તારાપણાના શહેરમાં
જવાહર બક્ષી
‘તારાપણાના શહેરમાં’ ગઝલસંગ્રહ કવિ જવાહર બક્ષીની ૪૦ વર્ષ સુધી ચાલેલી શબ્દસાધનાનો પરિપાક છે. કવિએ સાડા આઠસો જેટલી ગઝલોમાંથી સાતસો જેટલી ગઝલો રદ કરીને માત્ર ૧૦૮ જેટલી ગઝલો આ સંગ્રહમાં ગ્રંથસ્થ કરી છે. પ્રિયપાત્રનો વિરહ અને આધ્યાત્મિકતા આ ગઝલોનો મુખ્ય વિષય છે. અહીં આધુનિકતા અને જૂનાગઢી અધ્યાસોની છાંટવાળી આધ્યાત્મિકતાનું સુંદર સમન્વય થયેલું છે. ‘કુંડળી ગઝલ’, ‘દોહા ગઝલ’, ‘વિષમ છંદની ગઝલ’, ‘એક પંક્તિના રદીફની ગઝલ’ વગેરે ગઝલો પ્રયોગશીલ છતાં અર્થપૂર્ણ રચાઈ આવી છે. અનેક ગઝલોમાં અહીં કવિનું સંવેદન ચિંતનમાં રૂપાંતરિત થયેલું છે. ‘ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી’ ગઝલમાં આજના માણસની નિઃસહાયતા અને સાંપ્રત જીવનની નિરર્થકતાનો રણકો સ્પષ્ટપણે સંભળાય છે. પરંપરા અને આધુનિકતાનાં સંસ્કારોથી યુક્ત આ ગઝલો ભાષા પરત્વે દાખવેલી નવીન અભિવ્યક્તિ, પ્રાસજન્ય ચમત્કૃતિ, ‘પ્રયોગમુખરતા’ વગરની પ્રયોગશીલતા જેવા ગુણોને કારણે અજોડ છે. આધુનિક ગઝલનું પ્રતિનિધિત્વ કરે એવો આ ગઝલસંગ્રહ આપ સમક્ષ રજૂ કરતાં એકત્ર આનંદ અનુભવે છે.
—અનંત રાઠોડ
જવાહર બક્ષી
કવિ જવાહર બક્ષીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ જુનાગઢમાં થયો હતો. અભ્યાસ બી.કૉમ., સી.એ. સુધીનો. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એમની પાસેથી ‘તારાપણાના શહેરમાં’ (૧૯૯૯) અને ‘પરપોટાના કિલ્લા’ (૨૦૧૨) એમ બે ગઝલસંગ્રહો મળે છે. તેમણે ગઝલ સ્વરૂપને પૂરેપૂરું આત્મસાત કર્યું છે એની પ્રતીતિ એમની ગઝલોમાંથી પસાર થતાં થાય છે. પીએચ.ડી. નિમિત્તે લખાયેલો, નરસિંહ મહેતાની કવિતામાં પ્રગટતી આધ્યાત્મિકતાનું મૂલ્યાંકન કરતો સંશોધનગ્રંથ ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા’ (૨૦૧૯) તેમની તત્ત્વદર્શી વિવેચનશક્તિનો પરિચય કરાવે છે. કવિને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પુરસ્કારો ઉપરાંત નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૯૮–૨૦૦૨), કલાપી પુરસ્કાર (૨૦૦૬), કવિશ્વર દલપતરામ એવોર્ડ (૨૦૧૯), નરસિંહ મહેતા એવોર્ડ (૨૦૨૦) વગેરે પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
–અનંત રાઠોડ