દરિયાપારથી...
પ્રીતિ શાહ-સેનગુપ્તા
સંચયિત નિબંધો
આમ તો પ્રીતિ શાહ-સેનગુપ્તા પ્રવાસ-લેખન માટે જ જાણીતાં છે, પણ વાસ્તવમાં એમના સાત જેટલા કાવ્ય-સંગ્રહ છે, અને ગદ્ય-ક્ષેત્રમાં એમનાં લલિત નિબંધસંગ્રહ, વાર્તાસંગ્રહ, નવલકથા, બંગાળીમાંથી અનુવાદ વગેરે થઈને ઘણાં પુસ્તક છપાઈ ચૂક્યાં છે. પ્રસ્તુત ઇ-બૂકમાં એમના ત્રણ લલિત – અને પ્રવાસેતર – નિબંધસંગ્રહોમાંથી પસંદ કરેલા નેવું નિબંધો ‘દરિયાપારથી’ – સંચયિત નિબંધો – શીર્ષક હેઠળ ઉપસ્થિત કર્યા છે. એ પુસ્તકોનાં નામ છે ‘ઘરથી દૂરનાં ઘર’, ‘નિત નવા વંટોળ’ અને ‘મહાનગર’. આ નિબંધોમાં દરિયાપારથી લખાયેલા, દરિયાપાર વિશેના, વિવિધ વિષયો અને અનુભવોનાં આલેખન છે. મહાનગર ન્યૂયોર્ક શહેરમાં વસતાં વસતાં લેખિકાએ કોઈ પણ બાબત વિશે જાણવાનું, માણવાનું, સમજવાનું અને વર્ણવવાનું સીમિત નથી રાખ્યું. આવા મૌલિક સર્જકતાથી સભર કોઈ સ્થાનને અપનાવીએ તો કેટલી મન-સંપત્તિ સંચયિત થતી રહે છે, તેનું પ્રમાણ આ ઇ-બૂકમાં સ્પષ્ટ દેખાશે.
આ પછી બીજા પણ નિબંધસંગ્રહો પ્રગટ થયા છે, જેમકે, ‘સ્થળાંતર’, ‘નિજાકૃતિ’ અને ‘પાંચ-મેશાલિ’. એનો પણ કંઈક પરિચય, રસ ધરાવતા વાચકોને ભવિષ્યમાં ક્યારેક કરાવીશું.
–અતુલ રાવલ
પ્રીતિ શાહ-સેનગુપ્તા
પ્રીતિ શાહ-સેનગુપ્તા ગુજરાતી છે, અને ઘણાં વર્ષોથી ન્યૂયોર્ક શહેરમાં વસે છે. અનેકવિધ કળા-પ્રકારોમાં રસ કેળવી શકવા બદલ એ આ મહાનગરને યશ આપે છે. ધીરે ધીરે કરતાં લેખન અને વિશ્વ-ભ્રમણ એમની બે મુખ્ય પ્રવૃત્તિઓ બની રહી છે.
જેને માટે એ જાણીતાં થયાં છે તે પ્રવાસ-લેખન પર એમનાં ૨૩ પુસ્તકો થઈ ચૂક્યાં છે. તે સિવાય કાવ્ય, નિબંધ અને વાર્તા-સંગ્રહો, તથા બે નવલકથા, બંગાળીમાંથી ચાર અનુવાદો, તેમજ ભારતભરના પોતે લીધેલા ફોટોગ્રાફનું પુસ્તક જોતાં પચાસ જેટલાં પ્રકાશન થવા જાય છે. લેખન માટે એમને ઘણાં પ્રતિષ્ઠિત પારિતોષિક પ્રાપ્ત થયાં છે, તથા રાષ્ટ્રીય અને આંતર્રાષ્ટ્રીય સાહિત્ય-સંગ્રહોમાં એમની કૃતિઓ સ્થાન પામી છે.
વિશ્વના સાતેય મહાખંડ પરના ૧૧૦થી વધારે દેશો ઉપરાંત ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પણ એ ગયાં છે. એ છે તો એકલ પ્રવાસી, છતાં એમનાં સતત સંગી હોય છે આનંદ અને વિસ્મય.
“રંગ રંગનો સ્નેહ” એમનો પ્રથમ ઈ-વાર્તાસંગ્રહ છે.