ગુજરાતી નારીસંપદા : ટૂંકી વાર્તા
શરીફા વીજળીવાળા : સંપાદક
સો વર્ષની વાર્તાઓ
એકત્ર ફાઉન્ડેશને દોઢેક વર્ષ પહેલાં જ્યારે મને ‘સ્ત્રીવાર્તાકારોની વાર્તાઓ સંપાદિત કરી આપશો?’ એવું પૂછ્યું ત્યારે ‘હું તો બધી વાર્તાઓ વાંચું છું’ એવા વહેમમાં મેં હા પાડી દીધી. મને ખબર હતી કે વીસમી સદીના આરંભ ગાળાની અને 21મી સદીના બીજા દાયકાની વાર્તાઓ મને મથાવશે. લીલાવતી મુનશી, સરોજિની મહેતા, સૌદામિની મહેતા, વિનોદિની નીલકંઠ, લાભુબહેન મહેતા વગેરેની વાર્તાઓ શોધતા તકલીફ તો થઈ પણ ભરૂચનાં મીનલ દવે તથા મનોજ સોલંકી, પરિષદમાંથી હંસાબેન વગેરેની મદદથી આ વાર્તાકારોની વાર્તાઓ મળી ગઈ. આમ તો હું નીવડેલ-નવા તમામ સર્જકોની વાર્તાઓ વાંચનારી, પણ 2005 પછી વધી ગયેલાં સામયિકો, વાર્તાશિબિરો અને વાર્તાહરિફાઈઓને કારણે લખતાં થયેલાં કોઈ સ્ત્રીસર્જક મારી નજર બહાર રહી ન જાય એટલા માટે મેં ફેસબુક પર વાર્તા માટે જાહેર ટહેલ નાખી. દરેક સર્જક પાસેથી મેં ત્રણ વાર્તા મંગાવી હતી. લગભગ 78 બહેનોએ મને વાર્તાઓ કુરિયર કરી! મને ખબર જ નહોતી કે આટલી મોટી સંખ્યામાં બહેનો વાર્તા લખતી હતી ! બે-ત્રણ મહિના બધી વાર્તાઓ વાંચવામાં ગયા. સો વર્ષના ગાળામાં સ્ત્રીસર્જકો દ્વારા લખાયેલી, વાર્તાકલાની દૃષ્ટિએ ખરી ઉતરતી વાર્તાઓ જ મારે લેવાની હતી એ બાબતે હું બિલકુલ સ્પષ્ટ હતી. વધારેમાં વધારે 50-55 સ્ત્રીસર્જકોની વાર્તાઓ મારે વાંચવી પડશે એવું મેં માન્યું હતું પણ મારે લગભગ 200 વાર્તાકાર બહેનોની વાર્તાઓ વાંચવાની થઈ જેમાંથી મેં દસ-બાર વાર્તા બાબતે જરાક સમાધાન કરીને 129 સ્ત્રીસર્જકોની વાર્તાઓ અહીં સમાવી છે.
એકત્ર ફાઉન્ડેશને આવું કામ સોંપ્યું એ બદલ અતુલભાઈનો આભાર. આપણી બહેનો આટલી મોટી સંખ્યામાં વાર્તાઓ લખતી થઈ છે એ નહીંતર મને કેવી રીતે ખબર પડત? છેલ્લા દોઢ-બે દાયકાની વાર્તાઓ જોતાં લાગે કે હજી ઘણી બહેનો અતિશય નબળી વાર્તા લખે છે. જોડણી, વાક્યરચનામાં નરી અરાજકતા છે. પણ આપણે યાદ રાખવાનું છે કે આમાંથી મોટાભાગની બહેનોએ પચાસ વટાવ્યા પછી, ઘરગૃહસ્થીની જંજાળ વચ્ચે કલમ ઉપાડી છે. એમને જો જરાક તાલીમ મળે તો એમાંની ઘણી બહેનો સારી વાર્તા લખી શકે એમ છે, એવું હું ચોક્કસ જ માનું છું. આ બધી બહેનોને શુભેચ્છાઓ.
–શરીફા વીજળીવાળા
શરીફા વીજળીવાળા : સંપાદક

શરીફા વીજળીવાળાનો જન્મ તા. ૪-૮-૧૯૬૨માં ભાવનગર જિલ્લાના અમરગઢ ગામે થયો હતો. એમણે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ, બી.એ. અને એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. ડૉ. શિરીષ પંચાલના માર્ગદર્શન નીચે એમણે ‘ટૂંકી વાર્તામાં કથનરીતિનો અભ્યાસ’ એ વિષય ઉપર પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૯૧થી ૨૦૧૩ સુધી ૨૨ વર્ષ તેઓ સુરતની એમ. ટી. બી. આટ્ર્સ કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક તરીકે કાર્યરત હતાં અને ૨૦૧૩થી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગમાં કાર્યરત છે.
ડૉ. શરીફા વીજળીવાળા એક અભ્યાસી વિવેચક, સંપાદક અને અનુવાદક તરીકે જાણીતાં છે. તેમના ‘બાની વાતું’ (લોકવાર્તા), ‘અનન્યા’ (વિદેશી વાર્તા), ‘સંપ્રત્યય’ અને ‘વાર્તા સંદર્ભ’ (વિવેચન) તથા ‘મન્ટોની વાર્તાઓ’ (અનુવાદ) એમ પાંચ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિક મળેલાં છે. ‘ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર’ (સંશોધનગ્રંથ)ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક અને ‘જેણે લાહોર નથી જોયું’ (નાટક)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ૨૦૧૫નો અનુવાદ પુરસ્કાર મળેલ છે. એમના ગ્રંથ ‘વિભાજનની વ્યથા’ને ૨૦૧૮નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે. એમનાં કેટલાંક પુસ્તકો ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે પણ પસંદ થયેલ છે. ભારત વિભાજનને લગતાં લગભગ દસથી બાર પુસ્તકો એમણે આપેલ છે.
યુ.જી.સી. દિલ્હી દ્વારા સોંપાયેલ રિસર્ચ પ્રોજેક્ટ – ‘Analytical & Comparative Study of Literature Based on Partition Theme’ પર તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. તો બસવ સમિતિના રાષ્ટ્રીય કક્ષાના અનુવાદ પ્રોજેક્ટ અંતર્ગત કન્નડના મહાન સાહિત્યકાર બસવેશ્વરનાં વચનોનો ગુજરાતી અનુવાદ ‘વચન’નામે અન્યો સાથે તૈયાર કર્યો છે. અત્યાર સુધીમાં તેમનાં કુલ ૩૮ પુસ્તકો પ્રગટ થયાં છે અને ૪ પ્રકાશાધિન છે.
તેઓ એક નિર્ભીક અને સ્પષ્ટવક્તા લેખક-વક્તાના રૂપે વિવિધ માધ્યમોમાં પોતાની વાત રજૂ કરતા રહે છે. તેમની આ સાહિત્યિક અને સામાજિક નિસ્બતને ધ્યાનમાં રાખીને શિશુવિહાર, ભાવનગર દ્વારા ‘સ્ત્રી શક્તિ સન્માન’અને ૨૦૧૬માં સદ્ભાવના ફોરમ દ્વારા પૂ. મોરારિબાપુના હસ્તે ‘સદ્ભાવના એવોર્ડ’ જેવાં સન્માન પણ પ્રાપ્ત થયાં છે.