પૂર્વોત્તર
ભોળાભાઈ પટેલ
સાહિત્ય અકાદેમીના પ્રવાસ-અનુદાનથી શ્રી ભોળાભાઈ પટેલે ભારતનાં ઉત્તર-પૂર્વ રાજ્યોનો પ્રવાસ કરેલો એના ખૂબ જ સંતર્પક અને રસપ્રદ અનુભવો આ પુસ્તકમાં રોજનિશીના – રોજેરોજની ડાયરીના રૂપમાં લખાયેલા છે. ઓડિયા, કલકત્તા(બંગાળ), ત્રિપુરા, મણિપુર, નાગાલૅન્ડ, મેઘાલય, અસમ-માં લેખકમિલનો, ત્યાંનાં ભાષા-સાહિત્યનો આસ્વાદ-પરિચય એ પ્રાથમિક કર્તવ્ય પણ અહીં ખૂબ જીવંતતાથી આલેખાયું છે. એ ઉપરાંત લેખકે આ પ્રકૃતિસુંદર પ્રદેશોને એક નિસર્ગપ્રેમીની દૃષ્ટિથી માણ્યા છે એનાં સર્જનાત્મક વર્ણનો વાચકને રસ-તરબોળ કરી દે છે. વળી, પ્રકૃતિ-આલેખન આગળ એ અટક્યા નથી – તે તે પ્રદેશનાં ઇતિહાસ અને સંસ્કૃતિનો રસભર્યો પરિચય પણ એ કરાવતા જાય છે. પ્રવાસી તરીકેની વિસ્મયવૃત્તિ, સાહસવૃત્તિ અને જિજ્ઞાસા અહીં હંમેશાં સતેજ રહી છે. એથી પ્રવાસ દરમ્યાન આ બધાં સ્થાનોનો ભરપૂર આનંદ લેખકે લીધો છે ને એની લ્હાણી કરી છે. એક સિદ્ધહસ્ત લલિત નિબંધકાર તરીકે ભોળાભાઈની લખાવટ એવી છે કે જાણે આપણે પણ એમની સાથે સાથે પ્રવાસ કરતાં હોઈએ એવો અનુભવ થાય.
એમના એવા સર્જક વ્યક્તિત્વનો અનુભવ લેવા હવે પુસ્તકમાં જ પ્રવેશીએ…
ભોળાભાઈ પટેલ
(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)