ચાંદરણાં

શરીફા વીજળીવાળા : સંપાદક

‘ચાંદરણાં’રૂપે લાઘવપૂર્ણ છતાં સોસંરવું ઊતરી જાય એવું ગદ્ય ગુજરાતી સાહિત્યમાં માત્ર અને માત્ર રતિલાલ ‘અનિલ’ પાસેથી જ મળ્યું છે. ન તો અહીં શબ્દરમત છે, ન તો અનિલે શબ્દોના સાથિયા પૂર્યા છે. અર્થવાહી, ગંભીર વાતને સટીક રીતે મૂકી આપતા અનિલ હળવાશને પણ એટલી જ સહજ રીતે આલેખે છે, પણ આ હળવાશ જ્યોતીન્દ્ર દવેના ગોત્રની છે. તમારી ભાવયિત્રી પ્રતિભા એના મર્મને પામવા કસોટીએ ચડી શકે છે. ‘ચાંદરણાં’માં ઘૂંટાઈને ઘટ્ટ બનેલા ગદ્યે અનિલના નિબંધોને લાઘવ બક્ષ્યું છે એવું હું દૃઢપણે માનું છું.
એમના નિબંધોમાં ગતકાળના ખોવાયાની પીડા વધુ છે પણ ‘ચાંદરણાં’માં તો અપાર વિષયવૈવિધ્ય છે. અહીં વૈશ્વિક ઋતની સમાંતરે રાજકારણની રોજેરોજની ભવાઈ, સાંપ્રત ઘટનાક્રમ પણ વિષયરૂપે આવેલ છે. સૂર્ય, અંધકાર, પ્રકાશ, પવન, પડછાયો, સુગંધ, મૌન, પ્રેમ, વિરહ, ઝાકળ, ધુમાડા જેવા અમૂર્ત વિષયો વિશે અનિલને કેટલું બધું કહેવાનું છે ! ટોળું, ધર્મ, અફવા, ઈશ્વર, નેતા... અનિલની નજરમાંથી કોઈ/કશું જાણે બચ્યું નથી ! રાજકારણ અને તત્કાલીન પરિસ્થિતિ વિશે એમણે સેંકડો ‘મરકલાં’ લખ્યાં છે. જેમાંથી કોઈ પણ કાળખંડમાં પ્રસ્તુત ઠરી શકે તેવાં જ અહીં સમાવ્યાં છે.
અનિલે હજારોની સંખ્યામાં ચાંદરણાં લખ્યાં છે. એક ગઝલનો શે’ર ન કહી શકે કે એકાદ નિબંધ પ્રગટ ન કરી શકે એટલો અર્થ આ ‘ચાંદરણાં’માં ભર્યો છે. છે તો એક લીટી પણ ક્યાંક એમાં દઝાડી દેતી એકલતા છે, ક્યાંક જીવનની અનઅર્થકતા છે તો ક્યાંક એમાં જીવનની ફિલસૂફી ઠાંસી ઠાંસીને ભરી છે. પ્રેમ, પવન, મૌન જેવા અમૂર્ત ભાવો ‘ચાંદરણાં’માં કેવા તો મૂર્ત થઈ ઊઠે છે ! ખરેખર જ ગુજરાતી ગદ્યઆકાશમાં ‘અનિલ’નાં આ ‘ચાંદરણાં’ની પોતીકી શોભા અને આભા કાયમ ચમક્યા કરવાની. અનિલ 2013માં અલવિદા કહી ગયા. અહીં રાજકારણ કે નેતા વિશેના કેટલાંય ચાંદરણાં એવાં છે કે શંકા પડે – રખે અનિલ ભવિષ્યવેત્તા હોય !

—શરીફા વીજળીવાળા

શરીફા વીજળીવાળા : સંપાદક

શરીફા વીજળીવાળાનો જન્મ તા. ૪-૮-૧૯૬૨માં ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે થયો હતો. એમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ, બી.એ. અને એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. ડૉ. શિરીષ પંચાલના માર્ગદર્શન નીચે એમણે ‘ટૂંકી વાર્તામાં કથનરીતિનો અભ્યાસ’ એ વિષય ઉપર પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૯૧થી ૨૦૧૩ સુધી ૨૨ વર્ષ તેઓ સુરતની એમ. ટી. બી. આટ્‌ર્સ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક તરીકે કાર્યરત હતાં અને ૨૦૧૩થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગમાં કાર્યરત છે.

ડૉ. શરીફા વીજળીવાળા એક અભ્યાસી વિવેચક, સંપાદક અને અનુવાદક તરીકે જાણીતાં છે. તેમના ‘બાની વાતું’ (લોકવાર્તા), ‘અનન્યા’ (વિદેશી વાર્તા), ‘સંપ્રત્યય’ અને ‘વાર્તા સંદર્ભ’ (વિવેચન) તથા ‘મન્ટોની વાર્તાઓ’ (અનુવાદ) એમ પાંચ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક મળેલાં છે. ‘ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર’ (સંશોધનગ્રંથ)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ‘જેણે લાહોર નથી જોયું’ (નાટક)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૫નો અનુવાદ પુરસ્કાર મળેલ છે. એમના ગ્રંથ ‘વિભાજનની વ્યથા’ને ૨૦૧૮નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે. એમનાં કેટલાંક પુસ્તકો ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પણ પસંદ થયેલ છે. ભારત વિભાજનને લગતાં લગભગ દસથી બાર પુસ્તકો એમણે આપેલ છે.

યુ.જી.સી. દિલ્હી દ્વારા સોંપાયેલ રિસર્ચ પ્રોજેક્ટ – ‘Analytical & Comparative Study of Literature Based on Partition Theme’ પર તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. તો બસવ સમિતિના રાષ્ટ્રીય કક્ષાના અનુવાદ પ્રોજેક્ટ અંતર્ગત કન્નડના મહાન સાહિત્યકાર બસવેશ્વરનાં વચનોનો ગુજરાતી અનુવાદ ‘વચન’નામે અન્યો સાથે તૈયાર કર્યો છે. અત્યાર સુધીમાં તેમનાં કુલ ૩૮ પુસ્તકો પ્રગટ થયાં છે અને ૪ પ્રકાશાધિન છે.

તેઓ એક નિર્ભીક અને સ્પષ્ટવક્તા લેખક-વક્તાના રૂપે વિવિધ માધ્યમોમાં પોતાની વાત રજૂ કરતા રહે છે. તેમની આ સાહિત્યિક અને સામાજિક નિસ્બતને ધ્યાનમાં રાખીને શિશુવિહાર, ભાવનગર દ્વારા ‘સ્ત્રી શક્તિ સન્માન’અને ૨૦૧૬માં સદ્‌ભાવના ફોરમ દ્વારા પૂ. મોરારિબાપુના હસ્તે ‘સદ્‌ભાવના એવોર્ડ’જેવાં સન્માન પણ પ્રાપ્ત થયાં છે.