કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ

કુન્દનિકા કાપડીઆ

કુન્દનિકા કાપડીઆ

કુન્દનિકા કાપડિયા (જ. 11 જાન્યુઆરી 1927, લીંબડી; અ. 30 એપ્રિલ 2020, વલસાડ) : અગ્રણી ગુજરાતી વાર્તાકાર. પિતાનું નામ નરોત્તમદાસ, પતિ મકરંદ દવે. ઉપનામ ‘સ્નેહધન’. વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રારંભનું પ્રાથમિક-માધ્યમિક કક્ષાનું શિક્ષણ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં. 1948માં ભાવનગરમાંથી બી.એ. થયાં. મુખ્ય વિષયો રાજકારણ અને ઇતિહાસ. ‘યાત્રિક’ અને ‘નવનીત’નાં સંપાદક તરીકેની ઊજળી કામગીરી પણ તેમણે બજાવી હતી. સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમને 1985માં પ્રાપ્ત થયો.

તેમનું રસક્ષેત્ર વૈવિધ્યભર્યું રહ્યું છે. જીવન અને જગત પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ અપાર વિસ્મયોથી ભરેલો છે. શેક્સપિયર અને ઇબ્સન જેવા વિદેશી નાટ્યકારો અને શરદચંદ્ર તેમજ રવીન્દ્રનાથ જેવા બંગાળી લેખકો ઉપરાંત ધૂમકેતુ જેવા ગુજરાતી લેખકો તેમની રસ-રુચિને અનેકશ: સંકોરતા રહ્યા છે. તેથી સ્વાભાવિક રીતે તેમના લેખન ઉપર તેઓનો પ્રભાવ વિસ્તરતો જણાય. ‘પ્રેમનાં આંસુ’ (1954), ‘વધુ ને વધુ સુંદર’ (1968), ‘કાગળની હોડી’ (1978) અને ‘જવા દઈશું તમને’ (1983) તેમના પ્રમુખ વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓમાં માનવસતવેદનાના કોઈક ને કોઈક અંશને હૃદ્ય રીતે ઉઠાવ મળતો જણાય છે. પ્રેમ, પ્રકૃતિ, સંગીત અને ચિંતન જેવાં તત્ત્વો તેમની વાર્તાઓમાં એક યા બીજી રીતે બળ પૂરતાં રહે છે. તેમનાં પાત્રો લાગણીશીલ છે.

‘પરોઢ થતાં પહેલાં’ (1968), ‘અગનપિપાસા’ (1972), ‘સાત પગલાં આકાશમાં’ (1984) તેમની મુખ્ય નવલકથાઓ છે. પ્રારંભની બંને નવલકથાઓ મનુષ્યના ભીતરને સુપેરે ઉદ્ઘાટિત કરી આપે છે. એ માટે બહિર્ વાસ્તવ અને એના ઘટનાપ્રસંગોને તેમણે ખપમાં લીધાં છે, પણ તે દ્વારા માણસના મૂલ સ્રોતને જ પકડવાનો ને નિરૂપવાનો તેમનો ઉપક્રમ રહ્યો છે. માનવ છેવટે પોતાના ઉપર જ આવીને ઠરીઠામ થાય છે, આનંદરૂપ નાભિ-કસ્તૂરીને પામે છે અને હૃદયની સત્તા જ પર્યંતે સર્વેસર્વા બની રહે છે, એવો તાર એ કૃતિઓમાંથી પકડી શકાય છે.

સાહિત્ય અકાદમી, દિલ્હી-પુરસ્કૃત ‘સાત પગલાં આકાશમાં’ પ્રમાણમાં કંઈક જુદી પડતી નવલકથા છે. ભિન્ન ભિન્ન રીતે ઊહાપોહ જગવી ચૂકેલી આ કૃતિમાં નારીશોષણની સામે સામાજિક વિદ્રોહની વાત કેન્દ્રમાં રહી છે. સ્ત્રી જુદે જુદે રૂપે કેટલું અને કેવું સહન કરતી આવી છે તે અહીં અનેક સ્ત્રીઓ અને તેમના પરિવાર દ્વારા અભિવ્યક્ત થયું છે. આ સમસ્યાપ્રધાન કૃતિમાં હેતુ કંઈક આગળ રહે છે અને કલાતત્ત્વ પાછળ. આમ છતાં એનું ચોક્કસ દસ્તાવેજી મૂલ્ય રહ્યું છે.

‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’માં તેમણે ભાવપૂર્ણ નિબંધો આપ્યા છે. પ્રકૃતિ, પંડ અને બ્રહ્માંડમાંથી સારવી લીધેલી કેટલીક ક્ષણોને અહીં રોચક શબ્દરૂપ મળ્યું છે.

ઉપરાંત શ્રીમતી લૉસ ઇંગ્લસ વાઇલ્ડરની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’; મેરી એલન ચેઝનાં શૈશવનાં સ્મરણોનો અનુવાદ ‘દિલભર મૈત્રી’; બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસવર્ણનનું ભાષાન્તર ‘પૂર્ણકુંભ’ તેમની પાસેથી મળ્યાં છે.

‘દ્વાર અને દીવાલ’ તેમજ ‘પરમ સમીપે’ અનુક્રમે તેમના પ્રકીર્ણ લેખો અને પ્રાર્થનાસંકલનના સંગ્રહો છે. વલસાડથી ધરમપુર જવાના રસ્તે નંદિગ્રામ આશ્રમ સ્થાપીને કુન્દનિકાબહેન અને મકરંદભાઈએ આદિવાસી સમાજની સેવા આરંભેલી; પરંતુ ઈ. સ. 2005માં મકરંદભાઈનું અવસાન થતાં એ આશ્રમનું સંચાલન કુન્દનિકાબહેન કરતા હતા.


— પ્રવીણ દરજી
‘ગુજરાતી વિશ્વકોશ'માંથી સાભાર