ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો
જયેશ ભોગાયતા : સંપાદક
નમસ્કાર મિત્રો,
એકત્ર ફાઉન્ડેશનનું વીજાણુ માધ્યમથી એક ઇતિહાસલક્ષી ગ્રંથનું પ્રકાશન થવાની ક્ષણે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ‘ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો’ના પ્રથમ ખંડનું પ્રકાશન ૨૬, નવેમ્બર, ૨૦૨૪ના રોજ થયું હતું. જે ખંડમાં કુલ ૧૩૫ ગુજરાતી ભાષાના વાર્તાકારો વિશેના સમીક્ષાલેખો હતા. હવે, બીજા ખંડમાં કુલ ૫૪ વાર્તાકારોનો સમાવેશ કર્યો છે ને બંને ખંડનું સંયુક્ત પ્રકાશન કવિશ્રી દલપતરામ(૧૮૨૦)થી શ્રી અભિમન્યુ આચાર્ય(૧૯૯૪) સુધીના કુલ ૧૮૯ વાર્તાકારો વિશેના સમીક્ષાલેખોનું પ્રકાશન ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસલેખનની આ એક અપૂર્વ સાહિત્યિક ઘટના છે.
આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યના નીવડેલા અને નવોદિત સર્જક-વિવેચકોએ સંપાદક દ્વારા સોંપવામાં આવેલ વાર્તાકારો વિશે નિયત માળખામાં પોતાના સમીક્ષાલેખોનું કાર્ય કર્યું છે. સર્વે, સમીક્ષકમિત્રોએ પૂરતી અભ્યાસનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાથી પોતાને સોંપેલ વાર્તાકાર/વાર્તાકારો વિશે સમીક્ષાલેખો લખ્યા છે. સમીક્ષકમિત્રોની અભ્યાસનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ તે આ ગ્રંથનું પ્રકાશન છે.
સંપાદક તરીકે મેં સમીક્ષાલેખનું માળખું બનાવ્યું હતું. આ માળખાને કારણે પ્રત્યેક સમીક્ષાલેખનો આરંભ, મધ્યભાગ અને અંત એક ક્રમિક ગતિનો અનુભવ કરાવે છે. અહીં પ્રકાશિત કુલ ૧૮૯ સમીક્ષાલેખો આ માળખાને અનુસર્યા છે અને લેખનની એક શિસ્તનું પાલન કર્યું છે. સમીક્ષાલેખનું માળખું આ મુજબનું છે : વાર્તાકારનું નામ, સમીક્ષકનું નામ, વર્તાકારનો ફોટોગ્રાફ, વાર્તાકારના જીવનનો ટૂંકો પરિચય, વાર્તાકારના સંગ્રહોના પ્રકાશનોનો પરિચય, વાર્તાસંગ્રહ/વાર્તાસંગ્રહોની વાર્તાઓ વિશે સમીક્ષા, લેખને અંતે સમીક્ષકનો ટૂંકો પરિચય અને સંપર્કસૂત્રનો નિર્દેશ. આ પ્રકારના માળખાને કારણે પ્રત્યેક લેખની એક ચોક્કસ ડિઝાઈન બની છે અને પ્રત્યેક લેખ બીજા લેખ સાથે સંવાદી બને છે.
ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસલેખનમાં આ ગ્રંથ પ્રથમ પ્રકાશન છે. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસલક્ષી લેખો જરૂર મળે છે, વાર્તાકારો વિશેના ગંભીર અભ્યાસો પણ મળે છે, સ્વરૂપલક્ષી વિવેચનલેખો પણ મળે છે પરંતુ ગુજરાતી ટૂંકી વાર્તાસર્જનના પ્રથમ તબક્કાથી શરૂ કરીને સમકાલીન તબક્કા સુધીનો સળંગ ઇતિહાસ ઉપલબ્ધ નહોતો. પ્રસ્તુત ગ્રંથમાં ગુજરાતી ટૂંકી વાર્તાના છ તબક્કાનો સમીક્ષાલેખોના ઐતિહાસિક ક્રમ દ્વારા ઇતિહાસ ઉપલબ્ધ થયો છે. ગુજરાતી ટૂંકી વાર્તાના છ તબક્કાનાં વહેણો અને વળાંકોને મેં સંપાદક તરીકે લાંબી(આશરે ૫૦ પૃષ્ઠની) ભૂમિકામાં દર્શાવ્યાં છે.
