ચાંદનીના હંસ

મૂકેશ વૈદ્ય

‘ચાંદનીના હંસ’ મૂકેશ વૈદ્યના વિકાસને આલેખ પૂરો પાડે છે.

વિષય ગમે તે હોય, એની સંવેદના એમાં કાવ્ય કયાં રહ્યું છે તે શોધવા તત્પર રહે છે. એ સામગ્રીની પ્રચુરતામાં નથી રાચતો, સામગ્રીનું કુશળ ને  કલાત્મક સંયોજન કરવા તત્પર રહે છે ને વાસ્તવ ને અતિવાસ્તવ, જાગૃતિ ને  સ્વપ્ન વચ્ચેની ભેદરેખાની પર ચાલી જાય છે. કોઈક વિચારને વળગી રહેવાને બદલે એને લય ને અલંકારમાં, કલ્પન ને પ્રતીકમાં ઓગાળી દેવા તત્પર રહે છે. જ પોતાની આગવી કહી શકાય એવી બાની સિદ્ધ કરવા તત્પર રહે છે. મારે મન કોઈ પણ કવિનો પહેલો સંગ્રહ આવી પ્રતીતિ કરાવી શકે તો એ નાનીસૂની વાત ન કહેવાય. સહૃદય ભાવકને મારા મંતવ્યના પુરાવા ‘ચાંદનીના હંસ'નાં અનેક કાવ્યમાંથી મળી રહેશે એની મને ખાતરી છે. મને એ પણ ખાતરી છે કે ‘ચાંદનીના હંસ’ મૂકેશ વૈદ્યને માટે કવિતાની નવી શોધમાં નીકળવાની પૂર્વતૈયારી બની રહેશે.

– જયંત પારેખ

મૂકેશ વૈદ્ય

કવિ મૂકેશ વૈદ્યનો જન્મ તા. ૩૧-૭-૫૪ના રોજ ચીખલી (જિ. વલસાડ)માં. એમનાં કાવ્યોમાં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિનાં સુંદર ગતિશીલ સંવેદનચિત્રો મળે છે. (જેમકે, ‘તીથલ દરિયે’માંની આ પંક્તિઓઃ ‘નાળિયેરીનાં તીણાં રુંછાં પંપાળતી/ચંદ્રરેખની ફરતે/પીળું જાંબલી જળકુંડાળું બની/મારું ઘર/મને ઘેરી વળે.’)

શિક્ષક પિતા પ્રિયવદન વૈદ્યનો સાહિત્યપ્રેમ મૂકેશને વારસામાં મળ્યો. પિતા સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યના પણ અભ્યાસુ. એમની એક પંક્તિ – ‘જે જીવને ઝૂઝવાનું નહીં, એ જીવનને જીવવું શું?’ એમનો વારસો મૂકેશે ઝીલ્યો ને આગળ ધપાવ્યો. માતા હંસાબહેનના કંઠે ગવાતાં પ્રભાતિયાં અને ભજનોએ મૂકેશમાં લય તથા સર્ગશક્તિના સંસ્કાર સીંચ્યા. વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા ચીખલીમાં; પછી ૧૯૭૦માં એસ.એસ.સી. મુંબઈમાં. ૧૯૭૪માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી. કૉમ., બે વર્ષ લૉનો અભ્યાસ; ૧૯૮૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ., મુંબઈમાં વસવાટના કારણે એમનાં કાવ્યોમાં નગર-જીવનની વિ-સંગતિ સહજ પ્રગટવા લાગી. બૅન્કમાં નોકરી, હાલ નિવૃત્ત. લતાબહેન સાથે આંતરજ્ઞાતિય લગ્ન, બે દીકરીઓ હિરણ્ય અને ઋત્વિજા. ચિત્રકળામાંય અપાર રસ. ૧૯૮૩થી ૨૦૧૬ સુધી, ૩૩ વર્ષ, મુંબઈમાં યોજાતા કળાકૃતિના પ્રદર્શનોની સમીક્ષા કરતી આસ્વાદમૂલક કટાર ‘કળાજગત’ શીર્ષકથી ‘જન્મભૂમિ’ દૈનિકમાં લખી. મૂકેશનાં કાવ્યોમાંય પંક્તિએ પંક્તિએ જાણે ચિત્રકારની પીંછી ફરે છે ને સંવેદનસભર સરરિયલ કલ્પનશ્રેણી થકી એ કવિતા પ્રગટાવે છે. આ કવિએ યુરોપના કવિઓની કવિતાનો સઘન અભ્યાસ કર્યો છે. (ઓક્તાવિયો પાઝ, લોર્કા, માર્ક સ્ટ્રાન્ડ એમના પ્રિય કવિઓ.) આથી તેઓ લોકપ્રિયતાની કે તાત્કાલિક કીર્તિની પરવા કર્યા વિના શુદ્ધ કવિતાને પામવા માટે સતત ઓતપ્રોત રહે છે. એમનાં કાવ્યોને સ્ફટિક જેવો કલાઘાટ આપવા મથે છે. સુરેશ જોષીએ એમનાં કાવ્યો ‘એતદ્’ તથા ‘સાયુજ્ય’માં પ્રગટ કરેલાં.

મૂકેશમાં કવિતાની પાકી સમજ છે. ‘ચાંદનીના હંસ’ના નિવેદન ‘મારી વાત’માં એમણે નોંધ્યું છેઃ

‘રસાત્મક શક્તિ દ્વારા કલ્પનામૂલક અને સંસ્કારમૂલક વ્યાપારો પ્રત્યક્ષ કરવા માટેની ભાષાકીય મથામણ એટલે કવિતા.’

મૂકેશના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચાંદનીના હંસ’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું તખ્તસિંહ પરમાર પારિતોષિક મળેલું. ‘દેશવટાનું ગીત’, ‘નદી’, ‘ગતિ-સ્થિતિ’, ‘વરસાદ’, ‘તીથલ દરિયે...’, ‘પવન’, ‘પથ્થર’, ‘સમુદ્ર’, ‘સ્વગતોક્તિ’, ‘કાળું છિદ્ર’, ‘ખાબોચિયું’, ‘છાપરું’, ‘ટ્રેન’, ‘અજિત દેસાઈનાં ચિત્રો જોતાં’ જેવાં મૂકેશની મુદ્રાવાળાં વિલક્ષણ કાવ્યો મૂકેશ વૈદ્ય પાસેથી મળ્યાં છે. એમની કવિતાને સિતાંશુ યશશ્ચન્દ્ર, ચન્દ્રકાન્ત ટોપીવાળા, રાધેશ્યામ શર્મા, જયંત પારેખ, શિરીષ પંચાલ, નીતિન મહેતા જેવા વિવેચકોએ પોંખી છે.

– યોગેશ જોષી