બાળકો ઉપર બાળવાર્તાઓ લખી ત્રણે ત્રણ પારિતોષિકો મેળવ્યાં હતાં. ‘ઘાસની નદી’ નવલિકા માટે તેમજ સમગ્ર નવલિકાના ક્ષેત્રે કરેલા પ્રદાન માટે સાબરકાંઠાનાં ભિલોડા કેળવણીમંડળ ટ્રસ્ટ તરફથી ઉમાશંકર જોશી પારિતોષિક એનાયત થયું છે. તેમની નવલકથા ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’ (૧૯૭૦)ને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક મળ્યું છે. તેમ જ ‘અચલા’ નવલકથાને પારેખ વલ્લભરામ હેમચંદ્ર લાઇબ્રેરી પારિતોષિક મળ્યું છે. ભારત સરકાર દ્વારા ૧૯૯૩-૯૫માં લોકનાટ્ય માટે સિનિયર ફેલોશિપ તેમને પ્રાપ્ત થઈ હતી. ૧૭મી માર્ચ, ૨૦૦૫ના દિને ૭૭ વર્ષની વયે વડોદરામાં તેમનું અવસાન થયું.

—ઈતુભાઈ કુરકુટિયા

‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૭’માંથી સાભાર