ગુજરાતી કવિતાનો આસ્વાદ
સુરેશ જોષી
સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ – વિવેચન
આજથી પાંત્રીસેક વર્ષ પહેલાં આનન્દશંકરે ‘વસન્ત’માં ‘કાન્ત’ના ‘વસન્તવિજય’નું ‘રસવિવેચન’ કરતાં પ્રશ્ન પૂછ્યો હતો: ‘ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે પણ તે કરતાં એ રસપાનનું તરસ્યું હોય તો વધારે સારું નહિ?’ અહીં ‘વિવેચન’ અને ‘રસવિવેચન’ વચ્ચે એમણે ભેદ કર્યો છે. ‘કાન્ત’નાં જ કાવ્યો લઈને આનન્દશંકર, બ.ક. ઠાકોર, ડોલરરાય માંકડ, રતિલાલ જાની, મનસુખલાલ ઝવેરી, ભૃગુરાય અંજારિયા વગેરેએ ઝીણવટથી કાવ્યચર્ચા કરી છે તે પણ એક સૂચક ઘટના છે. આજે, આનન્દશંકરે પ્રશ્ન કર્યો ત્યાર પછી પાંત્રીસ વર્ષ બાદ કાવ્યના રસવિવેચનની ઊણપ એવી ને એવી વરતાય છે.
કવિતાની રચના તો એક સાહસ છે જ, પણ કવિતા વિશે લખવું એય કાંઈ જેવું તેવું સાહસ નથી; તેમાંય સમકાલીનોની કવિતા વિશે લખવું એ તો દુસ્સાહસ જ ગણાય. આ જાણવા છતાં એવું દુસ્સાહસ શા માટે કર્યું તેની કેફિયત આપવી ઘટે. કાવ્યના રસાસ્વાદને અપ્રસ્તુત એવા અનેક પ્રશ્નોની ‘વિદ્વત્તાપૂર્ણ’ ચર્ચાઓ તદ્વિદો કરતા રહે, પણ એમની પરિભાષા પોતે જ વાડ બનીને પૃથક્જનને કાવ્યથી દૂર રાખે તો સરવાળે કાવ્યનેય કશો લાભ ન થાય. પૃથક્જન કાવ્યથી દૂર જ જતો જાય, કાવ્યમાં દુર્બોધતાની ફરિયાદ થવા લાગે, કવિ પણ પોતાના અલગારીપણાને ખુમારીથી માણતો થઈ જાય; કાવ્ય અને એના ભાવક વચ્ચેનું અન્તર વધતું જાય ત્યારે વિવેચકને માથે એ બંને વચ્ચે મધ્યસ્થનું કાર્ય બજાવવાનું આવે. રસમીમાંસાની શાસ્ત્રીય પરિભાષાના ચોકઠામાં કાવ્યને તરકીબથી ગોઠવી આપવાને બદલે, જાણે પોતે કાવ્યના સર્જનની પ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે, એની રચનાપ્રક્રિયાનો પ્રત્યક્ષ પરિચય કરાવવાનો એણે પ્રયત્ન કરવો ઘટે. વ્યવહારના અનુભવમાંથી પ્રાપ્ત થતાં ઉપાદાનને કવિ પોતાની વિશિષ્ટ શક્તિથી આગવું રૂપ આપીને રસાસ્વાદની સામગ્રીમાં કેવી રીતે પલટી નાંખે છે તે એણે બતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વ્યવહારમાં થતા સુખદુ:ખના અનુભવો અને રસાસ્વાદ – આ બે વચ્ચેનો પાયાનો ભેદ જો ન સ્વીકારીએ તો કાવ્યવિવેચનમાં ઘણી મોટી ગૂંચ ઊભી થવાનો ભય રહે છે. કાવ્યમાં આસ્વાદનો વિષય શો છે? આપણને અભિમત એવી કશીક લાગણી, ઊર્મિ અભિગ્રહ, નૈતિક ભાવના? કે પછી એ બધાંને નિમિત્તરૂપ લેખીને થતું અદ્વિતીય રૂપનિર્માણને માટેનું કવિનું સર્જનકર્મ? એક જ કૃતિ આપણે જુદાં જુદાં કારણોથી સારી ગણીએ એવું બને. રસાસ્વાદની સામગ્રી વ્યવહારના અનુભવમાંથી જ નિપજાવી લેવાની હોય છે એ સાચું; પણ એ કક્ષા સુધી પહોંચ્યા પહેલાં જ જો આપણે અટકી જતાં હોઈએ કે કવિ પણ પૂરતું તાટસ્થ્ય કે નિર્મમતા રાખી ન શકવાને કારણે પોતાના નિર્માણમાં પોતાના વ્યાવહારિક વ્યક્તિત્વની આક્રમક વૃત્તિને જ વિઘ્નરૂપ બનતાં ટાળી ન શકતો હોય તો રસાસ્વાદમાં ક્ષતિ થવાની જ.
