ચિત્તવિચારસંવાદ

કીર્તિદા શાહ : સંપાદક

ઈસવીસનના ૧૭મા શતકમાં થયેલા અખાભગત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અસામાન્ય પ્રતિભાશાળી કવિ છે. જ્ઞાનમાર્ગીધારામાં એમનું સ્થાન સર્વોચ્ચ છે. ઉમાશંકર જોશી કહે છે તે મુજબ એમણે તત્ત્વવિચારકવિતાને શિખરે પલાંઠી લગાવી છે.

અખા ભગતની ઘણી કૃતિઓમાંની એક ઉત્તમ કૃતિ તે ‘ચિત્તવિચારસંવાદ’ છે. અહીં અખા ભગતની પ્રસ્તુત કૃતિની સંશોધિત વાચના મૂકી છે. ૪૧૧ કડીની આ કૃતિમાં વેદાંતવિચાર રજૂ થયો છે. વેદાંતવિચારને સમજવા માટે સંશોધકે આરંભમાં ભારતીય તત્ત્વવિચારની પરંપરા વિશે અભ્યાસ રજૂ કર્યો છે. જેમાં આરણ્યક, ઉપનિષદ, સૂત્રો, શ્રૃતિ-સ્મૃતિ, દર્શનો વગેરે વિશે સરળ શૈલીમાં છતાં વિશદતાથી ચર્ચા આપવામાં આવી છે. આ ભૂમિકા વાચક-અભ્યાસીને અખા ભગતની પ્રસ્તુતિ કૃતિ સમજવામાં મદદરૂપ બનશે.

સંપાદકે કૃતિના વિષયવસ્તુનું વિશ્લેષણ વિવિઘ વર્ગીકરણ કરીને આપ્યું છે. કડી પ્રમાણે વિષયવસ્તુ રજૂ કર્યું છે.

કૃતિ નિમિત્તે કવિનું મુખ્ય લક્ષ્ય સ્વ-સ્વરૂપની અટલેકે ચિદ્સ્વરૂપની શોધ કરવાનું છે. એ નિમિત્તે કવિએ જીવ, ઈશ્વર, પરબ્રહ્મ, માયા, ભક્તિ, જ્ઞાન, જ્ઞાની, ગુરુ વગેરે વિશે વિચાર રજૂ કર્યા છે. અદ્વૈત, માયા, જીવ, બ્રહ્મ જેવા અમૂર્ત વિચારને સમજવા માટે કવિએ સંખ્યાબંધ નિદર્શનો ઉપયોગમાં લીધાં છે. એ રીતે આખોય વિચારસંદર્ભ કાવ્યમયરીતે ભાવક સમક્ષ પ્રગટે છે.

કૃતિમાં અખા ભગતે પિતા-પુત્ર વચ્ચે સંવાદ કરાવ્યો છે. એ રીતે આખોય કૃતિપ્રપંચ રસપ્રદ બન્યો છે. આ સંશોધિત કૃતિમાં દરેક પંક્તિનો અર્થ આપવામાં આવ્યો છે. સાથે કઠિન શબ્દોનો કોશ અને પારિભાષિક શબ્દ કોશ પણ આપવામા આવ્યા છે જે અભ્યાસીને ઉપયોગી થશે.

કીર્તિદા શાહ : સંપાદક

કીર્તિદા શાહ (જ. ૧૦ ડિસેમ્બર ૧૯૫૭) ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનાં એક નોંધપાત્ર અભ્યાસી અને સંશોધક છે. તેજસ્વી વિદ્યાર્થી તરીકે એમ.એ. થયાં એ પછી તરત (૧૯૮૧થી) એ ગુજરાતી સાહિત્ય કોશ’ના પ્રકલ્પમાં સંશોધન- સહાયક તરીકે જોડાયાં. એ આખો દાયકો મધ્યકાલીન સાહિત્યનો સઘન પરિચય કેળવ્યો અને કોશવિદ્યાની ઝીણવટવાળી શિસ્તમાંથી પસાર થયાં. એનો લાભ જયંત કોઠારીના માર્ગદર્શનમાં એમણે અખાના ‘ચિત્તવિચારસંવાદ’ પર પી.એચ.ડી. કર્યું એમાં પણ થયો. એ પછી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયાં (૧૯૯૦) ને ૨૦૨૦માં અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયાં ત્યાં સુધી ને પછી આજ સુધી એક સાતત્યપૂર્વક એમણે સંપાદન-સંશોધનનાં મહત્ત્વનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ પૈકી ‘મધ્યકાલીન કૃતિસૂચિ’ (૨૦૦૪), ‘અખાની કવિતા’નું અભ્યાસપૂર્ણ સંપાદન (ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હી, ૨૦૦૯), ‘મધ્યકાલીન ગુજરાતી જૈન પરંપરા’ (૨૦૦૫) વિશેષ નોંધપાત્ર છે. શામળની ‘નંદબત્રીસી’નું સંપાદન (૨૦૧૭) કરવા સાથે એમણે તાજેતરમાં મધ્યકાલીન ગુજરાતી બાલાવબોધનું સંપાદન (૨૦૨૩) તેમજ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંવાદકાવ્યો’ (૨૦૨૪)નું સંપાદન કર્યું છે એ, અપરિચિત રહી ગયેલાં સ્વરૂપોનો ઐતિહાસિક આલેખ આપનારું મહત્ત્વનું પ્રદાન છે. આ ઉપરાંત પણ એમણે કેટલાંક ઉપયોગી સંપાદનો આપ્યાં છે ને મધ્યકાલીન સાહિત્યવ્યાસંગનું સાતત્ય દાખવ્યું છે.


ઈ.સ. ૨૦૨૦થી આજ સુધી ડૉ. કીર્તિદા શાહ ભારત સરકાર દ્વારા આયોજિત વિજ્ઞાન આદિ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમો ગુજરાતીમાં રચવાની પ્રક્રિયામાં મુખ્ય તજજ્ઞ તરીકે કાર્યપ્રવૃત્ત છે.

– રમણ સોની