દલપત પઢિયારની કવિતા

રાજેશ મકવાણા : સંપાદક

દલપતસિંહ નારણસિંહ પઢિયારનો જન્મ તા. ૧.૧.૧૯૫૦માં મોસાળમાં ચરોતરના શીલી ગામે થયો હતો. બાળપણ અને કિશોરકાળ પોતાના વતન કહ્ાનવાડી (તા. આંકલાવ)માં મહિસાગરના પ્રકૃતિસભર પરિવેશમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ કહ્નવાડીમાં અને માધ્યમિક શિક્ષણ બોચાસણની વલ્લભવિદ્યાલયમાં પ્રાપ્ત કરેલું. સાત પેઢીથી જ્યાં ભજનની સરવાણી વહી રહી છે એ ધરા પર ઢોલક અને તબલા સાથે જ રમ્યા છે. ગોરખથી માંડીને ગંગાસતી સુધીની સંતપરંપરાના અવનવા રૂપ અનુભવ્યા છે. ભજનના પરંપરિત ઢાળ અને રાગે કવિની પ્રતિભાને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા બજાવી છે. અઢીસો જેટલા ભજનો કંઠસ્થ હોય, સાંજે ગાવા બેસે તો બીજા દિવસની સાંજ સુધી એક પણ ભજન પુનરાવર્તન ન પામે એ રીતે અસ્ખલિત ધારા વહેતી રહે છે. એટલે જ કવિને મન કવિતા પણ ચોખ્ખી આધ્યાત્મિક પ્રવૃત્તિ જ રહી છે. કોઈ વિધિ-વિધાન કે ક્રિયાકાંડ નહીં પણ સૃષ્ટિને સમજવાનું ઉપાદાન છે. એટલે શબદ એ ઈશ્વરનું રૂપ છે. બ્રહ્મને પણ ઓળખમાં આવવું હોય તો શબદમાં આવવું પડે. આમ, પારિવારિક આધ્યાત્મિક સંસ્કારો થકી કવિનું પોત દીવાની જ્યોત સમું ઝળહળે છે.

સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં મેળવ્યું અને ત્યાં જ મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શનમાં ‘ગાંધીયુગનું ગદ્ય’ વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરે છે. આરંભમાં અમદાવાદમાં એસ. વી. કૉલેજ અને સરસપુર કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક તરીકે અને ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર, રાંધેજામાં અધ્યાપક તરીકે ત્યાં થોડા વર્ષો નોકરી કરી પછી સીધી ભરતીથી, ગુજરાત સરકારના વર્ગ એકના અધિકારી તરીકે પસંદ થયા. અને ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તરીકે નિયુક્ત થયા. દીર્ઘકાળની વહીવટી સેવાઓ બાદ ગાંધીનગરમાં અધિક માહિતી નિયામક પદેથી ૨૦૦૮માં સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ રવિભાણ સંપ્રદાયની શેરખી જગ્યાની એક શાખા કહ્નવાડીની ગાદીના સાતમી પેઢીના ગાદીપતિ તરીકે બિરાજમાન છે.

‘છોગાળા હવે છોડો’ બાળવાર્તાથી ખ્યાત બનેલા દલપત પઢિયાર પાસેથી ૧૯૮૨માં ‘ભોંય બદલો’ અને ૨૦૧૦માં ‘સામે કાંઠે તેડાં’ એ બે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. ૧૯૯૦માં એમના પીએચ.ડી.ના શોધનિબંધ ‘ગાંધીયુગનું ગદ્ય’નો પ્રથમ ભાગ પ્રકાશિત થાય છે. ૧૯૭૪માં ચિનુ મોદીના વડપણ હેઠળ કવિતા લખનારાઓનું ‘હોટલ પોએટ્સ’ ગ્રૂપ બનેલું અને દર ગુરુવારે નિયમિત રૂપે કવિતા લખીને લઈ જવાનું, કવિતાને પ્રસ્તુત કરવાનું પ્લૅટફૉર્મ પ્રાપ્ત થયું. જે કેન્ટીનમાં બેસીને કવિતાની કેફિયત થતી એનું નામ ‘ઓમિસ’ હતું, એ પરથી ‘ઓમિસિયમ’ નામે સામયિક શરૂ કરેલું. દલપત પઢિયારની કવિ પ્રતિભાને પોંખનાર આ પ્રથમ પ્રકાશન હતું. ‘ભોંય બદલો’ની મોટાભાગની કવિતાઓ આ ‘હોટેલ પોએટ્સ’ નિમિત્તે લખાયેલી ગુરુવારીય રચના છે.

