ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર

રમણ સોની : સંપાદક

 

 
 

‘ગુજરાતી વિવેચન પરંપરા’ વિશે ચારેક સંપાદન-ગ્રંથો કરવા વિચાર્યું છે એ પૈકી આ ગ્રંથ-૧ ‘સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર’ વિશેનો છે. આ ગ્રંથ નર્મદથી આરંભીને છેક સાંપ્રત સમય સુધીના વિવેચકોના ૫૩ લેખોને સમાવતું એક પ્રતિનિધિરૂપ સઘન સંપાદન છે.

ગુજરાતી વિવેચન એના આરંભકાળથી જ પુસ્તક-અવલોકન, કવિ-પરિચય, ઐતિહાસિક ચર્ચા, વગેરેની સાથે સાહિત્યનો તત્ત્વ-વિચાર પણ કરતું રહ્યું છે. ને આરંભે અંગ્રેજી સાહિત્ય અને વિવેચનનું પરિશીલન એ માટે પ્રેરક બનતું રહ્યું ને સાથેસાથે સંસ્કૃતમીમાંસાનું અધ્યયન પણ તત્ત્વવિચાર-સંવર્ધક બનતું ગયું છે. સમય જતો ગયો એમ યુરપીય સાહિત્યતત્ત્વવિચારથી ને એમ વૈશ્વિક વિવેચનવિચારથી પણ ગુજરાતી વિવેચક પરિચિત ને પ્રતિભાવિત થતો ગયો. આધુનિક કાળમાં ને પછી અનુઆધુનિક કાળમાં તે તે સમયની વિચારધારાઓ સાથે ગુજરાતી વિવેચક સંવાદ સાધતો રહ્યો છે ને પોતાની મૌલિક વિચારશીલતાને પણ પ્રયોજતો ગયો છે.

એટલે આ સંપાદનમાં વિવિધ દિશાઓમાં જતા ને વિવિધ દૃષ્ટિકોણો ઉપસાવતા લેખોમાંથી પસાર થવાના જિજ્ઞાસા-ઉત્તેજક આનંદ પામી શકાશે. ગુજરાતી સાહિત્ય-વિવેચનના તત્ત્વવિચારનો એક ભાતીગળ આલેખ ઊપસવાની સાથે અહીં, તત્ત્વલક્ષી વિવેચનની ઇતિહાસ-રેખા પણ જોઈ શકાશે.

તાત્ત્વિક વાચનમાં રસ લેનાર જિજ્ઞાસુઓ, લેખકો, અનુસ્નાતક અભ્યાસ કરતા ને સંશોધન પણ કરતા વિદ્યાર્થીઓ, સાહિત્યના અધ્યાપકોને માટે આ સંપાદન એક હાથવગા સંદર્ભની ગરજ સારશે, એ જ રીતે ઉચ્ચતમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાસાહિત્યને વિષય તરીકે સ્વીકારનારને માટે પણ એ જરૂરી સંદર્ભ બની રહેશે.

દરેક લેખના આરંભે, લેખશીર્ષક પૂર્વે વિવેચકની છબી અને જન્મવર્ષ મૂક્યાં છે ને લેખને અંતે સ્રોતગ્રંથ નોંધ્યો છે, મળ્યું ત્યાં લેખના પ્રથમ લેખન/પ્રકાશનનું વર્ષ પણ મૂક્યું છે. અનુક્રમ લેખકોના જન્મવર્ષ અનુસાર કરેલો છે.

તો, હવે આ સાહિત્ય-તત્ત્વ-જગતમાં પ્રવેશીએ –

 

—રમણ સોની

રમણ સોની : સંપાદક

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી  વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે.  જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા  પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.

(પરિચય – કિશોર વ્યાસ)