ગીત-પંચશતી

રવીન્દ્રનાથ ઠાકુર

આ પુસ્તકમાં રવીન્દ્રનાથનાં પાંચસો ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. આ ગીતોનું ગુજરાતી લિપિમાં મૂળ બંગાળી પાઠ અને તેનો ગુજરાતી અનુવાદ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના જાણીતા સાહિત્યકારોએ ગીતોનાં અનુવાદ કર્યા છે.
 
સંગીત રવીન્દ્રનાથની વિરાટ પ્રતિભાનો એક અંશમાત્ર છે. પણ તે તેમની મોટી સાધનાનો - બહુજ અંતરંગ - અંશ છે. તેમના જ શબ્દોમાં: “હું નિશ્ચિતપણે જાણું છું કે ભવિષ્યના દરબારમાં મારી કવિતા-વાર્તા-નાટકનું જે થવાનું હોય તે થશે, પણ મારાં ગીતોને તો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાને ગાવાં જ પડશે - બંગાળના ઘરે - ઘરમાં, તરુહીન, દુદૂર પથ પર, મેદાનોમાં, નદી કાંઠે મેં જોયું છે. મારાં ગીત જાણ્યે કે મારા અચેતન મનમાંથી આપમેળે નીકળ્યા છે. એટલા જ માટે તેમાં એક સંપૂર્ણતા છે.”
 
‘ગીત પંચશતી'નું સંપાદન ગુરુદેવનાં ભત્રીજી શ્રીમતી ઇન્દિરાદેવી ચૌધુરાણી એ કર્યું છે. આ ગ્રંથની ભૂમિકા પણ એમણે જ લખી છે.

રવીન્દ્રનાથ ઠાકુર

આધુનિક ભારતના સર્વશ્રેષ્ઠ બંગાળી કવિ. 1913માં ‘ગીતાંજલિ’ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરી, વિશ્વકવિ તરીકે પ્રતિષ્ઠિત. વિખ્યાત ચિત્રકાર અને ‘રવીન્દ્રસંગીત’ના પ્રવર્તક. પ્રકૃતિની સંનિધિમાં શાંતિનિકેતનમાં શિક્ષણ આપવાનો પ્રયોગ કરનાર વિશિષ્ટ કેળવણીકાર. ભારતને રાષ્ટ્રગીત આપનાર મહાન દેશભક્ત.

— 'ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર