રાધે તારા ડુંગરિયા પર

ભોળાભાઈ પટેલ

યાત્રાધામો અને કલાધામો વિશે લખાયેલા આ નિબંધોનાં વિવિધ પાસાં રસપ્રદ છે. બાળપણમાં સાંભળેલી પૌરાણિક કથાની સ્મૃતિ તાજી હોય; મોટપણે વ્રજ-ગુજરાતી-સંસ્કૃત કવિતાના સંસ્કાર પડ્યા હોય ને વર્તમાન ગોકુળ-મથુરા-વૃંદાવન જોતાં પેલા પૂર્વસંસ્કારો વાસ્તવિકતા સાથે ટકરાતા હોય – એથી સંવેદન-વિચારનું જે રૂપ ઊપસે એ આ નિબંધોને આસ્વાદ્ય બનાવે છે.
 
અહીં વર્ણનોમાં તાદૃશતા છે – જગન્નાથની રથયાત્રાના ભીંસભરેલા સીધા અનુભવનું આલેખન, કોણાર્કનાં શૃંગારશિલ્પોનું ઉત્તમ રુચિભર્યું કાવ્યાત્મક આલેખન, નવદ્વીપની લાક્ષણિકતાનું આલેખન એના નમૂના છે.
 
કલકત્તા ભોળાભાઈનાં પ્રવાસ-પુસ્તકોમાં કોઈ ને કોઈ રૂપે દેખાય છે ને દર વખતે એ નવો અનુભવ આપે છે. આ પુસ્તકમાં એક સરસ તુલના છે : ‘એક હતું કલકત્તા, એક છે કલકત્તા, એક હશે કલકત્તા.’ રવીન્દ્રનાથે પોતાના બાળપણના દિવસોની વાત કરેલી એનાં ભોળાભાઈનાં વાચન-સ્મરણો એ ‘હતું કલકત્તા’ રૂપે આલેખાયાં છે; અનેકવારના પ્રવાસોમાં લેખકે જોયેલું-અનુભવેલું તે આજનું ને એના પરથી કાલના કલકત્તાનો ખ્યાલ. એ લાક્ષણિક રીતે નિરૂપણ પામ્યું છે.
 
દીર્ઘ નિબંધો સાથે અહીં કેટલાક પેન્સીલ સ્કૅચની શૈલીમાં લખાયેલા ને કેટલાક ડાયરીના રૂપમાં લખાયેલા નિબંધો છે – એ વૈવિધ્ય પણ માણવા જેવું છે. પ્રવેશીએ–

ભોળાભાઈ પટેલ

ભોળાભાઈ પટેલ હિંદી સાહિત્યના અધ્યાપક અને ગુજરાતીના લેખક, વિવેચક અને સંપાદક, પ્રવાસ-નિબંધકાર અને અનુવાદક. એમનામાં વિદ્વાનની જિજ્ઞાસા અને સર્જકનું વિસ્મય એક સાથે વસતાં હતાં. એટલે નિરંજન ભગતે એમને ‘વિદગ્ધ રસિક’ તરીકે ઓળખાવેલા. વિદ્યાજિજ્ઞાસા એટલી કે શિક્ષક, અધ્યાપક ને પછી યુનિવસિર્ટીમાં હિન્દી સાહિયત્યના પ્રોફેસર થયા એ દરમ્યાન ને એ પછી પણ એ ભણતા રહ્યા – અંગ્રેજીમાં પણ એમ.એ. કર્યું, ભાષાવિજ્ઞાનનો ડિપ્લોમા કર્યો; પહેલાં બંગાળી ને પછી ઓડિયા જેવી ભારતીય ભાષાઓ શીખ્યા, જર્મન પણ શીખ્યા, જૂની લિપિના વર્ગો ભર્યા ને એની પરીક્ષા પણ આપી.
 
ત્રણ દાયકા સુધી ભણાવ્યું – એક જ શહેરમાં, અમદાવાદમાં. પણ એક જગાએ ધૂણી ધખાવી એમ નહીં, એ જાણે કે પ્રવાસી શિક્ષક રહ્યા. વિદ્યા-સાહિત્ય-નિમિત્તે પ્રવાસો કર્યા, નિજાનંદે પણ કર્યા, સાથી મિત્રો સાથે તેમ જ વિદ્યાર્થીઓ સાથે પણ સાંસ્કૃતિક ને પ્રકૃતિદર્શનના પ્રવાસો એ કરતા રહ્યા...દેશમાં ને વિદેશમાં.
*
ગુજરાતીના લેખક તરીકે સૌ પહેલાં એ વિવેચક. ‘અધુના’(૧૯૭૩) વગેરે એમનાં ઘણાં મહત્ત્વનાં વિવેચન-પુસ્તકો છે – સમીક્ષાનાં ને તુલનાત્મક અભ્યાસનાં. દરમ્યાન હિંદી, બંગાળી, ઓડિયામાંથી સરસ અનુવાદો કર્યા – ‘વનલતા સેન’ (૧૯૭૬), ‘સ્વર્ગની નીચે મનુષ્ય’(૧૯૭૭) વગેરે અનેક ઉત્તમ અનુવાદ-પુસ્તકો આપ્યાં. સર્જક તરીકે એ સ્મરણીય પ્રવાસપુસ્તકોના લેખક – ‘વિદિશા’(૧૯૮૦) વગેરે કેટલાં બધાં પુસ્તકોમાં એમની પેલી વિદગ્ધ રસિકતા અનુભવાય છે!
 
ગુજરાતી સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું એમણે લાંબો સમય સુચારુ સંપાદન કર્યું ને સંપાદકીય લેખોનાં બે પુસ્તકો આપ્યાં. ‘મળી માતૃભાષા મને ગુજરાતી’(૧૯૯૭) અને ‘આવ, ગિરા ગુજરાતી’(૨૦૦૧) એે ઉપરાંત પણ એમણે ‘ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો’ વગેરે ઘણાં સંચયો-સંપાદનો કરેલાં.
 
શાંતિનિકેતનમાં તુલનાત્મક ભારતીય સાહિત્યના ફૅલો (૧૯૮૩-૮૪) રહેલા ભોળાભાઈ ગુજરાત સાહિત્ય અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ હતા. ભારતીય સાહિત્ય અકાદમીના અવોર્ડ સમેત ઘણાં પારિતોષિકો એમને મળ્યાં હતાં.

(લેખક અને કૃતિપરિચય : રમણ સોની)