કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ

મરીઝ

ગુજરાતના ગાલિબ તરીકે ખ્યાત એવા મરીઝ બે ચોપડી સુધી ભણેલા પણ ઘેર રહીને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરેલો. ઉર્દૂ ભાષા અને લિપિ પ્રત્યે પ્રેમાદર. અમીન આઝાદ એમના મિત્ર અને ગુરુ. એમના જીવનમાં એક પ્રકારની દીવાનગી હતી, ફકીરી હતી. એ દીવાનગી, ફકીરી એમની ગઝલોમાં ધૂપની જેમ પ્રગટી છે. ગમે તેવા દુઃખમાં કે પરિસ્થિતિમાં તેઓ ફકીરની જેમ હસતા રહી શકતા. દુનિયાદારીના અનુભવ, દીવાનગી અને ફકીરી એ જ એમની અમીરી છે. કેટલીક અમર ગઝલો આપનાર મરીઝના કાવ્યોનું ઇ-પ્રકાશન કરતાં એકત્ર ફાઉન્ડેશન આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આ ઇ-પ્રકાશન સહુ સહૃદય ભાવકોને ગમશે એવી આશા છે.

–સંપાદકો

મરીઝ

મરીઝ (જ. 22 ફેબ્રુઆરી 1917, સૂરત; અ. 19 ઑક્ટોબર 1983, મુંબઈ) : ગુજરાતી ગઝલકાર, મૂળ નામ વાસી અબ્બાસ અબ્દુલઅલી. આજીવન પત્રકારત્વ અને મુશાયરાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા મરીઝનું ભણતર કેવળ ગુજરાતી બીજા ધોરણ સુધીનું હતું.

‘આગમન’ (1969) અને તેમના પરિવાર દ્વારા મરણોત્તર પ્રકાશિત ‘નકશા’ (1985) – એ 2 ગઝલસંગ્રહો મરીઝના મળ્યા છે. વળી એમની કેટલીક રચનાઓ ‘ગુલઝારે શાયરી’ તેમજ ‘દિશા’ (1990) જેવાં સંપાદનોમાં પણ મળે છે. ઇયત્તા કરતાં ગુણવત્તાની ર્દષ્ટિએ એમનું પ્રદાન નોંધપાત્ર છે. ગઝલસર્જન અને મુશાયરાપ્રવૃત્તિ દ્વારા એમણે ગુજરાતી ગઝલના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. પરંપરિત ગઝલપ્રવાહના તેઓ એક મહત્વના સર્જક લેખાય છે. તેમણે ગઝલ ઉપરાંત નઝ્મ, કત્અ, રુબાઈ, તઝમીન, મરસિયા વગેરે અરબી-ફારસી કાવ્યપ્રકારો પણ ગુજરાતી ભાષામાં સૂઝપૂર્વક ખેડ્યા છે.

મરીઝથી ગુજરાતી ગઝલ ખરેખરું અંતસ્તત્વ અને આકારસૌષ્ઠવ દાખવે છે. એમાં ઊંડાણ અને બલિષ્ઠતા વરતાય છે. સંવેદનની તાજપની સાથે ભાવ અને ભાષાનો સુઘટ્ટ વણાટ ગઝલની વ્યંજનાજન્ય ચમત્કૃતિને ઓર ઘૂંટે છે. એમની શૈલી ગઝલ-કલાની મૂળ વિભાવનાને અનુરૂપ સરળ, વેધક અને મર્મગામી છે. મરીઝની આંતરસૂઝથી લખાયેલી ગઝલોમાંનું ચિંતન અને અધ્યાત્મનું કલાત્મક નિરૂપણ મુગ્ધ કરે એવું છે. ભારતીય વેદાંત અને સૂફીવાદનો સુભગ સમન્વય એમાં ત્રીજું પરિમાણ ઉમેરે છે. કશા ભાર વિનાની એમાં સહજ રીતે તાત્વિક પર્યેષણા ઝિલાઈ છે, તો ધાર્મિક માન્યતાઓ પ્રત્યેનો તેમનો સોંસરો કટાક્ષ એની તર્કસંગતતાને કારણે વધુ વેધક નીવડ્યો છે. પ્રેમની વિવિધ ભાવદશાઓ ઉપરાંત રાજકારણ, ધર્મ, સમાજવાદ, મદ્યપાન, દર્શનશાસ્ત્ર જેવા વિષયોનું વૈવિધ્યસભર અને અસરકારક નિરૂપણ ધ્યાન ખેંચે છે. એમણે જીવનની વિવિધ પરિસ્થિતિઓને અનુરૂપ શેરો કહ્યા છે; એટલું જ નહિ, માનવમનની સંકુલ ભાવસ્થિતિઓને પણ એમણે ગઝલમાં સહજ રીતે અભિવ્યક્ત કરી છે. ગુજરાતી ગઝલ મરીઝમાં એનું ઉચ્ચતમ શિખર સર કરતી લાગે છે.

બેગમ અખ્તર જેવી ઉર્દૂની ગઝલગાયિકાએ ‘‘જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’’ જેવી મરીઝની ગુજરાતી ગઝલને પોતાનો સ્વર આપીને તેમની ગઝલિયતને બિરદાવી છે. 125 વર્ષના ગુજરાતી ગઝલના ઇતિહાસમાં મરીઝ અનોખી ભાત પાડતા શાયર છે. ગાલિબની મઝલિયતનું સ્મરણ કરાવે એવી એમની ગઝલ-સર્જક્તાને કારણે કેટલાક તો ‘ગુજરાતના ગાલિબ’ તરીકે તેમને ઓળખાવવા પ્રેરાયેલા.

–રશીદ મીર
‘ગુજરાતી વિશ્વકોશ’માંથી સાભાર