પ્રતિસાદ

મંજુ ઝવેરી

‘પ્રતિસાદ’(૧૯૯૮)માં ૧૯૯૨થી ૧૯૯૮ સુધીમાં ‘ફાર્બસ ત્રૈમાસિક’માં લખાયેલા સંપાદકીય લેખો છે. એ લેખોનું વિચાર-વિશ્વ ઘણું વ્યાપક છે.
પુસ્તકમાંના લેખો મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલો વિભાગ વિજ્ઞાન અને માનવતાવાદને, આઇન્સ્ટાઇન જેવાની વિચારણાને પ્રતીતિકર વિશ્લેષણથી રજૂ કરે છે. બીજો વિભાગ વ્યાપક રીતે પુરાકથાશાસ્ત્ર, અસ્તિત્વની ભંગુરતા તથા કિર્કેગાર્દ, ફ્રોઈડ, નિરદ ચૌધરી, ગાંધીજી જેવા માનવતાવાદી વિચારકો તથા આધુનિક ચિંતકો વિશેના છે. એમાંના બે કંઈક વિશેષ ધ્યાન ખેંચનારા છે : ‘ગાંધીજી પ્રાગ્-આધુનિક, આધુનિક કે અનુઆધુનિક?’ તથા ‘શબ્દની તાકાત અને સત્તાધીશો’.
ત્રીજો વિભાગ સ્ત્રી અને આધુનિક ચેતના વિશેના ત્રણ લેખોને આવરે છે ને મંજુ ઝવેરીની લાક્ષણિક વિચારણાને રજૂ કરે છે.
ચોથા વિભાગમાં કેટલાંક પુસ્તકો વિશે સમીક્ષાત્મક વિચારણા છે. દર્શકનું ‘સદ્ભિ: સંગ:’; કાન્તિ શાહની ‘એકત્વની આરાધના’ નામની જીવનકથા; ઇકબાલ સિંહનું પુસ્તક ‘ગૌતમ બુદ્ધ’, દેવાંગના દેસાઈનો ખજુરાહો પરનો ગ્રંથ ‘The Religious Imagery of Khajuraho’ અને સુમિત્રા કુલકર્ણીનું ગાંધીજીવનને આલેખતું ‘અણમોલ વિરાસત’—એ પુસ્તકોની પૂરો પરિચય આપતી છતાં વિમર્શલક્ષી સમીક્ષાઓ આ વિભાગમાં છે.
મંજુબહેનના આ પુસ્તકની મુખ્ય વિશેષતા એની વિશદ અને સ્પષ્ટ રજુઆત છે. ઘણા ઊંડા અભ્યાસમાં લઈ જતા આ વિચારણીય લેખો ક્યાંય અટપટા કે ધૂંધળા બન્યા નથી, મુદ્દાસરના અને કુંઠા વિનાની મુક્ત વિચારણા આપનાર બન્યા છે.
એથી, એનું વાચન રસપ્રદ અને વિચારપોષક બને એવું છે.
તો પ્રવેશીએ —

— રમણ સોની

મંજુ ઝવેરી

‘ફાર્બસ સભા ત્રૈમાસિક’નાં પૂરા સમયનાં સન્નિષ્ઠ અને દૃષ્ટિવાન સંપાદક તરીકે તેમજ બૌદ્ધિક વિચારક-લેખક તરીકે મંજુ હિંમત ઝવેરી(૧૯૨૬-૨૦૦૯)ની શાખ ઘણી ઊંચી હતી. ૧૯૬૧થી ફાર્બસ ગુજરાતી સભામાં સહાયક મંત્રી તરીકે જોડાયાં એ પછી ૧૯૭૪થી ૨૦૦૬ સુધીના ત્રણ દાયકા એમણે ‘ત્રૈમાસિક’નાં સંપાદક તરીકે, સાહિત્ય અને વિચારના એ સામયિકને સમૃદ્ધ કર્યું. સંપાદકની એક મહત્ત્વની ભૂમિકા તરીકે એમણે સાહિત્ય, ફિલસૂફી, સમાજકારણ અને રાજકીય વિચારધારા—એવા વ્યાપક વિષયો પર સંગીન સંપાદકીય લેખો કર્યા. એના પરિણામ સ્વરૂપે ‘નીરખ ને’(૧૯૯૨) તથા ‘પ્રતિસાદ’(૧૯૯૮) એવા બે ગ્રંથો મળ્યા. એમાંનો વિચારવિમર્શ આજે પણ એક સૂક્ષ્મ ને સ્પષ્ટવક્તા છતાં સૌજન્યશીલ સ્વસ્થ વિચારક-ચિંતક તરીકે એમનું મહત્ત્વનું સ્થાન અંકિત કરે છે.
મંજુબહેન ૧૯૪૨ના ‘હિંદ છોડો’ના આંદોલનમાં જોડાયેલાં ને જેલવાસ સ્વીકારેલો. એ દરમ્યાન એમણે માર્ક્સનું વાચન-અધ્યયન કર્યું. માર્ક્સવાદી જૂથમાં પણ જોડાયાં. પરંતુ ભ્રાન્તિ-નિરસન થતાં એ વિચારધારામાંથી એમણે મન પાછું ખેંચી લીધું.
એમના પર સૌથી મોટો અને ઊંડો પ્રભાવ પડ્યો ગાંધીવિચારનો. એ વિચારણાના ફળસ્વરૂપે એમની પાસેથી ‘ગાંધીજી : આરપાર વીંધતું વ્યક્તિત્વ’(૨૦૦૩) પુસ્તક મળ્યું. આપણા વિચક્ષણ વિદ્વાન લોર્ડ ભીખુ પારેખ સમેત અનેક વિચારકોએ એમાંની મંજુ ઝવેરીની વિચારણાના વિમર્શાત્મક પ્રતિભાવો આપ્યા.
બાળપણથી જ, અનેક વિષયોનાં પુસ્તકોના વાચને એમની રુચિને ઘડી. ઉત્તમ અંગ્રેજી વિચાર-ગ્રંથોના વાચન-પરિશીલને પણ એમના વિચારણીય લેખોને સઘન અને સબળ બનાવ્યા. પ્રારંભિક કારકિર્દીમાં એમણે કેટલાંક અંગ્રેજી પુસ્તકોના અનુવાદો પણ કરેલા.
આવી સમ્પન્ન રુચિવાળાં આ લેખક-સંપાદક પાસેથી આપણને ઘણી દ્યોતક વિચારણા મળી છે એનું મૂલ્ય ઘણું છે.

—રમણ સોની