સુમન શાહ સાહિત્યસંપુટ

જયેશ ભોગાયતા : સંપાદક

જયેશ ભોગાયતા : સંપાદક

વિવેચક, વાર્તાકાર, કવિ અને કથાસાહિત્યના મર્મી ડૉ. જયેશ ભોગાયતાનો જન્મ ૧૭ એપ્રિલ, ૧૯૫૪ના રોજ ભાણવડ, જામખંભાળિયામાં. પ્રાથમિક શિક્ષણ જામખંભાળિયા અને વેરાડમાં. ડી. કે. વી. આટ્‌ર્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, જામનગરમાં બી.એ. અને ભાષાસાહિત્યભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં એમ.એ. (સુવર્ણચંદ્રક વિજેતા). ભાષાસાહિત્યભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં પ્રો. સુમન શાહના માર્ગદર્શન હેઠળ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ વિષયમાં શોધકાર્ય કર્યું. આટ્‌ર્સ કૉલેજ, શામળાજીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યાર બાદ એમ. એમ. ગાંધી આટ્‌ર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, કાલોલમાં સેવા આપ્યા બાદ એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં રીડર તરીકે જોડાયા. પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ તરીકે ૧૪ જૂન, ૨૦૧૪માં નિવૃત્ત થયા. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન યુ.જી.સી.ના મેજર રિસર્ચ પ્રોજેક્ટમાં સંશોધનકાર્ય કર્યું. ઉપરાંત યુ.જી.સી. દ્વારા સન્માનિત ‘પ્રોફેસર ઈમેરિટ્‌સ’નો ઍવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો. ‘હરકાન્ત મલ્કાની આફ્રિકા ગયો નથી’ (ઈ. ૨૦૧૨) નામનો વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. આ ઉપરાંત તેમની પાસેથી એક કાવ્યસંગ્રહ ‘આપ ઓળખની વાર્તા’ (ઈ. ૨૦૧૩) મળે છે. જેને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર એનાયત થયો હતો. તેમના ગહન અભ્યાસને દર્શાવતો શોધનિબંધ ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ ઈ. ૨૦૦૧માં પ્રગટ થયો. સપ્ટેમ્બર, ૨૦૦૫થી તેમણે ‘તથાપિ’ નામના ત્રૈમાસિકનું સંપાદન શરૂ કર્યું. હાલમાં તેમણે ‘ગુજરાતી નવલકથા પરિચય કોશ’નું(એકત્ર ફાઉન્ડેશન) સંકલન-સંપાદન કર્યું, જેમાં ૧૮૦ વર્ષની ગુજરાતી નવલકથા સર્જનકાળને સમાવી લેતા ઐતિહાસિક ક્રમ અનુસાર ૧૫૩ નવલકથા વિશેનાં અધિકૃત અધિકરણોનો સમાવેશ થાય છે. હાલમાં તેઓ ‘ગુજરાતી ટૂંકી વાર્તા વહેણ અને વળાંકો’ (એકત્ર ફાઉન્ડેશન) શીર્ષકથી ગુજરાતી નવલિકા સર્જનયાત્રાનું સંકલન-સંપાદન કરી રહ્યા છે.

વિવેચક તરીકે તેમનાં પુસ્તકો આ મુજબ છે : ‘અનુબંધ’ (ઈ. ૨૦૦૧), ‘કથાનુસંધાન’ (ઈ. ૨૦૦૪), ‘આવિર્ભાવ’ (ઈ. ૨૦૦૬) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અર્થવ્યક્તિ’ (ઈ. ૨૦૦૮) ‘વાચનવ્યાપાર’ (ઈ. ૨૦૧૧) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત, ‘અભિવ્યાપ્તિ’ (ઈ. ૨૦૧૯) ‘અનુસંધાન’ (ઈ. ૨૦૨૨). આ ઉપરાંત તેમની પાસેથી કેટલાંક નોંધપાત્ર સંપાદન પણ મળે છે. જે આ મુજબ છે : ‘સંક્રાતિઃ સર્જાતી ગુજરાતી ટૂંકીવાર્તાનું સંપાદન’ (ઈ. ૧૯૯૪), ‘સ્વરૂપસન્નિધાન’ (ઈ. ૧૯૯૯) સહસંપાદન, ‘કલામીમાંસા સન્નિધાન’ (ઈ. ૨૦૦૨) સહસંપાદન, ‘નિરૂપણરીતિકેન્દ્રી ગુજરાતી વાર્તાસંચય’ ભાગ-૧, ૨ (ઈ. ૨૦૦૫), ‘કિશોર જાદવની વાર્તાઓ’ (ઈ. ૨૦૧૦), રામચંદ્ર શુક્લ સંપાદિત ‘નવલિકા સંગ્રહઃ પુસ્તક પહેલું અને બીજું’ની બીજી આવૃત્તિનું સંપાદન (ઈ. ૨૦૧૧) ‘ગુજરાતી નવલિકાચયન ૨૦૧૧’ (ઈ. ૨૦૧૩), ‘ગુજરાતી સાહિત્ય વિવેચનમાં ટૂંકીવાર્તાની સ્વરૂપવિચારણા’ ખંડ ૧ અને ૨ (ઈ. ૨૦૧૬), તથા ‘ધૂમકેતુ પૂર્વેની ગુજરાતી ટૂંકીવાર્તા’ (ઈ. ૨૦૧૭). પૂર્વ અને પશ્ચિમની મીમાંસાના સિદ્ધાંતોનો વિનિયોગ અને એ દ્વારા વાર્તાની કલાત્મકતા સિદ્ધ કરતાં તત્ત્વોની તપાસ એ તેમની ટૂંકી વાર્તાની વિવેચનની ધરી છે.

– હીરેન્દ્ર પંડ્યા