આપણા જમાનાની રફતાર ભારે તેજ છે. પરિવર્તનોને પૂરાં સમજી લઈએ તે પહેલાં તો જમાનો કેટલોય આગળ વધી ગયો હોય છે. બાહ્ય પરિસ્થિતિમાં થતાં રહેતાં આવાં પરિવર્તનો, એ પરિસ્થિતિ પ્રત્યેના આપણા પ્રતિભાવો પર એની પડતી અસર, યાન્ત્રિકતાના વધતા વર્ચસ્ને કારણે આપણું કુણ્ઠિત થતું જતું ઊમિર્જીવન – આ બધું પણ કાવ્ય અને ઇતર સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યેના આપણા વલણના પર અસર પાડે છે. આથી સાક્ષરોની નવા પ્રકારની નિરક્ષરતાનો આપણને પરિચય થાય છે. જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પ્રયોજાતી ભાષાને પોતપોતાના પ્રયોજન અનુસાર સૌ કોઈ અનુકૂળ ઘાટ આપે છે. પણ આપણા યુગમાં હિટલર જેવા આપખુદ સરમુખત્યારે ભાષાને પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાના શસ્ત્ર તરીકે પ્રયોજી હતી તે આપણે જાણીએ છીએ. રાજકારણના ક્ષેત્રમાં મુત્સદ્દીઓ આજેય ભાષાનો એવો ઉપયોગ કરી રહ્યા છે. આથી ‘સત્ય’, ‘શાન્તિ’, ‘સહઅસ્તિત્વ’ના સંકેતો બદલાતા રહે છે. આવા સંજોગોમાં કવિ સિવાય કોણ ભાષાને શુદ્ધ રાખી શકે?
કવિ નવી ભાષા નથી ઘડતો, વ્યવહારની ભાષામાંથી જ એ નવા સંકેતો ઊપજી આવે એવો સન્દર્ભ રચે છે. આ સન્દર્ભની રચના સમજવી, શબ્દમાંથી પ્રગટ થતી આ શક્તિનો પરિચય આપવો એ રસાસ્વાદની પ્રવૃત્તિનું અનિવાર્ય અંગ છે કારણ કે એમાં જ કવિકર્મનો વિશેષ રહેલો છે. આપણા બધામાં રતિ, ઉત્સાહ, જુગુપ્સા, કરુણા, નિર્વેદ વગેરે ભાવો રહેલા છે. પણ એનો વિશિષ્ટ રૂપે સાક્ષાત્કાર કરવાની અનન્ત શક્યતાનો પરિચય કવિ આપણને કરાવે છે. આપણે કઈ અપેક્ષાઓ લઈને કવિતા પાસે જઈએ છીએ તે પણ તપાસવું જરૂરી બની રહે છે. મમ્મટ કાવ્યનાં પ્રયોજનમાં યશ, શિવેતરક્ષતયે, કાન્તાની રીતે અપાતો ઉપદેશ વગેરે ગણાવે છે ખરો, છતાં કાવ્યની મીમાંસા કરતી વેળાએ પ્રાધાન્ય આપે છે શબ્દની શક્તિને. કવિતા પાસેથી પણ વ્યવહારનું કામ કઢાવી લેવાની વૃત્તિ રાખીએ તો કવિના સર્જનકર્મનું આપણે પૂરું ગૌરવ કરતા નથી એમ જ કહેવું પડે.
કવિતાથી ધીમે ધીમે વિમુખ થતી જતી પ્રજાને ફરીથી કાવ્યાભિમુખ કરવી એ સહૃદયોનું કર્તવ્ય છે. આ દિશામાં, કાવ્યને માટેની પ્રીતિથી પ્રેરાઈને, યત્કિંચિત્ કરી છૂટવાનો આ નમ્ર પ્રયત્ન છે. આ કાર્યને માટે મારાથી વિશેષ અધિકાર ધરાવનાર સહૃદયો છે તે હું જાણું છું. મારા પ્રયત્નને એઓ ક્ષમાદૃષ્ટિથી જોઈને યથાયોગ્ય માર્ગદર્શન આપશે તો હું એમનો ઋણી રહીશ.
