ગુજરાતી નવલકથા પરિચયકોશ
જયેશ ભોગાયતા : સંપાદક
ઇતિહાસ અને કૃતિપરિચયનો સમન્વય
આપણે સૌ વાચક મિત્રો જાણીએ છીએ કે એકત્ર ફાઉન્ડેશન વીજાણુ માધ્યમથી ગુજરાતી સાહિત્યનો પ્રસાર સમગ્ર વિશ્વમાં કરી રહ્યું છે. મનુષ્યજીવનના બદલાયેલા સંદર્ભમાં વીજાણુ માધ્યમથી થતો સાહિત્યનો પ્રસાર ખૂબ જ ઉપયોગી છે. એકત્ર ફાઉન્ડેશનનું ગ્રંથાલય ખૂબ જ સમૃદ્ધ છે. એ સમૃદ્ધિમાં ગુજરાતી નવલકથા પરિચયકોશનું પ્રકાશન એક વિશેષ પ્રાપ્તિ છે.
ગુજરાતી નવલકથા પરિચયકોશના આરંભે નિવેદન, સંપાદકીય અને નિમંત્રણ-પત્ર આ ત્રણ સામગ્રીનું ધ્યાનથી વાચન કરશો. નવલકથા પરિચય કોશનું માળખું અને તેમાં પ્રકાશિત અધિકરણોની લેખન-પદ્ધતિ વિશે અગત્યની માહિતી મળશે. નવલકથા પરિચય કોશમાં ઈ.સ. ૧૮૪૪થી ઈ.સ. ૨૦૨૩ દરમ્યાન પ્રકાશિત ગુજરાતી નવલકથાઓમાંથી પસંદ કરેલી પ્રતિનિધિરૂપ નવલકથા વિશેનાં અધિકરણો છે. પ્રસ્તુત અધિકરણલેખોનાં મુખ્ય ત્રણ અંગો છે. પહેલું અંગ છે ઇતિહાસ -એટલે સમયાનુક્રમ પ્રમાણે પ્રકાશિત નવલકથાઓની પસંદગી, બીજું અંગ છે સર્જકનો પરિચય, ને ત્રીજું અંગ છે નવલકથાનો પરિચય. આ પરિચયને પણ અનિવાર્ય મુદ્દાઓમાં વિભાજિત કર્યા છે. આ ત્રણ અંગોનો સંવાદી સમન્વય તે નવલકથા પરિચયકોશ. પ્રત્યેક અધિકરણ આ ત્રણ અંગોની સીમામાં રજૂ થયાં છે.
નવલકથા પરિચયકોશમાં પસંદ કરેલી નવલકથાઓ ગુજરાતી નવલકથાલેખનમાં તબક્કાવાર આવેલાં આંતરબાહ્ય પરિવર્તનોને દર્શાવે છે.
આ નવલકથાઓમાં તબક્કાવાર આવેલાં આંતરબાહ્ય પરિવર્તનોની સમાંતરે માનવજીવનમાં આવેલા પલટાઓ અને પડકારોને પણ સૂચવે છે. નવલકથાસર્જકનો વાસ્તવજીવન સાથેનો મુકાબલો અને તેનું કૃતિસ્વરૂપ આ અધિકરણોમાં વાંચી શકાશે.
ગુજરાતી નવલકથા પરિચયકોશનું પ્રકાશન ગુજરાતી નવલકથાના ઇતિહાસલેખનનું એક પ્રતિમાન છે. પ્રસ્તુત પરિચય કોશમાં કુલ ૧૫૫ નવલકથા વિશેનાં અધિકરણો છે. અધિકરણલેખનના કાર્યમાં વરિષ્ઠ વિવેચકોની સાથે યુવા અધ્યાપકો અને સંશોધકો પણ છે. પરંતુ અધિકરણોનું સળંગ વાચન કરતી વખતે આ વયભેદનો અનુભવ થશે નહીં. અધિકરણલેખકોની નિષ્ઠા, ગંભીરતા અને એક શિસ્તબદ્ધ લેખનની અપેક્ષા સામેનો ઉત્સાહપૂર્વકનો સહકાર એ આ પરિચય કોશનો મૂળાધાર છે. એ મૂળાધાર બનનારા સૌ અધિકરણલેખકોનો હૃદયપૂર્વક આભાર માનું છું.
પ્રસ્તુત પરિચયકોશમાં સમયાંતરે નવાં અધિકરણો ઉમેરતા રહેવાની યોજના છે. એટલે કે તે ખુલ્લો છે. જે કોઈ કારણસર જે નવલકથાઓનો સમાવેશ થયો નથી તેવી નવલકથાઓનાં અધિકરણો અહીં ઉમેરીશું. નવલકથાની પસંદગી કરતી વખતે ઇતિહાસ અને વૈવિધ્યનો ખ્યાલ રાખ્યો છે. નવલકથાઓની પસંદગીમાં વિષયવૈવિધ્ય પર ભાર મૂક્યો છે. આ વૈવિધ્યનો અનુભવ અધિકરણોનું વાચન કરશો તેમાં જરૂર થશે.
ગુજરાતી ભાષાસાહિત્યના વિશાળ વાચકવર્ગ સમક્ષ ગુજરાતી નવલકથા પરિચયકોશને પ્રકાશિત કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. માત્ર દસ મહિનાના સમયગાળામાં ૧૫૫ નવલકથા વિશેનાં અધિકરણોનું પ્રકાશન એક મોટી સાહિત્યિક ઘટના છે. અધિકરણલેખન માટેનાં આયોજન અને પુરુષાર્થનું પરિણામ તે આ પરિચયકોશ છે.
