પ્રદ્યુમ્ન તન્ના એક દીર્ઘ મુલાકાત

યજ્ઞેશ દવે

જેમ નદીના પ્રવાહમાં બે કાષ્ઠ સાથે વહી છૂટાં પડી જાય એમ અલગ અલગ પ્રવાહમાં વહેતાં બે કાષ્ઠ મળી પણ જાય ! પ્રદ્યુમ્નભાઈને એમ જ મળવાનું થયું. વરસો પહેલાં, ‘કુમાર'નાં પાનાંઓ ૫૨ એમનાં ચિત્રો-રેખાંકનો જોયેલાં. કવિતાઓ અને લેખો વાંચેલાં પણ પ્રત્યક્ષ મળવાનું થયું ૧૯૮૩ના આસો મહિનામાં, અણધાર્યું જ, ભાવનગરમાં જયંત મેઘાણીના ઘરે. ગૌર ચહેરો, ગમતીલી હડપચી, લાંબું નાક, સુરેખ ભ્રમર, પાતળા હોઠ અને પાતળિયા કહેવાય તેવી દેહયષ્ટિ. ઈટલી ગયા ન હોત તોપણ ઈટાલિયન લાગે એવા નમણા, સોહામણા મળે ત્યારે પ્રેમથી ભેટે. તરત જ પોતાના કરી લે. ખડખડાટ હસવાનો છોભ નહીં.

 

જયંતભાઈ ને મિત્ર મનોહર દેસાઈ, પ્રદ્યુમ્નભાઈ જોડે રાણકપુર, કુંભલગઢ, ઉદેપુરના પ્રવાસે જવાનું વિચારતા હતા. જયંતભાઈ કહે, ‘આવવું છે ?’ મારી બેકારીના દિવસો. ભીતર ઘણીય પાંખો ફફડાવું. પણ રખડવા માટેની આર્થિક જોગવાઈ નહોતી. મારો અનુત્તર જ ઉત્તર હતો ! સાનમાં સમજી જઈ સહજપણે મને સાથે લીધો ને અમારી મંડળીએ શરદઋતુમાં પ્રદ્યુમ્નભાઈ જોડે મેવાડની યાદગાર યાત્રા કરી. ઉંમરનો ભાર તો રહેવા જ દીધો નહોતો. તળભૂમિની નાનાવિધ જનજાતિઓ અને એમની કલાના પ્રકારો અને પરંપરા સાથેનો એમનો અનુરાગ એ ભ્રમણ દરમિયાન પમાયો. પ્રદ્યુમ્નભાઈ તો મેવાડ એ પહેલાંયે ફરી ચૂક્યા હતા, છતાં એ જ ઉમંગ, એ જ વિસ્મય !

 

ઉદેપુર રેલવે-સ્ટેશને છૂટાં પડ્યા ત્યારે ફરી ક્યારે મળાશે એનો એકેય અણસાર નહોતો. એ પછીનાં વરસોમાં બે વાર મળવાનું થયું, અમદાવાદમાં. એક વાર અલપઝલપ, બીજીવાર નિરાંતે. તેમની અવનવી રસિક વાતો સાંભળતા થતું કે તેમનો એક લાંબો ‘ઇન્ટરવ્યૂ’ રેકોર્ડ કર્યો હોય તો ? પણ એ મેળ પડ્યો પરિચયનાં એકવીસ વરસ પછી ૨૦૦૪ના માર્ચમાં, નંદીગ્રામમાં. ને વરસોથી ધરબાયેલી ઈચ્છા પૂરી થઈ !

 

ગુજરાતમાં કવિ-ચિત્રકારનો સંયોગ વિરલ. બે અપવાદો – ગુલામ મોહમ્મદ શેખ અને પ્રદ્યુમ્ન તન્ના. પ્રદ્યુમ્નભાઈ ફોટોગ્રાફર અને ટેક્સટાઈલ ડિઝાઈનર પણ ખરા. લગભગ ત્રણ દાયકાથી ઈટલી સ્થાયી થયા છે, પણ સ્વદેશવાસીઓથી સહેજેય ઓછા ભારતીય નથી ! રખડવાના અઠંગ શોખીન. અત્યારે, પંચોતેર વર્ષની ઉંમરે પણ રખડવાનો આનંદ જતો ન કરે. દેશવિદેશમાં કેટલાય પ્રવાસો કર્યા હશે. આવા આ ભર્યાભર્યા કલાકારના ઘણા આયામો આ મુલાકાતમાં વણી લીધા છે. તેમની બોલચાલની ભાષાની મજા જુદી. વિસારે પડવા આવેલા કેટલાય તળપદા શબ્દો તેમને હોઠે સહજ રમતા આવે. અને ઇંગ્લિશ પણ સરસ. આ મુલાકાત દરમિયાન એમના ઇટાલિયન પત્ની રોઝાલ્બા - ચિત્રકાર, શિક્ષક અને વણાટકામના તજ્જ્ઞ - પણ હાજર હતાં. પ્રદ્યુમ્નભાઈ અહીં પાંખડીએ પાંખડીએ કેવા ખીલ્યા ખૂલ્યા છે તે તો વાચકો જ કહેશે.

યજ્ઞેશ દવે

યજ્ઞેશ દવે(જ. 24 માર્ચ 1954) : ‘જાતિસ્મર'(1992)ની દીર્ઘ અછાંદસ કાવ્યકૃતિઓમાંની સર્જકતાથી વિશેષ ધ્યાન ખેંચનાર યજ્ઞેશ દવેએ ‘જળની આંખે'(1985)થી ‘ગંધમંજૂષા'(2015) સુધીના ચાર સંગ્રહો આપ્યા છે એમાં મનુષ્યચેતના વ્યાપક ફલક પર અભિવ્યક્ત થઈ છે અને કલ્પન-પ્રવર્તન તાજગીવાળું બન્યું છે. કવિતા ઉપરાંત એમણે લલિત નિબંધો લખ્યા છે એનાં ‘અરૂપસાગરે રૂપરતન'(1998)થી ‘પવન વિદેહી'(2015) સુધીનાં 4 પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં વિસ્મય અને જિજ્ઞાસાનાં રૂપો ઉપરાંત પંખી-વનસ્પતિ-જગતનું સંવેદ્ય રૂપ પણ આલેખન પામ્યું છે. એની પાછળ યજ્ઞેશની સૃષ્ટિવિજ્ઞાનમાંની અધ્યયન-જિજ્ઞાસા પણ કારણભૂત છે. – વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે એમણે Ecologyમાં સંશોધન-પદવી(Ph.D.) મેળવેલી છે.

એ ઉપરાંત બાળકો માટેના સાહિત્યની બે પુિસ્તકાઓ તથા ‘જાપાનીઝ હાઈકુ’ના અનુવાદનું પુસ્તક(2002) પણ એમણે આપ્યાં છે. યજ્ઞેશ દવે ઑલ ઇન્ડિયા રેડીઓમાંની લાંબી કારકિર્દી પછી સ્ટેશન ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા છે.

(પરિચય – રમણ સોની)