તખુની વાર્તા

અજિત ઠાકોર

‘તખુની વાર્તા’ની બાર વાર્તાઓ અજિતે અઢાર વરસની ધીરજથી લખી છે. ‘પરિષ્કૃતિ’ની વિભાવના આપનારાઓ પૈકી એક અજિત ઠાકોર પણ છે. આ બાર વાર્તાઓ કૃતિ અને સંસ્કૃતિથી આગળ વધીને પરિષ્કૃતિમાં પરિણમે છે તે વાચક જોઈ શકશે. અહીં તખુ નામના કિશોરની દૃષ્ટિએ દક્ષિણ ગુજરાતનાં ક્ષત્રિય સમાજજીવનનું ચિત્ર ઉપસાવવાના બહાને સમગ્ર માનવજાતને પીડતી વિષમ પરિસ્થિતિઓ આલેખાઈ છે. અહીં માઈક્રો લેવલે આવતું કુટુંબ મેક્રો યુનિવર્સનાં બધાં લક્ષણો ધરાવે છે. ગામડાના આ કિશોર તખુને વીતરાગ(alienation)નો અનુભવ કરવા માટે શહેરની ભીડમાં જવાની જરૂર નથી પણ ભીડમાં આવી ગયેલા સંબંધો એને આ વીતરાગનો અનુભવ કરાવે છે. ‘ગૂમડું’, ‘કરેણ’, ‘ભમરી’, ‘માવઠું’માં બે પરિસ્થિતિઓ વચ્ચે ઝૂલતા આ કિશોર નાયકને ‘ન યતૌ ન તતૌ’નો અનુભવ રોજિંદો છે. માર્ક્સે કથેલા શોષણના એકમ ‘વર્ગ’ની સાથોસાથ ભારતીય સમાજે ઊભા કરેલા ‘વર્ણ’નું તત્ત્વ ઉમેરાય ત્યારે ગામડા ગામના લોકો સદીઓથી પીડાય છે એવાં ઘાતક શોષણનું નિરૂપણ વાચકને અવાચક કરી દે તો નવાઈ નહીં.
અહીં કિશોર તખુ અને સગી તથા સાવકી માતા, માતા સમાન ભાભી સાથેના સંબંધોની વાર્તાઓ અજિત ઠાકોર જ લખી શકે તેવી સ્વકીય મુદ્રાવાળી થઈ આવી છે. જેના વગર રહી શકાતું નથી અને જ્યાં મોકળાશથી જઈ પણ શકાતું નથી એવાં વતનઝુરાપાનું આલેખન આ વાર્તાઓમાં છે.
એક દાયકાથી પણ વધુ સમય માટે ‘વી’નું કરેલું સહસંપાદન અને બે’ક દાયકા સુધી ‘ગદ્યપર્વ’માં કરેલી વાર્તા સાધનાને કારણે જે પરિષ્કૃતિની વિચારણા અસ્તિત્વમાં આવી અને ત્યારબાદ ‘અનુઆધુનિક’ પ્રવાહમાં જે ભળી ગઈ એ વિશિષ્ટ ગુજરાતી વાર્તાને મજબૂત ટેકો અજિતની વાર્તાઓએ પૂરો પાડ્યો છે.
સંસ્કૃતના પ્રકાંડ પંડિત હોવા છતાં સંસ્કૃતિનો આવો વિપર્યાસ પોતાની વાર્તાઓમાં રચી શકનાર અજિત ગુજરાતી વાર્તાજગતના એકમેવ ઠાકોર છે.

—કિરીટ દૂધાત

અજિત ઠાકોર

અજિતસિંહ ઈશ્વરસિંહ ઠાકોરનો, અજિત ઠાકોરનો જન્મ વાંકાનેડા(તા. પલસાણા, જિ. સુરત)માં થયો હતો. વતન સુરત જિલ્લાનું તરસાડી, કોસંબા (આર.એસ.) ગામ. સંસ્કૃત-ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક (૧૯૭૩) અભ્યાસપૂર્ણ કરી ૧૯૭૩-૭૪માં કંટવા(તા. માંગરોળ, જિ. સુરત)માં શિક્ષક તરીકે જોડાયા. થોડો સમય જંબુસર અને ભરૂચની કૉલેજોમાં ખંડ—સમયના પ્રાધ્યાપક રહ્યા. ૧૯૭૫-૭૭માં રાજપીપળામાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા. નેત્રંગ(જિ. ભરૂચ)માં સંખ્યાધિક વ્યાખ્યાતા તરીકે જોડાઈ, ૧૯૮૩થી એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજ, સુરતમાં સ્થાયી થયા. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરથી સંસ્કૃતના રીડર—પ્રોફેસર તરીકે નિવૃત્ત ૧૯૮૩માં ‘અલંકાર સર્વસ્વ (રુપ્યર્ક) : એક અધ્યયન' વિષયમાં પીએચ. ડી.ની ઉપાધિ મેળવી. તેમને ‘માવઠું’ વાર્તા માટે ૧૯૯૪નો કથા ઍવૉર્ડ, દિલ્હી, ૧૯૯૯માં ઉમાશંકર જોશી પારિતોષિક તેમજ ‘તખુની વાર્તાઓ' (૨૦૦૬) માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. પરિષ્કૃતિ સિદ્ધાંતને સૂત્ર-વૃત્તિરૂપ નિરૂપણ પદ્ધતિથી વ્યાખ્યાયિત કરતો ‘પરિષ્કૃતિવિમર્શ’ ગ્રંથ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થવામાં છે.

—નવનીત જાની