ગામ-વતનનો વિચ્છેદ એમની કવિતાનો મુખ્ય વિષય બની રહે છે. એમની કવિતાની ભૂમિકામાં અનુભવનું વિશ્વ છે...

રાજેશ મકવાણા : સંપાદક

મોરબી જિલ્લાના સજનપર મુકામે ૬ જૂન, ૧૯૭૧માં જન્મેલા રાજેશ જેઠાલાલ મકવાણાએ પ્રાથમિક, માધ્યમિક અને સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ મોરબીમાં કર્યો. ગુજરાતી ભાષા-સાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં એમ.એ., એમ.ફિલ. પૂર્ણ કરીને ડૉ. બળવંત જાનીના માર્ગદર્શનમાં ‘શામળકૃત ‘સિંહાસનબત્રીસી’ અને એનું મૂળ કથાનક : તુલનાત્મક અભ્યાસ’ વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૯૮માં તેઓ અધ્યાપક તરીકે મહેસાણાની મ્યુનિસિપલ આટ્ર્સ ઍન્ડ અર્બન બૅન્ક સાયન્સ કૉલેજમાં જોડાયા ત્યારથી જ તેમણે વ્યાપક સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. નેશનલ અને ઇન્ટરનેશલન પરિસંવાદના સફળ આયોજક ડૉ. રાજેશ મકવાણાએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અધ્યયન એકમ પ્રકલ્પ (ચૅર)ના અધ્યક્ષ તરીકે આપેલી દીર્ઘકાલીન સેવાઓ નોંધપાત્ર છે. હાલ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના ગુજરાતી ભાષા-સાહિત્ય કેન્દ્રમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે.

યુ.જી.સીના માઇનર રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ‘ઉત્તર ગુજરાતનું સંતસાહિત્ય’ અને યુ.જી.સી.ના મેજર રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત અલ્પ ખેડાયેલા ગુજરાતના અલ્પ વિકસિત લોકસમુદાયના કંઠપરંપરાના સાહિત્ય વિશે કાર્ય કર્યું છે. ‘વિમર્શપથ’, ‘લોકવાઙ્મયઃ સ્વરૂપ સંદર્ભ’, ‘ગુજરાતી સાહિત્ય સત્ત્વ અને સમૃદ્ધિ’, ‘ડૉ. આંબેડકરના અમરસૂત્રો’, ‘ઉત્તર ગુજરાતનું સંત-પંથ સાહિત્ય’, ‘લોકરિદ્ધિ’, ‘ડૉ. બી. આર. આંબેડકર વિચાર અને વિમર્શ’ ઉપરાંત દસ સંપાદનો પ્રાપ્ત થાય છે. એમના બે પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પારિતોષિક તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદના શ્રી અરવિંદ સુવર્ણચંદ્રક અને કરુણામૂર્તિ ભગવાન મહાવીર ફાઉન્ડેશન લોકસાહિત્યનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે.

દલિતસાહિત્ય, સંતસાહિત્ય, લોકસાહિત્ય અને વિવેચનના વિવિધ સંપ્રત્યયો એમના રસના વિષયો રહ્યાં છે. ‘પરબ’, ‘શબ્દસૃષ્ટિ’, ‘તાદર્થ્ય’, ‘હયાતી’, ‘અભિદૃષ્ટિ’, ‘લોકગુર્જરી’, ‘નિરીક્ષક’ જેવા સામયિકોમાં ગ્રંથસમીક્ષા અને પ્રવાહદર્શન વડે પોતાનો સમીક્ષાત્મક સૂર પ્રગટ કરતા રહે છે.