રંગરેખાના કલાધર કનુ દેસાઈ

કનુ પટેલ : સંપાદક

ગુજરાતના કલા વિકાસની સાથે જે કેટલાંક નામો ઓતપ્રોત થઇ ગયાં છે, એમ કહીએ કે ગુજરાતની કલાનો વિકાસ જ એમનો ઋણી છે એવા કલાકારોમાં કનુ દેસાઈનું નામ મોખરે છે. કલાના ક્ષેત્રમાં તેમણે ગુજરાતને એક અનોખી શાન બક્ષી છે. ગુજરાતના લગભગ ઘરે ઘરમાં એમની કલાનો સીધો કે આડકતરો પ્રભાવ રહ્યો છે. અડધીસદીથી યે વધુ વર્ષો સુધીની અસ્ખલિત કલાસાધના ૮મી ડિસેમ્બર ૧૯૮૦માં ૭૩ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી મુંબઈમાં એમનું અવસાન થયું, ત્યાં સુધી જારી હતી.

તેમનો જન્મ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં ઈસવીસન ૧૯૦૭ની બારમી માર્ચે અમદાવાદમાં થયો હતો. ચિત્રકલાને મૂફલિસી નોતરવા બરાબર ગણતા મામાથી છાના છાના રાતે રાતે ચીતરવાની ચેળ ભાગવાથી માંડીને પછી એ અરસામાં મુંબઈથી આવીને અમદાવાદમાં સ્થાયી થયેલા કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી ચિત્રકલાના આરંભિક પાઠ ભણીને એમણે મૌલિકતા દાખવવાનો આરંભ કર્યો. વિદ્યાપીઠમાં એમની કલા શક્તિ જોઈ આચાર્ય કૃપલાનીએ એમને શાંતિનિકેતન જવાની સગવડ કરી આપી ને કનુભાઈએ નંદબાબુ જેવા કલાગુરુ પાસે દીક્ષા લીધી. અહીં તેઓ ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંનો સંસ્કાર પામ્યા અને પ્રત્યેક વસ્તુને સર્જનમાં ભારતીય સ્પર્શની કલામયતા દાખવવાની તેમની વિશિષ્ટ દ્રષ્ટિ ખીલી ઊઠી. ચિત્રકળા ઉપરાંત સંગીત, નૃત્ય અને નાટક વગેરેમાં પણ તેમની અભિરૂચી અને દ્રષ્ટિ કેળવાઈ હતી.

શાંતિનિકેતનથી પાછા ફર્યા બાદ પૂર્વ શરત પ્રમાણે ત્રણ વર્ષ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં ચિત્રકલાના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. દરમિયાન ૧૯૨૯માં સત્તર છાયાચિત્રનો એમનો પ્રથમ ચિત્ર સંપૂર્ણ પ્રગટ થયો. અવનવાં સંયોજનો પશ્ચાદભૂમાં વિષય અનુરૂપ અન્ય રંગ આલેખન દ્વારા કનુ દેસાઇએ છાયા ચિત્રોની કલાને પણ આગવી રીતે બહેલાવી હતી.

ગાંધીજીની દાંડી યાત્રામાં પણ તેઓ જોડાયેલા. એ યાત્રાની દસ્તાવેજી નોંધોની સ્મૃતિ પરથી તેમણે ભારત પૂણ્ય પ્રવાસ નામે દાંડીયાત્રાનો સંપુટ પ્રગટ કર્યો. ગાંધીજી અને સ્વાતંત્ર્ય માટે લડતા દેશના પ્રયાસો દ્વારા રચાતા ઇતિહાસને દેશભરમાં એક માત્ર કનુભાઈએ વ્યાપક રૂપે ચિત્રો અંકિત કર્યા છે. ઈસવીસન ૧૯૩૧માં તેમણે મહાત્મા ગાંધી નામે એમના ચિત્રો પ્રગટ કરેલા.

પછી તો એમણે શુદ્ધ ભારતીય ભાવનાઓ અને ગુજરાતની અસ્મિતાના સ્પર્શ સાથે પોતાનાં કલ્પના પ્રચૂર ચિત્રો દ્વારા એમણે એનું કાવ્યમય સુંદર સ્વરૂપ પ્રસાર્યુ. ભાવના, કલ્પના કે સર્જનના પ્રમાણમાં અન્ય કોઈ ગુજરાતી કલાકાર એમને આંબી શક્યો નથી. એમનું ચિત્ર પ્રદર્શન બીજા બધા કરતાં તદ્દન અનોખું જ રહેતું. જીવનના અતિ સામાન્ય પ્રસંગોમાંથી પણ કદી કોઈને ન સ્ફૂરે એવું કઈક નવું એમણે કરી બતાવ્યું હતું.

