પ્રથમ સ્નાન

ભૂપેશ અધ્વર્યુ

‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬)માં તાજા અને ઉત્કટ કવિ-અવાજનો રણકો છે – જાણે તમે ભૂપેશની કવિતા વાંચી રહ્યા નથી પણ સાંભળી રહ્યા છો. પહેલું જ દીર્ઘ કાવ્ય ‘એક ઈજન’ એના પ્રલંબ માત્રામેળી લયના વેગીલા પ્રવાહમાં તમને અંદર ખેંચી લે છે ને એના વિલક્ષણ સંવેદનજગતનો આનંદ-અનુભવ આપે છે. વ્યવહારની ટિખળથી વિચાર-સંવેદનની સંકુલ વાસ્તવિકતાને આલેખતું ‘હું ચા પીતો નથી’; તથા અદ્યતન ચિત્રકલાની કલ્પકતાવાળું, શબ્દદૃશ્યોની સાથે જ ભાષાની અનેક તરાહોથી વાસ્તવનાં અર્થદૃશ્યો ઊપસાવતું ‘બૂટકાવ્યો‘ પણ પ્રભાવક દીર્ઘ કાવ્યો છે. એવી જ સર્જકતા એનાં લયવાહી છતાં સંવેદનના અરૂઢ આલેખનવાળાં ‘પ્રથમ સ્નાન’, ‘નાથ રે દુવારકાનો’, વગેરે સુંદર ગીતોમાં છે. માત્રામેળ, છાંદસ, અછાંદસ, ગીતરચના એ બધા પ્રકારની કાવ્યરચનાઓમાં ભૂપેશનો કવિ-અવાજનો તથા ભાષાની સર્જકતાનો આહ્લાદક અનુભવ વાંચનારને થવાનો.

દ્રુતવિલંબિત છંદમાં રચાયેલું ૩૦૦ ઉપરાંત પંક્તિઓનું ‘કુપિત રાક્ષસીના શબની મહીં’ પણ એનું એટલું જ સશક્ત કાવ્ય હતું. માત્ર એના અવાજમાં જ અનેક વાર સાંભળેલું ને એના અવાજ સાથે જ અદૃશ્ય થયેલું એ કાવ્ય કાગળ પર જો સચવાયું હોત તો આ સંગ્રહની ને ગુજરાતી કવિતાની એક અવિસ્મરણીય કૃતિ આપણને સાંપડી હોત. 

– રમણ સોની 

ભૂપેશ અધ્વર્યુ

ભૂપેશ અધ્વર્યુ (જ. ૫, મે ૧૯૫૦ – અવ. ૨૧, મે ૧૯૮૨) યુવા વયે જ અવસાન પામેલા આપણા આ તેજસ્વી સર્જકે નાની વયે કવિતા-વાર્તા-લેખન આરંભેલું. ઓછું લખ્યું પણ આગવો અવાજ પ્રગટાવ્યો. સર્જનશીલતાનો વિશેષ ઉન્મેષ દાખવતાં એનાં બે પુસ્તકો ‘હનુમાનલવકુશમિલન’ (૧૯૮૨) વાર્તાસંગ્રહ અને ‘પ્રથમ સ્નાન’ (૧૯૮૬) કાવ્યસંગ્રહ એના અવસાન પછી મિત્રોએ સંપાદિત કરીને પ્રકાશિત કર્યાં. એની દરેક વાર્તા અલગ મુદ્રા વાળી તેમજ અદ્યતન પ્રયોગશીલતા અને પ્રશિષ્ટતાની સંયોજિત ગૂંથણીવાળી છે. એવું જ રૂપ એની કવિતાનું પણ ઊપસેલું છે. એના સમયમાં નવીન અને વરિષ્ઠ સાહિત્યકારો બંને માટે એ ધ્યાનપાત્ર સર્જક રહેલો. એના ધારદાર અને સાહિત્યકલાની ઊંડી સમજવાળા વિવેચનલેખો હજુ હવે પ્રકાશિત થશે.

થોડાંક વર્ષ ગુજરાતી સાહિત્યના અધ્યાપક રહ્યો એમાં સન્નિષ્ઠ શિક્ષક અને તેજસ્વી વિવેચક તરીકે સૌનાં પ્રેમ-આદર એ પામેલો. પણ પછી, એક સંવેદનશીલ વિચારક તરીકે શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિની સ્વતંત્રતાને ખરીદી લેવાની ભ્રષ્ટતા જણાતાં નોકરી છોડીને સ્વતંત્ર સાહિત્યલેખન અને ફિલ્મદિગ્દર્શનની દિશામાં એ વળેલો. પૂના જઈને ફિલ્મ-એપ્રિશિયેશનનો કોર્સ પણ એણે કરેલો. છેલ્લે તો કલા અને સાહિત્યની સાર્થકતા વિશે પણ એ સાશંક થયેલો. એ વિશે એક લેખમાળા એ કરવાનો હતો. એ દરમ્યાન જ અકસ્માતે એનું અવસાન થયું.

અત્યંત સાદગીભર્યું અને લગભગ સ્વાવલંબી જીવન વીતાવનાર ભૂપેશ અધ્વર્યુ પર ગાંધીજીના ને વિશેષે કૃષ્ણમૂર્તિના વિચારોનો પણ પ્રભાવ હતો.