પરમ પુરુષ શ્રી રામકૃષ્ણ પરમહંસ : ખંડ ત્રીજો

ઉષા જોષી : અનુવાદક

ભૂમિકા

ભગવાન શ્રીરામકૃષ્ણરૂપે મૃત્યુલોકમાં લીલા કરવા આવ્યા હતા. એ લીલાની કથા અનેક ભક્તો અને સાધકાએ લિપિબદ્ધ કરી છે. હું તો અયેાગ્ય, અકિંચન, કામકાંચનકીટ. ભગવાનની એ નરલીલાનું વર્ણન કરી શકું એવી મારી શક્તિ નહિ, પવિત્રતા નહિ. તેાય દસ્યુ રત્નાકરનેય રામનામ લેવાનો અધિકાર હતો જ ને! મરા મરા બોલતાં બોલતાં એ પણ એક દિવસ રામનામ સુધી પહેાંચી ગયો. અને ભગવાન કૃપા કરે તો મૂગેા વાચા પામે, પંગુ પર્વત ઓળંગી જાય. તેથી ભગવાનની કૃપાનું જ આલંબન લઈને હું આગળ વધ્યેા છું. હું તત્ત્વ જાણતો નથી, શાસ્ત્ર જાણતો નથી, તન્ત્રમન્ત્ર કશું જાણતા નથી. સાહિત્ય વિશે કંઈક જાણું છું. એ સાહિત્યના ઉપચારથી જ ભગવાનની અર્ચના કરવાનું મેં ઇચ્છયું છે. ગીતામાં ભગવાને કહ્યું છે:

पत्रं पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति ।
तदहं भक्त्युपहृतमश्नामि प्रयतात्मनः ॥

ભક્તિથી ભગવાનને જે કાંઈ આપીએ તે એઓ સ્વીકારે. વિદુરની સ્ત્રીએ કેળાને બદલે કેળાની છાલ ભગવાનને આપી હતી. હું મારા સાહિત્યનું, મારી વાત કહેવાની કળાનું, નૈવેદ્ય ધરું છું. એમાં એક બિન્દુ જેટલીય ભક્તિ રહી છે કે નહીં, તે તો જે સૌના મનનો સ્વાદ ગ્રહણ કરી જાણે છે તેમને જ ખબર.

મેં ગંગાજળથી જ ગંગાપૂજા કરવા ધાર્યું છે. પણ એ ગંગાજળ સાથે ઘણું મલિન જળ ભળી ગયું છે. શ્રીરામકૃષ્ણની વાત સાથે મારી ઘણી વાત ગૂંથાતી આવી છે – ફૂલની સાથે રહેલા કાંટાની જેમ, અથવા કહું કે કીટની જેમ. તેથી ફૂલની સૌરભ કદી મ્લાન થતી નથી. આપણે ભાષાને જોઈએ, ભગવાન ભાવ જુએ. એક સ્ત્રીના જેઠનું નામ હરિ અને સસરાનું નામ કૃષ્ણ. જેઠસસરાનાં નામ તેા દેવાય નહિ એટલે એ જપ કરતાં બોલે: ફરે ફ્રુષ્ટ ફરે ફ્રુષ્ટ ફ્રુષ્ટ ફ્રુષ્ટ ફરે ફરે.' શ્રીરામકૃષ્ણ કહેતા : એ બરાબર જ બોલતી હતી, એનો સાદ પણ ભગવાન સાંભળતા હતા. ખરી વાત તો એ છે કે મન જ મન્ત્ર. શ્રીરામકૃષ્ણ કહેતા, 'મન જ તારા મન્ત્ર'. ભગવાન ભાષાની ત્રુટિ મનમાં લાવતા નથી, પોતે અનિર્વચનીય તેથી ભાષાની પાછળ રહેલા મનના મૌનની જ ખબર રાખે છે. એ મૌન સમસ્ત અભિવ્યક્તિને ઉલ્લંઘીને રહ્યું હોય છે.