આશા રાખું કે વાચકમિત્રો પ્રસ્તુત પરિચયકોશનું વાચન એકાગ્રતાથી કરશે અને ગુજરાતી નવલકથાના છ તબક્કાના ઇતિહાસનો અનુભવ કરશે.
આ ગંજાવર પ્રકલ્પ હાથ પર લેવા એકત્રના તંત્રસંચાલક અતુલભાઈ રાવલ, અધિકરણલેખકો અને સૌ સહાયક મિત્રોનો આભાર.
— જયેશ ભોગાયતા
સંકલન-સંપાદન : ગુજરાતી નવલકથા પરિચયકોશ
જયેશ ભોગાયતા : સંપાદક
વિવેચક, વાર્તાકાર, કવિ અને કથાસાહિત્યના મર્મી ડૉ. જયેશ ભોગાયતાનો જન્મ ૧૭ એપ્રિલ, ૧૯૫૪ના રોજ ભાણવડ, જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ જામખંભાળિયા અને વેરાડમાં. ડી. કે. વી. આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, જામનગરમાં બી.એ. અને ભાષાસાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં એમ.એ. (સુવર્ણચંદ્રક વિજેતા). ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં પ્રો. સુમન શાહના માર્ગદર્શન હેઠળ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ વિષયમાં શોધકાર્ય કર્યું. આટ્ર્સ કૉલેજ, શામળાજીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યાર બાદ એમ. એમ. ગાંધી આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કાલોલમાં સેવા આપ્યા બાદ એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં રીડર તરીકે જોડાયા. પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ તરીકે ૧૪ જૂન, ૨૦૧૪માં નિવૃત્ત થયા. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન યુ.જી.સી.ના મેજર રિસર્ચ પ્રોજેક્ટમાં સંશોધનકાર્ય કર્યું. ઉપરાંત યુ.જી.સી. દ્વારા સન્માનિત ‘પ્રોફેસર ઈમેરિટ્સ’નો ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨) નામનો વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી એક કાવ્યસંગ્રહ ‘આપ ઓળખની વાર્તા’ (ઈ. ૨૦૧૩) મળે છે. જેને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર એનાયત થયો હતો. તેમના ગહન અભ્યાસને દર્શાવતો શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ ઈ. ૨૦૦૧માં પ્રગટ થયો. સપ્ટેમ્બર, ૨૦૦૫થી તેમણે ‘તથાપિ’ નામના ત્રૈમાસિકનું સંપાદન શરૂ કર્યું. હાલમાં તેમણે ‘ગુજરાતી નવલકથા પરિચય કોશ’નું(એકત્ર ફાઉન્ડેશન) સંકલન-સંપાદન કર્યું, જેમાં ૧૮૦ વર્ષની ગુજરાતી નવલકથા સર્જનકાળને સમાવી લેતા ઐતિહાસિક ક્રમ અનુસાર ૧૫૩ નવલકથા વિશેનાં અધિકૃત અધિકરણોનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ ‘ગુજરાતી ટૂંકી વાર્તા વહેણ અને વળાંકો’ (એકત્ર ફાઉન્ડેશન) શીર્ષકથી ગુજરાતી નવલિકા સર્જનયાત્રાનું સંકલન-સંપાદન કરી રહ્યા છે.
વિવેચક તરીકે તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘અનુબંધ’ (ઈ. ૨૦૦૧), ‘કથાનુસંધાન’ (ઈ. ૨૦૦૪), ‘આવિર્ભાવ’ (ઈ. ૨૦૦૬) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અર્થવ્યક્તિ’ (ઈ. ૨૦૦૮) ‘વાચનવ્યાપાર’ (ઈ. ૨૦૧૧) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અભિવ્યાપ્તિ’ (ઈ. ૨૦૧૯) ‘અનુસંધાન’ (ઈ. ૨૦૨૨). આ ઉપરાંત તેમની પાસેથી કેટલાંક નોંધપાત્ર સંપાદન પણ મળે છે. જે આ મુજબ છે : ‘સંક્રાતિઃ સર્જાતી ગુજરાતી ટૂંકીવાર્તાનું સંપાદન’ (ઈ. ૧૯૯૪), ‘સ્વરૂપસન્નિધાન’ (ઈ. ૧૯૯૯) સહસંપાદન, ‘કલામીમાંસા સન્નિધાન’ (ઈ. ૨૦૦૨) સહસંપાદન, ‘નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય’ ભાગ-૧, ૨ (ઈ. ૨૦૦૫), ‘કિશોર જાદવની વાર્તાઓ’ (ઈ. ૨૦૧૦), રામચંદ્ર શુક્લ સંપાદિત ‘નવલિકા સંગ્રહઃ પુસ્તક પહેલું અને બીજું’ની બીજી આવૃત્તિનું સંપાદન (ઈ. ૨૦૧૧) ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’ (ઈ. ૨૦૧૩), ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા’ ખંડ ૧ અને ૨ (ઈ. ૨૦૧૬), તથા ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકીવાર્તા’ (ઈ. ૨૦૧૭). પૂર્વ અને પશ્ચિમની મીમાંસાના સિદ્ધાંતોનો વિનિયોગ અને એ દ્વારા વાર્તાની કલાત્મકતા સિદ્ધ કરતાં તત્ત્વોની તપાસ એ તેમની ટૂંકી વાર્તાની વિવેચનની ધરી છે.
– હીરેન્દ્ર પંડ્યા