પ્રમાણબધ્ધ ચિત્ર સંયોજન અને ગુઢ છતાં મનોહારી રંગ દર્શન કરાવે તેવી એમની ઉછળતી ભાવોર્મિઓ હંમેશા પ્રણાલીગત વહેણો કરતાં સ્વતંત્ર અને નવા જ માર્ગે વહેતી જણાય છે. માત્ર ચિત્ર સર્જનો જ નહીં એમણે તો નંદબાબુસાથે હરીપુરા કોંગ્રેસનું શોભન કાર્ય પણ કરેલું. પૂર્ણિમા, ભરત મિલાપ, રામરાજ્ય, મીરા અને વ્હી. શાંતારામની ફિલ્મોમાં તેમણે કલા નિર્દેશન પણ કરેલું. ગીત ગોવિંદ નામની એક ફિલ્મ પોતે પણ બનાવી હતી. ગુજરાતનું અલગ રાજ્ય રચાયું તે પછી ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસના અધિવેશનમાં કનુભાઈએ માત્ર ગણતરીના દિવસોમાં જ ગુજરાતનું જે દર્શન કરાવ્યું એ પણ મોટી સિદ્ધિ હતી. ૧૯૬૪માં ન્યૂયોર્કમાં નિકોલસ રોરીક મ્યુઝિયમમાં પણ એમણે પોતાના ચિત્રો પ્રદર્શિત કરેલા. ગાંધી જન્મ શતાબ્દી સમયે ગાંધીજીની જીવન કથા વર્ણવતી ૧૬ ડબ્બાની બે આખી ટ્રેન તેમણે તૈયાર કરી આપી હતી.

ઈસવીસન ૧૯૩૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૬૫માં ગુજરાત સરકારે કરેલા તેમના સન્માન ઉપરાંત અનેક માન-સન્માનોથી તેઓ વિભૂષિત હતા. પુસ્તકોના લગભગ પાંચેક હજાર જેટલાં કથાચિત્રો, સુશોભનો અને આવરણો, ૩૦ ચિત્ર સંપૂટો, ૫૫ થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન, લગ્ન પત્રિકાઓ ને આમંત્રણપત્રો વગેરે જેવા નાના મોટા સેંકડો કલામય નમૂનાઓ વગેરેમાં એમની કલાના અતિ વિસ્તૃત વ્યાપ વડે તેમણે જનસમાજને કલાભિમુખ બનાવ્યો એ એમનું ગૌરવવંતું યોગદાન છે.

ગુજરાતની અસ્મિતાની કૂચમાં ગુજરાતની કલાનો ઝળહળતો ધ્વજ પણ ફરકે છે અને બહાર પણ તેની ધૃતિ પ્રસરી રહી છે. એ પ્રકાશ પાથરનારાઓમાં કનુ દેસાઈનું નામ હંમેશા અગ્રગણ્ય રહેશે.

રંગ રેખાના કલાધર શ્રી કનુ દેસાઈ વિશેનું આ પુસ્તક, તેમાંની સામગ્રી અને ચિત્ર કૃતિઓ આવનારી પેઢીને પ્રેરણા પૂરી પાડશે.

કનુ પટેલ

કનુ પટેલ : સંપાદક

આર્ટ ટીચર્સ ડિપ્લોમા અને પેઈન્ટિગ ડિપ્લોમાનો અભ્યાસ, વલ્લભ વિદ્યાનગર.

ચિત્રકાર, નાટ્ય કલાકાર ટી.વી., ફિલ્મ અભિનેતા, નિર્દેશક, કલા મિમાંસક, ચિત્રકલા માટે લલિતકલા અકાદેમી દ્વારા ગૌરવ પુરસ્કાર. કલા અને અભિનય માટે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક પુરસ્કારો. પચાસથી વધારે એકલ પ્રદર્શનો, પંચોતેરથી વધારે સમૂહ પ્રદર્શનો, પાંત્રીસથી વધારે જીવંત ચિત્ર પ્રસ્તુતિઓ.

હાલમાં: માનદ નિયામક, સીવીએમ કોલેજ ઓફ ફાઈન આર્ટસ અને ઈપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટસ, વલ્લભવિદ્યાનગર, પ્રમુખ: આનર્ત આર્ટ એસોસિએશન, લજ્જા રંગ મંચ, આણંદ, ગુજરાત.  

