સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ
સંધ્યા ભટ્ટ : સંપાદક
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
–રમણ સોની
શ્રેણી સંપાદક
સંધ્યા ભટ્ટ : સંપાદક

૧૯૮૭માં સુરત જિલ્લામાં સ્થિત માંડવીની કૉલેજથી અધ્યાપન કારકિર્દી શરૂ થઈ. ૧૯૯૦થી બારડોલીની પી. આર. બી. આટ્ર્સ ઍન્ડ પી. જી. આર. કૉમર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કરું છું. એમ.ટી.બી.આટ્ર્સ કૉલેજ, સુરતમાં બી.એ.(અંગ્રેજી) તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના અંગ્રેજી વિભાગમાં એમ.એ.(અંગ્રેજી)નો અભ્યાસ કર્યો.
૧૯૯૯થી લેખનકાર્ય શરૂ થયું. ૨૦૦૬માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘સ્પર્શ આકાશનો’, ૨૦૧૭માં ‘શૂન્યમાં આકાર’ અને ૨૦૨૦માં સૉનેટસંગ્રહ ‘સમય તો થયો’ પ્રકાશિત થયા. ચાર પુસ્તકો કૃતિસમીક્ષાનાં થયાં છે તથા સંપાદન અને ચરિત્રલેખનમાં પણ કામ થયું છે. જયભિખ્ખુ પર એક મોનોગ્રાફ અંગ્રેજીમાં દિલ્હી સાહિત્ય અકાદમીએ ૨૦૨૨માં પ્રકાશિત કર્યો છે.
શિક્ષણ અને સાહિત્યમાં સમાંતરે કામ કરવાનો મને આનંદ છે. કાવ્યસંગીત, ફિલ્મસંગીત અને શાસ્ત્રીયસંગીત સાંભળવું મને ગમે છે. મારી એક ગઝલ પાર્શ્વગાયિકા સાધના સરગમે પંડિત પરેશ નાયકના સ્વરાંકનમાં ગાઈ છે. વાર્તાકાર મોહન પરમારની વાર્તા અને કેફિયતનો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે.