માડી મને સાંભરે રે

ચંદુ મહેરિયા : સંપાદક

ગુજરાતી દલિત સાહિત્યમાં માતૃત્વ, સ્મૃતિ અને જીવનસંઘર્ષને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલું એક મહત્ત્વપૂર્ણ સંપાદન છે. ચંદુ મહેરિયા દ્વારા સંપાદિત આ પુસ્તક પ્રથમવાર ૧૯૯૪માં ઉત્તમ સાહિત્ય પ્રકાશન સહકારી મંડળી લિ., સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત થયું હતું.
આ સંકલનમાં કુલ ૨૧ લેખો સમાવાયા છે, જેમાં નીરવ પટેલ, જોસેફ મેકવાન, બી. એન. વણકર, બબલદાસ બી. ચાવડા, હરીશ મંગલમ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી જેવા વિવિધ દલિત લેખકોના લેખોનો સમાવેશ થાય છે.ચંદુ મહેરિયા સંપાદકીયમાં નોંધે છે કે ‘મહારાષ્ટ્રની તુલનાએ ગુજરાતી દલિત સાહિત્યમાં આત્મકથાત્મક અને સ્મૃતિલેખનનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું છે. એવા સંદર્ભમાં ‘માડી મને સાંભરે રે’ જેવા સંકલનો ગુજરાતી દલિત જીવનના અનુભવો, સ્મૃતિઓ અને સંઘર્ષોને સાહિત્યિક અભિવ્યક્તિ આપતું મહત્વપૂર્ણ ઉમેરણ બની રહે છે.’
આ લખાણોમાં ‘મા’નું ચિત્રણ માત્ર સ્મૃતિ કે લાગણી સુધી મર્યાદિત નથી રહેતું; પરંતુ સામાજિક અસમાનતા, ગરીબી અને જીવનસંઘર્ષ વચ્ચે ઊભી રહેલી સ્ત્રીની શક્તિ, કરુણા અને સહનશીલતાને પણ ઉજાગર કરે છે. સંપાદક ચંદુ મહેરિયાએ વિવિધ દલિત લેખકોના અવાજો અને અનુભવોને એકત્ર કરીને ‘મા’ના અનુભવોને વ્યક્તિગત સ્મૃતિમાંથી સામૂહિક સંવેદનામાં રૂપાંતરિત કર્યા છે. તેથી આ પુસ્તક માત્ર સ્મૃતિલેખોનો સંગ્રહ નથી રહેતું, પરંતુ ગુજરાતી દલિત જીવન, તેની લાગણીઓ અને સંઘર્ષોનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહે છે.
જાણીતા વિવેચક મંજુબહેન ઝવેરી પુસ્તકની પ્રસ્તાવનાના અંતમાં નોંધે છે : “બ્રાહ્મણોએ આપેલ માતુવંદના, માતૃસાહિત્ય કે માતુછાયા જેવા શીર્ષકોની પડછે ‘માડી મને સાંભરે રે’ એ શીર્ષક મીઠું અને વ્હાલસોયું લાગ્યું એ નોંધવું રહ્યું.” પુસ્તક વાંચતાં આ અવલોકન ખરેખર સાચું લાગે છે.

– પંક્તિ દેસાઈ

ચંદુ મહેરિયા : સંપાદક

ચંદુભાઈ રામજીભાઈ મહેરિયા ગુજરાતી દલિત સાહિત્ય, સામાજિક ચિંતન અને જાહેર જીવન સાથે લાંબા સમયથી સક્રિય રીતે સંકળાયેલા લેખક, વિચારક અને સંપાદક છે.
૧૯૫૯માં અમદાવાદમાં જન્મેલા ચંદુભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. કર્યું છે. સરકારી સેવામાથી નિવૃત્ત થયા બાદ હાલમાં તેઓ લેખન અને વાચનમાં સક્રિય છે. વિદ્યાર્થીકાળથી જ તેઓ જાહેર પ્રવૃત્તિઓ, દલિત આંદોલનો અને ડૉ. આંબેડકરના વિચારપ્રસાર સાથે જોડાયેલા રહ્યા છે. “વલય” વિચાર વર્તુળ, ભીમરાવ વિદ્યાર્થી સંઘ અને “અધિકાર” સંસ્થા મારફતે તેમણે અનેક વિચારગોષ્ઠીઓ અને સામાજિક કાર્યક્રમોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમણે ‘દલિત અધિકાર’ પાક્ષિકના લેખન અને સંપાદનમાં સક્રિય ભૂમિકા ભજવી છે તેમજ ‘નયા માર્ગ’, ‘નિરીક્ષક’, ‘ભૂમિપુત્ર’, ‘જલસો’, ‘સમાજમિત્ર’, 'આરપાર','દલિત શક્તિ' સહિતના વિવિધ સામયિકોમાં સતત લેખન કર્યું છે. ‘દિવ્ય ભાસ્કર’ અને ‘સંદેશ’ દૈનિકોમાં પણ તેમની કટારલેખન પ્રવૃત્તિ નોંધપાત્ર રહી છે.
તેમના પુસ્તકોમાં ‘સાંબરડાથી સ્વમાન નગર’, ‘પ્રાણ પ્રશ્ન પાણીનો’, ‘દુકાળિયા બપોરનો સંગાથ’ અને ‘ચોતરફ’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથોનો સમાવેશ થાય છે. દલિત કવિતા, આત્મકથાત્મક લખાણો અને સામાજિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખી તેમણે સંપાદન અને વિવેચનક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ, અસ્મિતા પર્વ અને વિવિધ યુનિવર્સિટીઓમાં તેઓ વક્તા તરીકે આમંત્રિત થયા છે. સામાજિક ન્યાય, દલિત ચેતના અને જાહેર પ્રશ્નો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા તેમના સમગ્ર સર્જન અને કાર્યમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.

– પંક્તિ દેસાઈ