ચિત્રાંગદા

નિરંજન ભગત

‘ચિત્રાંગદા’: સંવર્ધિત આવૃત્તિનો પરિચય

રવીન્દ્રનાથે ૧૮૯૧માં, ૩૦ વર્ષની વયે, પદ્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૧૯૧૩માં તેમણે તેનો અંગ્રેજી ગદ્યાનુવાદ, ‘ચિત્રા’ પ્રગટ કર્યો. ત્યાર પછી ૧૯૩૬માં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’ લખ્યું. ૪૫ વર્ષનાં સમયગાળામાં ત્રણ વિવિધ શૈલીમાં જેની પ્રસ્તુતિ થાય તે રવીન્દ્રનાથની પ્રિય રચના જ હોઈ શકે.

રવીન્દ્ર સાહિત્યનું ગુજરાતીમાં પ્રથમ અવતરણ થયું ૧૯૧૫માં – મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખ અનુદિત ‘ચિત્રાંગદા’થી. આ અનુવાદ ગદ્યમાં છે.

‘ચિત્રાંગદા’નો પ્રથમ ગુજરાતી પદ્યાનુવાદ નિરંજન ભગતે ૧૯૬૧માં, રવીન્દ્ર શતાબ્દીના વર્ષમાં, મૃણાલિની સારાભાઈના અનુરોધથી કર્યો, જે ૧૯૬૫માં ઉમાશંકર જોશીના અભ્યસ્ત પ્રવેશક સાથે દર્પણ અકેડેમીએ પ્રગટ કર્યો હતો. અત્યારે તે પ્રાપ્ય નથી. ૨૦૦૦માં શ્રી મોરારીબાપુ આયોજિત અસ્મિતાપર્વમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેનું શીર્ષક હતું, ‘રવીન્દ્રનાથની રમણીય રચના’. ૨૦૦૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ઉપક્રમે યોજાયેલ ૧૫મા સંવત્સર વ્યાખ્યાનમાં નિરંજન ભગતે ‘ચિત્રાંગદા – ટાગોર્સ મીથ ઓફ ઇલ્યુઝન એન્ડ રીયાલીટી’ ઉપર વક્તવ્ય આપ્યું હતું. ૨૦૧૭માં ખાનગી વિતરણ માટે પ્રગટ થયેલ નિરંજન ભગતના પુસ્તક, ‘ટેક્સ્ચ્યુઅલ સ્ટડી’માં સમાવેલા ત્રણ પુસ્તકોમાંનું એકમાત્ર ગુજરાતી પુસ્તક હતું ઉપરોક્ત ‘ચિત્રાંગદા’. તેમાં મળી આવતી નિરંજન ભગતની નોંધ પણ અગત્યની છે. નિરંજન ભગત પ્રેરિત રવીન્દ્ર ભવનના ઉપક્રમે યોજાતા કાર્યક્રમોમાં તેમણે એકથી વધારે વાર ‘ચિત્રાંગદા’ વિશે ભાષણ આપેલું. ‘ચિત્રાંગદા’ તેમની પ્રિય કૃતિ હતી એટલું જ નહીં, તેઓ કહેતા કે રવીન્દ્રનાથનો સાર અને અર્ક ‘ચિત્રાંગદા’ અને ‘ડાકઘર’માં છે.

નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના હેતુઓને ધ્યાનમાં રાખીને ‘ચિત્રાંગદા’ની બીજી સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તેમાં નિરંજન ભગતનો અનુવાદ, ઉમાશંકર જોશીનું પ્રવેશક તેમ જ નીચે જણાવેલાં લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

‘ચિત્રાંગદા’નો મૂળ બંગાળી પાઠ ગુજરાતી લિપિમાં ઉમેરવામાં આવ્યો છે. બંને ભાષામાં મોટા ભાગના શબ્દો સરખા હોવાથી સુજ્ઞ અને પ્રયત્નશીલ વાચક મૂળ બંગાળી રચનાના તાલ અને લયનો આનંદ લઈ શકશે અને કેટલેક અંશે અનુવાદને મૂળ રચના સાથે સરખાવી શકશે.

નિરંજન ભગતના અનુવાદ પછી એક જ વર્ષમાં ભોળાભાઈ પટેલની આ અનુવાદની સમીક્ષા, ‘સમશ્લોકી ચિત્રાંગદા’, પ્રગટ થઈ હતી. આ સમીક્ષા સૂક્ષ્મ અને અભ્યસ્ત હોઈ તેનો પણ આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉપર જણાવ્યા પ્રમાણે નિરંજન ભગતે પોતે બે દીર્ઘ વ્યાખ્યાનોમાં ‘ચિત્રાંગદા’નું વિદ્વત્તાપૂર્ણ વિશ્લેષણ કર્યું છે. બેમાંથી એક વ્યાખ્યાન ગુજરાતીમાં છે અને અન્ય અંગ્રેજીમાં છે. આ બંનેનો આધાર લઈને તેમ જ પછીથી મળી આવેલી હકીકતોને સમાવીને તૈયાર કરેલો લેખ, ‘‘ચિત્રાંગદા’: નિરંજન ભગતની કેફિયત’, અહીં સમાવવામાં આવ્યો છે.

નિરંજન ભગતની અંગત નોંધ સાથેની ‘ચિત્રાંગદા’ની ૧૯૬૫ની આવૃત્તિની પ્રતિકૃતિ પણ આ પુસ્તકમાં સામેલ કરી છે. ભાવિ સમીક્ષકો/સંશોધકોને તે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.

૧૯૩૬માં લખાયેલાં નૃત્યનાટ્ય ‘ચિત્રાંગદા’નાં પ્રથમ મંચન સમયે પ્રકાશિત પુસ્તિકામાં રવીન્દ્રનાથે બંગાળીમાં ‘ભૂમિકા’ લખીને તેની નીચે તેનો અંગ્રેજી અનુવાદ લખ્યો હતો. ‘ચિત્રાંગદા’ના સાર સમી આ બંગાળી ‘ભૂમિકા’ ત્યાર પછીના દરેક બંગાળી પ્રકાશનમાં છપાય છે પણ તેનો અંગ્રેજી અનુવાદ ક્યાંય જોવામાં નથી આવ્યો. આ અંગ્રેજી અનુવાદ રવીન્દ્રનાથના હસ્તાક્ષરમાં અંતિમ પૃષ્ઠ ઉપર આપવામાં આવ્યો છે.

રવીન્દ્રનાથનાં ઉત્કૃષ્ટ સર્જન, ‘ચિત્રાંગદા’ને નિરંજન ભગતે જે રીતે જાણ્યું, માણ્યું, વખાણ્યું, જણાવ્યું અને પ્રમાણ્યું, તે બધું જ અહીં રજૂ કરવાના આ નમ્ર પ્રયાસને આવકાર મળશે તેવી ‘એકત્ર ફાઉન્ડેશન’ અને નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આશા છે.

— શૈલેશ પારેખ

નિરંજન ભગત

નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.

ગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને પ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે.

‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે ‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. વળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. ઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી આ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ તરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે; તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે. ‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના ગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના વળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ (પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ સુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), ‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.

‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે. એમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે.


-ચંદ્રકાન્ત ટોપીવાળા