પુસ્તકમાં જે ક્રમમાં કાવ્યો છાપ્યાં છે તે ક્રમમાં મૂળ લેખમાળામાં મેં નહોતાં લીધાં. શરૂઆત ‘સદ્ભાવના’થી કરી હતી. પછી ક્રમશ: વાચકનો કાવ્યના અન્તરંગમાં વધુ ને વધુ પ્રવેશ થતો રહે એ રીતે કાવ્યો પસંદ કર્યાં હતાં. અહીં પસંદ કરેલાં કાવ્યો તે તે કવિની શ્રેષ્ઠ કૃતિ છે એમ માનવાનું નથી. કેટલીક વાર કોઈ કૃતિ તે કવિની લાક્ષણિક કે પ્રતિનિધિરૂપ કૃતિ ન હોય એવું પણ બને. આપણી કવિતા નરસિંહરાવથી તે ગુલામમોહમ્મદ શેખ સુધી શું સિદ્ધ કરવા મથતી રહી છે, કાવ્યબાની કેવી ઘડાતી રહી છે, છન્દોના વિનિયોગ પરત્વે થયેલા પ્રયત્નો કેવા સ્વરૂપના છે, અલંકારરચનાની દૃષ્ટિ કેવું પરિવર્તન પામી છે અને આ બધાંને પરિણામે આપણે કાવ્યત્વ કેટલી માત્રામાં સિદ્ધ કરી શક્યા છીએ તેનો કંઈક ખ્યાલ, કેવળ સિદ્ધાન્તચર્ચા કરીને નહીં પણ કૃતિને જ નજર સમક્ષ રાખીને આપવો ને એમ કરવામાં શાસ્ત્રીય પરિભાષાને બને ત્યાં સુધી ટાળવી એવી પદ્ધતિ મેં અહીં અખત્યાર કરી છે. કાવ્યનું વક્તવ્ય જે સ્વરૂપ પામે છે તે શી રીતે પામે છે તે બતાવવા તરફ મારું વિશેષ લક્ષ છે. નાનાલાલનું ‘વીરની વિદાય’ કાવ્ય જે વિષયને નિરૂપે છે તે તો મધ્યકાલીન રાજપૂત વીરના જીવનનો પ્રસંગ છે. એનાથી તો આપણે બહુ દૂર નીકળી આવ્યા છીએ. આપણી વીરત્વની વિભાવના પણ બદલાઈ ગઈ છે. તેમ છતાં આપણે એ કાવ્યને માણી શકીએ છીએ તેનું કારણ શું? એ કાવ્યમાં વીરરસનું નિરૂપણ કરવામાં જ શૃંગાર વ્યંજિત થાય છે. રસધ્વનિ ઉપજાવવાની કવિની રીતિ અહીં આસ્વાદ્ય બની રહે છે, ને એમ કરવા માટે વિષય તો નિમિત્તરૂપ બન્યો છે.