આ ગ્રંથનું અનેક સાહિત્યિક દૃષ્ટિકોણથી મૂલ્ય છે. ગુજરાતી ટૂંકી વાર્તાના આરંભ વિશે, પ્રથમ વાર્તાકાર વિશે અગાઉ જે બિનપાયાદાર માહિતીઓ આપવામાં આવી હતી તે બધી જ બિનપાયાદાર માહિતીઓનું આ ગ્રંથના પ્રકાશનથી નિરસન થઈ જશે. ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ અમુક અપવાદોને બાદ કરતાં સાવ જ અંધકારમાં હતો. એ ઇતિહાસના પુરાવા સામયિકોમાં હતા, કેટલાક નોંધપાત્ર સંપાદનોમાં હતા પરંતુ એ બધી સામગ્રીનું વાચન થયું નહોતું. પ્રસ્તુત ગ્રંથમાં ગુજરાતી ભાષાના(સામયિકોમાં) ઓગણીસમી અને વીસમી સદીના પ્રથમ બે દાયકાના સામયિકોમાંથી વાર્તાકારોની પસંદગી કરી છે, તો કેટલાક નોંધપાત્ર સંપાદનો અને સર્જકગ્રંથાવલિના સંદર્ભો તરીકે ઉપયોગ કરીને ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ રજૂ કર્યો છે.
આપણે જાણીએ છીએ કે ગુજરાતી ટૂંકી વાર્તાના પ્રત્યેક તબક્કામાં મોટી સંખ્યામાં વાર્તાકારો છે. એ દરેક વાર્તાકારની સંખ્યા તૈયાર કરીએ તો ગુજરાતી ટૂંકી વાર્તાનો એક સાગર જોવા મળશે. અમે એ સાગરમાંથી મહાપ્રયત્ને અને કર્તવ્યભાવનાથી જે વાર્તાકારો વિશે સમીક્ષાલેખો કર્યા છે તેની પ્રેરણાથી ભવિષ્યમાં કોઈ બીજા સાહસિક સંશોધકો બાકી રહેતા વાર્તાકારોનો ઇતિહાસ રજૂ કરશે એવી મને પૂરતી શ્રદ્ધા છે.
ગ્રંથપ્રકાશનની આ ક્ષણે હું એકત્ર ફાઉન્ડેશનના સંવાહક શ્રી અતુલભાઈ રાવલ, સહયોગી મિત્ર શ્રી રાજેશભાઈ મશરૂવાળા, સૌ સમીક્ષક મિત્રો, ગ્રંથનું પ્રિન્ટીંગ, લે આઉટ અને પ્રૂફરિડીંગ કરનાર શ્રી મહેશભાઈ ચાવડા અને એમની ટીમ અને એકત્ર ફાઉન્ડેશનના સંયોજક શ્રી અનંત રાઠોડનો હૃદયપૂર્વક આભાર માનું છું. આશા રાખું છું કે પ્રસ્તુત ઇતિહાસગ્રંથ સૌ વાચક મિત્રોને વિવિધ ભૂમિકાએ ઉપયોગી બનશે.
