સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી

અજય રાવલ : સંપાદક

ગુજરાતી વિવેચનની એક દીર્ઘ પરંપરા રહી છે એમાંથી મહત્ત્વના વિવેચકોના સમગ્ર વિવેચન કાર્યમાંથી ઉત્તમ લેખોનું ચયન એ સઘન વિવેચન શ્રેણીનો આશય છે. ગુજરાતીના એક મહત્ત્વના વિવેચક રામપ્રસાદ બક્ષીના વિવેચનમાંથી પ્રતિનિધિત્વ કરે એવા લેખો અહીં પસંદ કરીને અહીં મૂક્યા છે. સંકલ્પ હતો કે એમની વિવેચનમુદ્રા બરોબર ઉપસાવી આપવી, એથી પસંદગીમાં પણ ઠીકઠીક મૂંઝવણ થઈ છે. રામપ્રસાદ બક્ષીની વિવેચન મુદ્રાને ઉપસાવે એ હેતુથી આ લેખોને ચાર વિભાગમાં વિભાજિત કર્યા છે, જેમકે કાવ્યતત્ત્વ, રસવિચારણા, સાહિત્યસ્વરૂપ અને પ્રવાહદર્શન તેમજ સર્જક-અભ્યાસ અને કૃતિ સમીક્ષા એવા શીર્ષકથી જે-તે લેખને વિષયાનુસાર મૂકવામાં આવ્યા છે. દરેક લેખને અંતે એ લેખો જે પુસ્તકો-સામાયિકમાંથી લીધા છે એની વિગતો આપેલી છે. જેથી અભ્યાસીઓ મૂળ આધાર સુધી સરળતાથી પહોંચી શકે. આરંભે વિવેચક રામપ્રસાદ બક્ષીનો પરિચય, રામપ્રસાદ બક્ષીના વિવેચનની વિશેષતાઓ અને પરિશિષ્ટમાં રામપ્રસાદ બક્ષીના વિવેચન ગ્રંથોની સૂચિ આપવામાં આવી છે. આ સંપાદન વિવેચક રામપ્રસાદ બક્ષીના અભ્યાસીઓને ઉપયોગી થશે એવી આશા અને એનો આનંદ પણ. આ કાર્ય માટે એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલ રાવલ તેમજ આ શ્રેણીના સંપાદક શ્રી રમણ સોનીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

–અજય રાવલ

અજય રાવલ : સંપાદક

અજય રાવલ (જ. ૧૯૬૭) ગુજરાતી ભાષાસાહિત્યમાં વિવેચક અને સંપાદક તરીકે જાણીતા છે.


તેમનું કૉલેજશિક્ષણ જામનગરની ડીકેવી કૉલેજમાં લાભશંકર પુરોહિત અને લાભશંકર રાવળ જેવા વિદ્વાન સાહિત્યસેવી અધ્યાપકો પાસે થયેલું. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડૉ. નરેશ વેદના માર્ગદર્શનમાં ‘નવલકથામાં સમયસંદર્ભ અને સમયસંકલના’ વિષય પર શોધનિબંધ તૈયાર કરી એમણે પીએચ.ડી.ની પદવી સને ૧૯૯૮માં પ્રાપ્ત કરી. પહેલાં સંતરામપુર આદિવાસી આટ્‌ર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા બાદ હાલમાં ઉમિયા આટ્‌ર્સ કૉલેજ ફૉર ગર્લ્સ, સોલા, અમદાવાદમાં ગુજરાતી સાહિત્યનું અધ્યયન-અધ્યાપન કરી રહ્યા છે.


તેમનો વિશાળ અભ્યાસ અને ગુજરાતી સાહિત્યના ચોતરફના સંદર્ભને જાળવી રાખતી ખેવના એમના અભ્યાસને બહુકોણીય બનાવે છે. સાહિત્યિક અને ઐતિહાસિક વિગતો સાથેના એમના અભ્યાસલેખો લાંબાસમય સુધી સંદર્ભ માટે ઊભા રહી શકે એવી મૂલ્યવત્તા ધરાવનારા છે. નિરંતર અભ્યાસ અને સાહિત્યનિષ્ઠાને પ્રતિબિંબિત કરતાં એમના અનેક લખાણો અગ્રિમ હરોળનાં સામયિકોમાં પ્રકાશિત થયાં છે. એ ઊંડા અભ્યાસના નિર્દેશક તેમના બે વિવેચનસંગ્રહો ‘નવલકથામાં સમયસંદર્ભ અને સમયસંકલના’ (૨૦૦૨) અને ‘નિસબત’ (૨૦૦૩) ધ્યાનપાત્ર બન્યા છે. તેમની પાસેથી ૨૦ જેટલાં સંપાદનો પણ પ્રાપ્ત થયાં છે.


તેમેને ૨૦૦૦-૦૧માં એચ.આર.ડી. મિનિસ્ટ્રી, ન્યૂ દિલ્હીની જુનિયર રિસર્ચ ફેલોશીપ પ્રાપ્ત થઈ છે. કે. કે. બીરલા ફાઉન્ડેશન, ન્યૂ દિલ્હી દ્વારા અપાતા સરસ્વતી સન્માન એવૉર્ડના ભાષાસમિતિના તેઓ કન્વીનર અને પશ્ચિમ સમિતિના સભ્ય છે. એમનાં અભ્યાસલખાણોને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાના સન્માનો પણ પ્રાપ્ત થયાં છે.

– કિશોર વ્યાસ