કાવ્યનો આ રીતે પરિચય કરાવવામાં કેટલાંક ભયસ્થાનો રહેલાં છે તે હું જાણું છું. ગદ્યાન્વયમાં, ઝાઝી મુશ્કેલી વિના, ફેરવી શકાય એવા કાવ્યના અર્થથી જ ટેવાયેલા વાચકને કાવ્યમાં અનિવાર્યતયા રહેલી નીહારિકાના જેવી સમૃદ્ધ અસ્પષ્ટતા કે સન્દિગ્ધતાના સમ્પર્કમાં મૂકી દેવો ને એ રીતે એની કલ્પનાને વ્યાપરશીલ બનાવી કાવ્યના મર્મ સુધી આપમેળે પહોંચવા અગ્રસર કરવો એ વલણ મેં રાખ્યું છે. આથી કેટલીક વાર રસાસ્વાદને નામે અનિયન્ત્રિત સ્વૈરવિહારમાં આપણે સરી પડીએ, કવિને અભિપ્રેત ન હોય એવું કશુંક તૃતીયમ્ એમાંથી કાઢી બતાવવાની આપણી નિપુણતા પર જ વારી જઈએ એવું બને. આ ભયસ્થાનોની મને જાણ છે. પણ મને એવો વિશ્વાસ છે કે કાવ્ય પોતે જ એવા યદૃચ્છાવિહારોને નિયન્ત્રિત કરવાની શક્તિ ધરાવતું હોય છે. કવિને શું અભિપ્રેત હોય છે તે આપણે મન ઝાઝા મહત્ત્વનું નથી, કારણ કે કૃતિ કર્તાને અતિક્રમી જાય છે. કૃતિ રચાઈ ચૂક્યા પછી તો કર્તા આપણા પૈકીનો જ બની રહે છે. આથી કવિએ અમુક પંક્તિનો અમુક અર્થ કર્યા છે એ પ્રમાણ હંમેશાં વજનદાર ગણવું જોઈએ એવું નથી. કાવ્યની રચનાને શિસ્તની અપેક્ષા છે, એ અનિયન્ત્રિત યદૃચ્છાવિહાર નથી. એનાં અંગઉપાંગોની વચ્ચેની વ્યવસ્થાનું આગવું ઋત હોય છે. આ જ કારણે કળાકૃતિના પ્રતિભાવમાં પણ જો અનિયન્ત્રિત સ્વૈરાચરણ દેખાય તો તેને આપણે તરત પકડી પાડી શકીએ. તેમ છતાં ગદ્યાન્વયના ચોકઠામાં બેસતા અર્થ પૂરતી જ ગરજ રાખનાર કાવ્યની વ્યંજનાના વિસ્તારને અસન્દિગ્ધતા કે અર્થહીન અસ્પષ્ટતા કહીને ભાંડવાની અસહિષ્ણુતા સેવે ( એમ કરવામાં, કેટલીક વાર દુર્ભાગ્યે કવિના વચનને જ પ્રમાણ તરીકે ટાંકીને!) તો તે પણ રસાસ્વાદમાં વિઘ્નરૂપ જ નીવડે. એક બાજુથી ગાંઠનું કાવ્ય પર આરોપીને, કાવ્યને નિમિત્તરૂપ બનાવીને, પોતાના નૈપુણ્યની જાહેરાત કરવાની વૃત્તિ જેમ કાવ્યાસ્વાદમાં અપકારક નીવડે તેમ કાવ્યની સમૃદ્ધ અસન્દિગ્ધતાને નિશ્ચિત અર્થમાં ગોઠવી એ પરત્વે મતૈક્યનો દુરાગ્રહ રાખવો એ પણ એટલું જ અપકારક નીવડે તે ભૂલવાનું નથી.
કવિમિત્રોને મેં કરાવેલા આસ્વાદથી કેટલીક વાર સન્તોષ થયો નથી. મુ. ઉમાશંકરે તો શરૂઆતમાં જ એમનો અસન્તોષ પ્રકટ કરેલો. આમ છતાં, મારું વલણ કાવ્યને અન્યાય ન થાય તે જોવાનું રહ્યું છે. આ કાવ્યોની ચર્ચાને નિમિત્તે કાવ્યવિવેચનના કેટલાક પાયાના પ્રશ્નો આપોઆપ છેડવા પડ્યા છે, પણ કાવ્યોને એ પ્રશ્નો છેડવાના નિમિત્તરૂપ મેં ગણ્યાં નથી. આવા પ્રશ્નોના ઉત્તર પરત્વે મતૈક્ય નહીં સમ્ભવે ને મને ઉદ્દિષ્ટ પણ નથી તે દેખીતું છે. પણ કાવ્યરચનાનો વ્યાપાર વધારે સૂક્ષ્મતાથી આપણું વિવેચન તપાસતું થાય, એનાં કેટલાંક ગૃહીતોની ફેરતપાસ કરે, કવિના વક્તવ્ય કરતાં કવિના સર્જનકર્મ તરફ એ વધુ ધ્યાન આપે તો રસાસ્વાદની સાચી દિશામાં આપણે આગળ વધી શકીશું.