શ્રીરામકૃષ્ણ કહેતા, “નરલીલામાં અવતારી પુરુષને મનુષ્યના જેવું જ આચરણ કરવું પડે. તેથી એને ઓળખવાનું અઘરું. માણસ થાય એટલે બરાબર માણસ જેવા જ.” મારા લખાણુની ત્રુટિને કારણે કદાચ તેમનું દેવત્વ નરત્વથી ઢાંકાઈ ગયું હશે. પણ નારાયણરૂપી નર તે જ નરરૂપી નારાયણ. જે જીવેાના ઉદ્ધાર કરવા આવ્યા હતા તે પરમપાવની ક્ષમાથી કોઈને વંચિત કરતા નથી.

દીવાસળી પ્રકટાવીને સૂર્યંને દેખાડી શકાય નહિ, પણ ઘરને ખૂણે એનાથી ઘીનો દીવો તો જરૂર પ્રકટાવી શકાય. મારું આ પુસ્તક માત્ર દીપ પ્રકટાવીને કરેલી પૂજા, દીપ પ્રકટાવીને કરેલી આરતી.

અચિન્ત્યકુમાર સેનગુપ્ત

ઉષા જોષી : અનુવાદક

ઉષા સુરેશ જોષી

       ઉષા જોષી (૧૯૨૦-૨૦૧૧) ૧૯૩૮થી એલ્ફિન્સ્ટન કૉલેજ મુંબઈમાં જોડાયા અને B.A. અને B.T.માં ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયા. કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન એમની મૈત્રી સુરેશ જોષી સાથે થઈ. તેઓએ ગુજરાતી અને સંસ્કૃતમાં મુખ્ય અભ્યાસ કર્યો. સાહિત્યના શોખને કારણે ગુજરાતી ભણતાં ભણતાં મરાઠી, અંગ્રેજી અને બંગાળી પણ શીખ્યાં અને તે ભાષાની ઉત્તમ કૃતિઓ સુરેશ જોષી સાથે વાંચતાં ગયાં; અને આ બીજી ભાષાઓ ઉપર પણ પ્રભુત્વ પામ્યાં. જીવનના અંત સુધી સંસ્કૃતની પ્રીતિ બરકરાર રહી; અને સંસ્કૃત ભાષાનો ઊંડો અભ્યાસ થયો. એવું જ બંગાળી ભાષા સાથે થયું. રાધાકૃષ્ણન અને સુરેન્દ્રનાથ દાસગુપ્તાનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. રવીન્દ્રનાથ ટાગોરને પણ ખૂબ વાંચ્યા અને અનુવાદની કળાથી બે ભાષાને એકરૂપ કરી. સંસ્કૃતને તો માતૃભાષાની જેમ ચાહતાં. ભારતીય ધર્મમાં એમને પહેલેથી ઊંડો રસ હતો. ભણતાં ભણતાં એમણે સ્વામી નિખિલાનંદના બંગાળી પુસ્તક “ભારતીયધર્મ”નો અનુવાદ કર્યો.

       ઉષાબેન ખાર, મુંબઈ-રામકૃષ્ણ મિશનની પાસે જ રહે અને એમના કાર્યો, પ્રવચનોમાં ભાગ લેતાં. એમણે સ્વામી વિવેકાનંદના પટ્ટશિષ્ય સ્વામી વિરજાનંદ પાસે દીક્ષા લીધી હતી. એમની પાસેથી જ રામકૃષ્ણ પરમહંસ વિશે ઘણું જાણ્યું અને વાંચ્યું.

       અચિન્ત્યકુમાર સેન કૃત રામકૃષ્ણ પરમહંસના જીવનચરિત્રનાં ચાર ભાગ — “પરમપુરુષ શ્રી રામકૃષ્ણ”ના અનુવાદથી રામકૃષ્ણ પરમહંસનું પૂર્ણ ચરિત્ર આપણને જાણવા મળ્યું.

 — પ્રણવ જોષી