સહરાની ભવ્યતા
રઘુવીર ચૌધરી
ગુજરાતીના જે લેખકોનાં રેખાચિત્રો અહીં આલેખન પામ્યાં છે એ પચીસેપચીસ વ્યક્તિઓ આપણા પ્રતિભાશાળી લેખકો છે. અંતરંગ પરિચયની રીતે એમનાં વ્યક્તિમત્તા અને એમની કાર્યશીલતા અહીં સરસ ઉઘાડ પામ્યાં છે.
દરેક વ્યક્તિચિત્ર લેખના આરંભથી જ વાચકને કોઈ પ્રસંગથી કે કોઈ સ્વભાવલક્ષણથી પકડમાં લે છે. જેમકે ઉમાશંકર જોશી વિશેના લેખનો આરંભ જુઓ : પ્રેમ પક્ષપાત ન બની જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે.
આ લેખોમાં, હળવાશ અને માર્મિકતાના પ્રવાહમાં વ્યક્તિરેખાંકન થતું જાય છે એ સ્પૃહણીય તો બને જ છે, વળી લેખક રેખાંકિત વ્યક્તિની ભીતર લઈ જાય છે એથી આ ચરિત્રલેખો વિચારણીય પણ બને છે. પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, કેટલાંક લખાણોમાં અભ્યાસલેખનું સ્વરૂપ પણ દાખલ થયું છે. અલબત્ત, એથી એ લખાણોએ પ્રાસાદિકતા છોડી નથી.
બધાં જ રેખાંકનોમાં મનને ગમી જાય એવી પ્રેરકતા અને તાજગી છે. તો પ્રવેશીએ –
રઘુવીર ચૌધરી

રઘુવીર દલસિંહ ચૌધરી, ‘લોકાયતસૂરિ’, ‘વૈશાખનંદન’ (૫-૨-૧૯૩૮): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચડી. બી.ડી.આર્ટસ કોલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ.કા.આર્ટસ કોલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન, ૧૯૭૭થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર તેમજ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકર, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી. નિવૃત્તિ પછી રંગદ્વાર પ્રકાશન અને વતનમાં ખેતીવાડીના કામોમાં વ્યસ્ત.
રઘુવીર ચૌધરી વિપુલ અને નોંધપાત્ર નવલકથાલેખન દ્વારા સતત વંચાતા – વિવેચાતા નવલકથાકાર છે. નોવેલ ઑફ આઈડિયાનું નોંધપાત્ર દૃષ્ટાંત 'અમૃતા’ છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષ સંબંધની સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી તેમની વાર્તાઓમાં વૈયક્તિક સંવેદનથી વ્યાપક અનુભવ તરફની ગતિ જોઈ શકાય છે. તેમની કવિતામાં વતન પ્રત્યેની અતૂટ માયા અને શહેરી વસવાટને કારણે અનુભવાતી જુદાઈની વેદના જોઈ શકાય છે. એકાંકી – નાટક, ચરિત્ર, નિબંધ, વિવેચન, સંપાદનક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.