મેં પહેલાં કહ્યું તેમ, સમકાલીનોની કવિતા વિશે લખવું એ દુસ્સાહસ છે. મારા તરફથી એટલી ખાતરી આપી શકું કે મેં કર્તાને નહીં પણ કૃતિને લક્ષમાં રાખી છે. આપણો કવિ આપણી ભાષાની ગુંજાયશ કેવી રીતે વધારતો રહ્યો છે તે બતાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. આથી વિષયવૈવિધ્યને મેં ગૌણ લેખ્યું છે. ‘અર્વાચીનતા’,’નવીનતા’, ‘સમસામયિક પરિબળો’, ‘કવિની જીવનદૃષ્ટિ’ – આ સંજ્ઞાઓ મેં બને ત્યાં સુધી ટાળી છે. એની ચર્ચા રસાસ્વાદમાં હંમેશાં ઉપકારક નીવડે એમ મને લાગ્યું નથી. કાવ્ય વિશેની કોઈ નિશ્ચિત વિભાવનાને સમ્પ્રજ્ઞાતપણે મનમાં રાખીને એ માપથી કૃતિઓને મૂલવવાનો આ પ્રયત્ન નથી, કારણ કે મૂલવવા કરતાં આસ્વાદવા તરફ જ મારો ઝોક વધુ છે. આમ છતાં કોઈ કવિમિત્રોને અન્યાય થયેલો લાગે તો તેમની ક્ષમા યાચું છું. મારો આ નમ્ર પ્રયત્ન આ ક્ષેત્રના સાચા અધિકારીઓને આ દિશામાં પ્રવૃત્ત કરવાના નિમિત્ત રૂપ બને તોય હું સાર્થકતા અનુભવીશ.
– સુરેશ હ. જોષી
સુરેશ જોષી
સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત્યની એક અનોખી પ્રતિભા હતા.
કોઈપણ સાહિત્યમાં જુદીજુદી શક્તિવાળા અનેક લેખકો હોવાના, કેટલાક વિશેષ પ્રભાવશાળી પણ હોવાના; પરંતુ, આખા સાહિત્યસમયમાં પરિવર્તન આણનારા તો સદીમાં એકબે જ હોવાના – સુ.જો. એવા એક યુગવર્તી સાહિત્યકાર હતા.
એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. એ પ્રકૃતિના સૌંદર્યની, એની રહસ્યમયતાની એમના સર્જકચિત્ત પર ગાઢ અસર પડી.
મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. પણ એમની લાંબી કારકિર્દી (1951-1981) તો વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહી. વડોદરા જ એમની ઉત્તમોત્તમ સાહિત્યપ્રવૃત્તિનું થાનક બન્યું.
સુરેશ જોષીએ વિશ્વભરના સાહિત્યનો વિશાળ અને ઊંડો પરિચય કેળવ્યો. એ સમય પશ્ચિમનાં ચિંતન અને સાહિત્યમાં આધુનિકતા–modernityનો હતો. એના પરિશીલનદ્વારા પરંપરાગત ગુજરાતી સાહિત્યના પ્રવાહને એમણે, પ્રભાવક લેખનથી આધુનિકતાવાદી આંદોલનની દિશામાં પલટ્યો. સતત લખતા રહીને એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી આપીને એક નવા યુગની આબોહવા પ્રગટાવી.
સર્જક તરીકે એમણે કવિતા અને નવલકથા તો લખ્યાં જ, પણ એમની સર્જકતાનું શિખર એમની વિલક્ષણ ટૂંકી વાર્તાઓ. ‘ગૃહપ્રવેશ’(1957)થી શરૂ થતા એ વાર્તાપ્રવાહથકી એમણે માનવચિત્ત અને સંવેદનનાં ઊંડાણોનો પરિચય કરાવતી વિશિષ્ટ વાર્તા રચી – માત્ર કથા નહીં પણ રચના, એ સુરેશ જોષીનો વાર્તા-વિશેષ.
સુરેશ જોષીનું બીજું સર્જક-શિખર તે એમના સર્જનાત્મક, અંગત ઉષ્માવાળા લલિત નિબંધો. ‘જનાિન્તકે’(1965)થી શરૂ થયેલો એ આનંદ-પ્રવાહ બીજાં પાંચ પુસ્તકોમાં વિસ્તર્યો.
આવી બહુવિધ પ્રતિભાવાળા વિદગ્ધ વિવેચક અને સર્જક હોવા ઉપરાંત સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સર્જકો - વિવેચકો માટે પ્રેરણારૂપ પણ બન્યા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો નવો પ્રવાહ પ્રગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.
(પરિચય - રમણ સોની)