– જયેશ ભોગાયતા
તા. ૪ જાન્યુઆરી, ૨૦૨૬, રવિ, વડોદરા
જયેશ ભોગાયતા : સંપાદક
વિવેચક, વાર્તાકાર, કવિ અને કથાસાહિત્યના મર્મી ડૉ. જયેશ ભોગાયતાનો જન્મ ૧૭ એપ્રિલ, ૧૯૫૪ના રોજ ભાણવડ, જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ જામખંભાળિયા અને વેરાડમાં. ડી. કે. વી. આટ્ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, જામનગરમાં બી.એ. અને ભાષાસાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં એમ.એ. (સુવર્ણચંદ્રક વિજેતા). ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં પ્રો. સુમન શાહના માર્ગદર્શન હેઠળ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ વિષયમાં શોધકાર્ય કર્યું. આટ્ર્સ કૉલેજ, શામળાજીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યાર બાદ એમ. એમ. ગાંધી આટ્ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કાલોલમાં સેવા આપ્યા બાદ એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં રીડર તરીકે જોડાયા. પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ તરીકે ૧૪ જૂન, ૨૦૧૪માં નિવૃત્ત થયા. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન યુ.જી.સી.ના મેજર રિસર્ચ પ્રોજેક્ટમાં સંશોધનકાર્ય કર્યું. ઉપરાંત યુ.જી.સી. દ્વારા સન્માનિત ‘પ્રોફેસર ઈમેરિટ્સ’નો ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨) નામનો વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી એક કાવ્યસંગ્રહ ‘આપ ઓળખની વાર્તા’ (ઈ. ૨૦૧૩) મળે છે. જેને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર એનાયત થયો હતો. તેમના ગહન અભ્યાસને દર્શાવતો શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ ઈ. ૨૦૦૧માં પ્રગટ થયો. સપ્ટેમ્બર, ૨૦૦૫થી તેમણે ‘તથાપિ’ નામના ત્રૈમાસિકનું સંપાદન શરૂ કર્યું. હાલમાં તેમણે ‘ગુજરાતી નવલકથા પરિચય કોશ’નું(એકત્ર ફાઉન્ડેશન) સંકલન-સંપાદન કર્યું, જેમાં ૧૮૦ વર્ષની ગુજરાતી નવલકથા સર્જનકાળને સમાવી લેતા ઐતિહાસિક ક્રમ અનુસાર ૧૫૩ નવલકથા વિશેનાં અધિકૃત અધિકરણોનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ ‘ગુજરાતી ટૂંકી વાર્તા વહેણ અને વળાંકો’ (એકત્ર ફાઉન્ડેશન) શીર્ષકથી ગુજરાતી નવલિકા સર્જનયાત્રાનું સંકલન-સંપાદન કરી રહ્યા છે.
વિવેચક તરીકે તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘અનુબંધ’ (ઈ. ૨૦૦૧), ‘કથાનુસંધાન’ (ઈ. ૨૦૦૪), ‘આવિર્ભાવ’ (ઈ. ૨૦૦૬) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અર્થવ્યક્તિ’ (ઈ. ૨૦૦૮) ‘વાચનવ્યાપાર’ (ઈ. ૨૦૧૧) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અભિવ્યાપ્તિ’ (ઈ. ૨૦૧૯) ‘અનુસંધાન’ (ઈ. ૨૦૨૨). આ ઉપરાંત તેમની પાસેથી કેટલાંક નોંધપાત્ર સંપાદન પણ મળે છે. જે આ મુજબ છે : ‘સંક્રાતિઃ સર્જાતી ગુજરાતી ટૂંકીવાર્તાનું સંપાદન’ (ઈ. ૧૯૯૪), ‘સ્વરૂપસન્નિધાન’ (ઈ. ૧૯૯૯) સહસંપાદન, ‘કલામીમાંસા સન્નિધાન’ (ઈ. ૨૦૦૨) સહસંપાદન, ‘નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય’ ભાગ-૧, ૨ (ઈ. ૨૦૦૫), ‘કિશોર જાદવની વાર્તાઓ’ (ઈ. ૨૦૧૦), રામચંદ્ર શુક્લ સંપાદિત ‘નવલિકા સંગ્રહઃ પુસ્તક પહેલું અને બીજું’ની બીજી આવૃત્તિનું સંપાદન (ઈ. ૨૦૧૧) ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’ (ઈ. ૨૦૧૩), ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા’ ખંડ ૧ અને ૨ (ઈ. ૨૦૧૬), તથા ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકીવાર્તા’ (ઈ. ૨૦૧૭). પૂર્વ અને પશ્ચિમની મીમાંસાના સિદ્ધાંતોનો વિનિયોગ અને એ દ્વારા વાર્તાની કલાત્મકતા સિદ્ધ કરતાં તત્ત્વોની તપાસ એ તેમની ટૂંકી વાર્તાની વિવેચનની ધરી છે.
– હીરેન્દ્ર પંડ્યા