 

કનુ દેસાઈનો પરિચય

કનુ દેસાઈ (જ. 12 માર્ચ 1907, અમદાવાદ; અ. 8 ડિસેમ્બર 1980, મુંબઈ) : ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર. રવિશંકર રાવળ દ્વારા સ્થપાયેલી સંસ્થા ઘરશાળા અને પછી રવિશંકર રાવળે સ્થાપેલા ‘ગુજરાત ચિત્રકલા સંઘ’માં તૈયાર થયેલા ગુજરાતના ચિત્રકારોના અગ્રણી તેજસ્વી પ્રતિનિધિ. તેમણે પોતાના કલાગુરુની બંગાળ-શૈલીની જળરંગી ચિત્રપદ્ધતિનો વિશેષ પ્રભાવ ઝીલ્યો. તેમને શાંતિનિકેતન ખાતે નંદબાબુ પાસે પણ કલા-સંસ્કાર પામવાની તક મળી. ત્યાંથી પાછા ફર્યા પછી 1920માં તેમણે ‘સત્તર છાયાચિત્રો’ નામનો સર્વપ્રથમ ચિત્રસંપુટ પ્રગટ કર્યો. 1930માં તેમણે દાંડીયાત્રામાં ભાગ લીધો હતો. એ પ્રસંગવિશેષને આવરી લેતો એક ચિત્રસંપુટ પણ તેમણે પ્રગટ કર્યો હતો. તેમણે 15,000થી વધારે ચિત્રો અને 30 જેટલા સંપુટો આપ્યા છે.

થોકબંધ ચિત્રો મારફત તેમણે ચિત્રકલાને શહેરોનાં જ નહિ, ગામડાંનાંય ઘરો સુધી પહોંચાડી સૌપ્રથમ વાર કલાને વ્યાપક સ્તરે લોકભોગ્ય બનાવી. કૅલેન્ડર, ફોટા, શુભેચ્છાકાર્ડ, ચિત્રસંપુટ, પુસ્તકો તથા દીપોત્સવી અંકોનાં મુખપૃષ્ઠો, પ્રસંગવિશેષની ભેટ માટેનાં આલબમ એમ અનેકવિધ રૂપે તેમનાં ચિત્રો લોકસમુદાય સુધી પહોંચ્યાં અને તેથી સામાન્ય જનની કલાર્દષ્ટિમાં પરિવર્તન પણ જોવા મળ્યું. તેમની કલાના આવા વ્યાપક પ્રભાવનું કારણ તે તેમની ચિત્રશૈલીની સાદગી. સરળ–સુગમ વિષયો, જોતાવેંત સમજાય તેવું ચિત્રસંયોજન (composition), કદાચ પહેલી જ વાર જોવા મળતી રેખાઓની માધુર્યસભર નમણાશ અને ભડકીલા નહિ, પણ સૌમ્ય રંગોની મોહકતા – એ તેમની શૈલીની તરી આવતી લાક્ષણિકતા હતી.

તેમણે ગુજરાતની તળપદી લોકકલાઓમાં પણ ઝીણવટભર્યો અને નિષ્ઠાપૂર્વક રસ લીધો તેમજ ગુજરાતના કલાજગતમાં તેને નવેસર પ્રતિષ્ઠા અપાવી. આ ઉપરાંત ગુજરાતનાં ગામડે ગામડે પ્રચલિત બનેલી રંગોળીની કલાનું તેમણે નવસંસ્કરણ કર્યું. વસ્ત્ર-ડિઝાઇન ક્ષેત્રે પણ તેમણે મૌલિકતા દાખવી. તેમની અન્ય મહત્વની કામગીરી તે તેમનાં સુશોભન-કાર્યો. આમાં ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાતી સાહિત્ય પરિષદ તથા હરિપુરા કૉંગ્રેસ અધિવેશન જેવા પ્રસંગે તેમણે તૈયાર કરેલાં સુશોભનચિત્રો ખાસ આકર્ષણ કરે તેવાં નીવડ્યાં હતાં.

1950 પછી તે મુંબઈના ફિલ્મ-ઉદ્યોગ ક્ષેત્રે કલા-નિર્દેશક તરીકે જોડાયા. 60 જેટલાં હિન્દી-ગુજરાતી ચલચિત્રોમાં તેમણે ર્દશ્યસજાવટ તથા સેટના કલાનિયોજનની કામગીરી દક્ષતાપૂર્વક પાર પાડી; એમાં પણ વિજય ભટ્ટ દિગ્દર્શિત ‘રામરાજ્ય’નું તથા વી. શાંતારામનાં ચલચિત્રોનું કલાનિર્દેશન ખૂબ પ્રશંસનીય નીવડ્યું.

1934માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલાવિભાગના અધ્યક્ષ તરીકે તેમની વરણી થયેલી. 1938માં તેમને રણજિતરામ ચંદ્રક અપાયો અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તરફથી 1965માં તેમનું બહુમાન કરાયું હતું.

— અમિતાભ મડિયા